
Bhagavat: ઠાકોરજી ( Thakorji ) એ વિચાયું કે મને છોડી દૂધ ઊતારવા જશે તો માનીશ મારા કરતાં માનો પ્રેમ સંસારના પદાર્થમાં વધારે છે. ઇશ્વર જ્યારે પરીક્ષા કરે છે ત્યારે એક જ પ્રશ્ન હોય છે. જેણે મારો પટ્ટો ગળામાં ધારણ કર્યો છે તેને વધારે પ્રેમ મારી સાથે છે કે
સંસારના વિષયો સાથે.
ઘણા ઈચ્છે છે કે વ્યવહાર બરાબર થાય તે પછી ભક્તિ કરું. પરંતુ સંસારનો વ્યવહાર બરાબર કદી થયો નથી અને
થવાનો નથી.
મહાપુરુષો આજ્ઞા કરી ગયા છે:- સર્વ રીતે જગતમાં કોઇ સુખી થતો નથી અને થાય તો સાનભાન ભૂલે છે.
સંસારમાં અડચણ રોજ આવે છે. પણ મનુષ્ય નિશ્ર્ચય કરે કે હું એક ક્ષણ પણ શ્રીકૃષ્ણ ( Shri Krishna ) ચિંતન નહી છોડું, તો પાપ
અને પુણ્ય સમાન બને છે અને ત્યારે મનુષ્યજન્મ મળે છે. પાપ ભોગવવું પડે છે, તેમ પુણ્ય પણ ભોગવવું પડે છે. કોઈ દુ:ખનો
પ્રસંગ આવે એટલે શરીરને સમજાવવું કે પાપ ઓછું થયું.
કનૈયાએ અગ્નિદેવને ( Agnidev ) હુકમ કર્યો. અગ્નિએ ચૂલામાં પ્રવેશ કર્યો, એટલે દૂધને ઊભરો આવ્યો.
દુધને ઊભરો કેમ આવ્યો તેની ચર્ચાના બે પાનાં ભર્યા છે. આ સાધુઓને બીજો ધંધો નથી. સ્વાદ વગરનું અન્ન ચોવીસ
કલાકમાં એક વખત આરોગે અને આખો દિવસ રાધેકૃષ્ણનું ( Radhekrishna ) ચિંતન કરે.
દૂધને ઊભરો આવવાના અનેક કારણો મહાત્માઓએ આપ્યા છે.
(૧) એક મહાત્માએ કહ્યું:-આ દૂધ ઋષિરૂપા ગાયનું હતું, ઋષિઓ સાધન અને તપ કરતા થાકી ગયા, પણ મનમાંથી
કામ ન ગયો. તે બુદ્ધિગત કામનો નાશ કરવા ઋષિઓ ગાયો થઇને આવેલા. દૂધને એવી ઈચ્છા હતી કે હું કનૈયાના પેટમાં જાઉં.
મારો ઉપયોગ શ્રીકૃષ્ણ સેવામાં થાય તો, મારું કલ્યાણ થાય. જડ પદાર્થને પણ એવી ઇચ્છા થાય છે કે તેનો ઉપયોગ
કૃષ્ણસેવામાં થાય. કામીના પેટમાં જઈશ તો ભોગવિલાસમાં મારો વિનાશ થશે.
હ્રદયમાં કનૈયો આવે તો જ શાંતિ મળે. તેના વગર શાંતિ નથી. યોગીઓ પરમાત્માના સ્વરુપમાં મળી જાય છે. વૈષ્ણવો
શ્રીકૃષ્ણને પોતાના સ્વરૂપમાં ઉતારે છે.
યશોદાજી ( Yashoda ) લાલાને બહુ ધવડાવશે તો તેને ભૂખ રહેશે નહીં, અને મને પીશે નહીં. જો મારો ઉપયોગ કૃષ્ણસેવામાં ન થાય
તો મારું જીવવું શા કામનું? હું અગ્નિમાં પડીને મરી જાઉં, એવા વિચારે દૂધનો ઉભરો આવ્યો.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૩૪
જીના હૈ ઉસકા ભલા જો ઈન્સાન કે લિયે જીયે, મરના હૈ ઉસકા ભલા જો અપને લિયે જીયે.
પોતાના માટે જીવે એ જીવન નથી. કુટુંબ માટે તો કાગડો પણ જીવે છે. પતરાળું જોઈ કાગડો પણ જાતભાઈઓને
બોલાવે છે. પરોપકાર માટે જીવે એ જીવ્યો. નહીંતર મર્યો. જાતે સુખ ભોગવવાની વાસના ભક્તિમાં બાધક છે. પણ બીજાને સુખી
કરવાની ભાવના ભક્તિમાં સાધક છે.
સમયનો નાશ એ સર્વસ્વનો નાશ. દૂધને અપેક્ષા હતી કે મારે શ્રીકૃષ્ણના પેટમાં જવુ છે, દૂધને ખાત્રી થઈ કે કનૈયો મને
પીવા આવશે નહિ એટલે અગ્નિમાં પડી બળીને મરી જાઉં.
(૨) એક મહાત્મા કહે છે:-દૂધને ઈચ્છા હતી કે યશોદા લાલાને થોડું ધવડાવે તો લાલાને ભૂખ લાગશે એટલે મને પીવા
આવશે. પણ આ કનૈયો બહુ ધાવે છે. લાલાનું પેટ ભરાઈ જશે તો એના પેટમાં ભૂખ નહિ રહે તો મને પીવા આવશે નહિ. લાલા તું
ઓછું ધાવ, ઓછું ધાવ, એમ કહેવા માટે દૂધ કૃષ્ણ તરફ દોડયું અને તેથી ઉભરાયું.
(૩)એક બીજા મહાત્મા કહે છે દૂધ યશોદાજીના ઘરનું હતું. યશોદાના ઘરમાં કૃષ્ણકીર્તન, કૃષ્ણકથા, કરતાં તેનો
સત્સંગ દૂધને પણ થયો છે. એક કરોડ જપથી માળામાં દિવ્ય શક્તિ આવે છે તો દૂધમાં દિવ્યતા કેમ ન આવે? વળી ચૂલા ઉપરનું
દૂધ ઋષિરૂપા ગાયનું હતું. દૂધને બાળકૃષ્ણનાં દર્શન થયાં, એટલે તેને મળવા તે આતુર થયું. લાલો તો મારી સામે જોતો નથી.
તેથી અકળાઈને ઉભરાઈને દૂધ લાલાને મળવા ચાલ્યું.
આ લીલા બધાનાં ઘરમાં થાય છે. વિષયસુખનો ઉભરો એ દૂધનો ઉભરો છે. દૂધનો ઉભરો એટલે સંસારના ભોગવેલા
વિષયોનું સ્મરણ. એવી રીતે ભોગને ભોગવજો કે મનમાં ચોંટી ન જાય. તેનું સ્મરણ ન થાય. ઠાકોરજીની સેવા કરતાં વિષય સુખનું
સ્મરણ થાય એ દૂધનો ઉભરો છે. અને એટલે ભક્તિનો નાશ થશે.
ઘરનું કામ કરતાં કોઈ યાદ ન આવે, પણ જયાં માળા હાથમાં લીધી એટલે સગાં વગેરે યાદ આવે છે. સાધકને કંઈ પ્રાપ્તિ
થવા આવે તે જ વખતે ઉભરો આવે, એટલે સંસાર યાદ આવે છે. પરીક્ષા કરવા કનૈયો આવું કરાવે છે.