News Continuous Bureau | Mumbai
Ladli Behen Yojana Installment મહારાષ્ટ્રમાં મકર સંક્રાંતિના પવિત્ર તહેવાર પર રાજ્ય સરકાર ‘લાડલી બહેન યોજના’ હેઠળ મહિલાઓના ખાતામાં ડિસેમ્બર અને જાન્યુઆરીના બે હપ્તા પેટે કુલ ₹3,000 જમા કરવાની તૈયારીમાં છે. જોકે, આ જાહેરાત બાદ કોંગ્રેસે ચૂંટણી પંચના દ્વાર ખખડાવ્યા છે. 15 જાન્યુઆરીએ મુંબઈ સહિત રાજ્યની મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની હોવાથી આ મુદ્દે રાજકારણ ગરમાયું છે.
કોંગ્રેસની આપત્તિ અને ‘સરકારી લાંચ’નો આરોપ
કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી પંચને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, 15 જાન્યુઆરીએ મતદાન થવાનું છે અને તેના બરાબર એક દિવસ પહેલા એટલે કે 14 જાન્યુઆરીએ (મકર સંક્રાંતિ) 1 કરોડથી વધુ મહિલાઓના ખાતામાં પૈસા જમા કરાવવા તે આચારસંહિતાનું ઉલ્લંઘન છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે આ રીતે પૈસા આપવા એ મતદારોને લલચાવવા માટેની એક ‘સરકારી લાંચ’ છે. વિપક્ષે માંગ કરી છે કે આ હપ્તો મતદાન પૂર્ણ થયા બાદ જ જમા કરવામાં આવે.
ચૂંટણી પંચની કાર્યવાહી અને ભાજપનો પલટવાર
કોંગ્રેસની ફરિયાદ બાદ ચૂંટણી પંચે મહારાષ્ટ્રના મુખ્ય સચિવ પાસે આજે સવારે 11 વાગ્યા સુધીમાં સરકારનો પક્ષ સ્પષ્ટ કરવા ખુલાસો માંગ્યો છે. બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો છે. ભાજપના નેતાઓએ જણાવ્યું છે કે કોંગ્રેસ હંમેશા મહિલા વિરોધી રહી છે અને ગરીબ મહિલાઓના હકનાં નાણાં અટકાવવા માંગે છે. આ યોજના લાંબા સમયથી ચાલી રહી છે અને તે કોઈ નવી જાહેરાત નથી.
આ સમાચાર પણ વાંચો : PM Modi Friedrich Merz Meeting: અમદાવાદથી બર્લિન સુધી ગુંજશે મિત્રતા! સાબરમતીના કિનારે PM મોદી અને જર્મન ચાન્સેલરની મુલાકાત, કરોડોના ડિફેન્સ સોદા પર દુનિયાની નજર
BMC ચૂંટણીનું ગણિત અને મહિલા મતોનું મહત્વ
મુંબઈ મહાનગરપાલિકા (BMC) ની ચૂંટણીમાં મહિલા મતો નિર્ણાયક સાબિત થઈ શકે તેમ છે. 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ છે, 15 જાન્યુઆરીએ મતદાન અને 16 જાન્યુઆરીએ પરિણામ જાહેર થવાના છે. મહાયુતિ સરકારને આશા છે કે આ યોજનાથી મહિલાઓનો મોટો ટેકો મળશે, જ્યારે મહાવિકાસ આઘાડીને ડર છે કે આર્થિક લાભ મેળવનારી મહિલાઓ સત્તાધારી પક્ષ તરફ વળી શકે છે. મુંબઈની સત્તા પર કબજો કરવા માટે તમામ પક્ષો અત્યારે પૂરી તાકાત લગાવી રહ્યા છે.