News Continuous Bureau | Mumbai
Mumbai મુંબઈમાં ઉમેદવારી પત્રો પાછા ખેંચવાના છેલ્લા દિવસે ભાજપ-શિંદે સેના અને ઉદ્ધવ સેના-મનસે વચ્ચે દોડધામ જોવા મળી હતી. ભાજપે પોતાની વ્યૂહરચનાથી અનેક બળવાખોરોને મેદાનમાંથી હટાવવામાં સફળતા મેળવી છે. દાદરમાં બળવો કરનાર ભાજપના મહામંત્રી ગજેન્દ્ર ધુમાળેને ખુદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ફોન કરીને યોગ્ય સન્માન આપવાની ખાતરી આપતા તેમણે ફોર્મ પરત ખેંચ્યું હતું. બીજી તરફ, ઉદ્ધવ સેનામાં આદિત્ય ઠાકરેના મતવિસ્તાર વર્લીમાં જ અનેક શાખા પ્રમુખોએ ફોર્મ પરત ન ખેંચતા પક્ષ માટે ચિંતા વધી છે.
ભાજપનું ‘ઓન ધ સ્પોટ’ ડેમેજ કંટ્રોલ
ભાજપના ચૂંટણી પ્રભારી આશિષ શેલાર અને મુંબઈ અધ્યક્ષ અમિત સાટમે બળવાખોરોના ઘરે જઈને તેમને મનાવ્યા હતા. કોલાબામાં એક બળવાખોર ઉમેદવારને મનાવવા માટે તેમને સ્થળ પર જ ‘મંડળ અધ્યક્ષ’ તરીકેની નિમણૂકનું પત્ર સોંપવામાં આવ્યું હતું. જોકે, પ્રભામ 60 માંથી દિવ્યા ઢોલેએ હજુ પણ પોતાની ઉમેદવારી કાયમ રાખી છે.
ઉદ્ધવ સેનામાં બળવો અને રાજીનામા
ઉદ્ધવ સેનાને અંદરખાને મોટો ફટકો પડ્યો છે. ચાંદીવલી અને ગોરેગાંવમાં બહારના ઉમેદવારોને ટિકિટ આપવાના વિરોધમાં અનેક શાખા પ્રમુખોએ સામૂહિક રાજીનામા આપ્યા છે. વર્લીમાં સૂર્યકાંત કોળી, શ્રાવણી દેસાઈ અને સંગીતા જગતાપ જેવા નેતાઓએ આદિત્ય ઠાકરેની અપીલ છતાં ફોર્મ પાછા ખેંચ્યા નથી. ભૂતપૂર્વ મેયર શ્રદ્ધા જાધવ સામે પણ પક્ષના જ વિજય ઇન્દુલકરે પડકાર ફેંક્યો છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Local: આજે અને આવતીકાલે મુંબઈ લોકલમાં મોટો મેગા બ્લોક: પશ્ચિમ રેલ્વેની 100 થી વધુ ટ્રેનો ઠપ્પ; પ્રવાસ કરતા પહેલા ટાઈમ ટેબલ ચેક કરી લેજો.
શિંદે સેનામાં પણ નારાજગી
શિંદે સેનામાં પણ બધું બરાબર નથી. ગોરેગાંવમાં બેઠક ભાજપને ફાળવવામાં આવતા શિંદે સેનાના વિધાનસભા પ્રમુખ ગણેશ શિંદે સહિત 200 થી વધુ કાર્યકરોએ સામૂહિક રાજીનામા આપી દીધા છે. અનેક વોર્ડમાં શિંદે સેનાના કાર્યકરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવીને પક્ષ સામે મોરચો માંડ્યો છે.