પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: આ પ્રમાણે ગમ્મત કરતાં બધાં બાળકોને કનૈયો જમાડે છે અને બાળકોની સાથે બેસીને જમે છે. જીવ જયારે સર્વસ્વ છોડી પરમાત્મા સાથે પ્રેમ કરે છે, પોતાનું અભિમાન છોડે છે, પોતાનો જીવભાવ ભૂલે છે, ત્યારે ઈશ્વર પણ ઇશ્વરભાવ ભૂલી જાય છે અને જીવની સાથે રમે છે. જીવ અભિમાનમાં ‘હું’ પણું રાખે, જીવ માને છે કે ‘હું શાસ્ત્રી’,‘હું પંડિત’, ‘હું જ્ઞાની’ તો ભગવાન તેને કહે છે હું તારો દાદો છું, તને મારી નથી પડી તો મારે તારી શું પડી છે? પરમાત્માને પ્રસન્ન કરવા હોય તો તેની પાસે બાળક બનીને જાવ. આ ભોજન વખતે ભગવાન કેવા શોભતા હતા.
બિભ્રદ્ વેણું જઠરપટયો: શ્રૃઙ્ગવેત્રે ચ કક્ષે વામે પાણૌ મસૃણકવલં તત્ફલાન્યઙ્ગુલીષુ ।
તિષ્ઠન્ મધ્યે સ્વપરિસુહ્રદો હાસયન્ નર્મભિ: સ્વૈ: સ્વર્ગે લોકે મિષતિ બુભુજે યજ્ઞભુગ્ બાલકેલિ: ।।
એ વખતે શ્રીકૃષ્ણની ( Shri Krishna ) છટા સર્વથી નિરાળી હતી. તેઓએ કમરની ભેટમાં વાંસળી ખોસેલી હતી. સીંગ અને લાકડી બગલમાં દબાવ્યાં હતાં, ડાબા હાથમાં ઘીવાળો દહીં ભાતનો મધુર કોળિયો હતો અને આંગળીઓમાં ખાવાલાયક ફળોના અથાણા દબાવી રાખ્યા હતાં. ગોપબાળકો એની ચારે તરફ઼ ઘેરીને બેઠાં હતાં અને તેઓ જાતે સર્વની વચમાં બેસીને, પોતાની વિનોદભરી વાતોથી પોતાના સાથી ગોપબાળકોની સાથે બેસીને, આ પ્રકારે બાળલીલા ( Bal Leela ) કરતાં કરતાં ભોજન કરી રહ્યાં હતાં. સ્વર્ગના દેવતાઓ આશ્ર્ચર્ય ચક્તિ થઇને આ અદ્ભુત લીલાને જોઈ રહ્યાં હતાં.
મનથી આ લીલાનાં દર્શન કરો.આ વૃંદાવન છે, આ યમુનાનો કિનારો છે, આ વૃક્ષો ફળના ભારથી નમી ગયાં છે.
ભગવાન ગ્વાલમિત્રો સાથે ભોજન કરવા બેઠા છે, આવી ભાવના તો કરો. ભાવનાથી ભક્તિ ફળે છે. વૈષ્ણવો ( Vaishnavas ) મનથી વૃન્દાવનમાં રહે છે, તમારું તન ગમે ત્યાં હોય. પણ મનથી ઠાકોરજીનાં ( Thakorji ) ચરણમાં રહેજો.
ખાવું એ પાપ નથી. ભગવાને અન્ન ખાવા માટે બનાવ્યું છે. ખાવું એ પાપ નથી, પણ ભગવાનને ભૂલી જઈને ખાય,
ભગવતાર્પણ કર્યા વગર ખાય એ પાપ છે. એકાદશી હોય તો ઘણા કહે કે મારે આજે ઉપવાસ છે. હું કાંઈ લેતો નથી. પછી કોઇ
આગળ પાછળ જાય એટલે ફાકડાં મારે છે. ખાવું એ પાપ નથી. બીજાને છેતરવું એ પા૫ છે.
આ પહેલાં અઘાસુરને ભગવાને આપેલા મોક્ષ ને જોઈને બ્રહ્માજી ને આશ્ર્ચર્ય થયું. તેમને થયું કે મનુષ્ય રુપે લીલા કરી
રહેલા ભગવાન શ્રીકૃશ્ણની બીજી મનોહર લીલા જોવાનો વિચાર કરીને કે આ કનૈયો છે કોણ? બ્રહ્માજી ( Brahmaji ) જયારે આવ્યા, ત્યારે ઉપર
કહ્યા મુજબ શ્રીકૃષ્ણ ગોપબાળકો સાથે ભોજન કરી રહ્યા હતા.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૫૦
શ્રીકૃષ્ણ મધુમંગલને કહે છે કે, તું રોજ અમારા ઘરનું ખાય છે, પણ તારા ઘરનું મને કોઈ દિવસ ખવડાવતો નથી. પવિત્ર
બ્રાહ્મણના ઘરનું ખાવાથી બુદ્ધિ પવિત્ર થાય છે, એટલે શ્રીકૃષ્ણે મંધુમંગલના ઘરનું ખાવાની ઈચ્છા કરી.
યશોદાજીએ ( Yashoda ) શાંડીલ્યઋષિને કહેલું, તમારા બાળકને રોજ મારા ઘરે જમવા મોકલો. મધુમંગલ રોજ જમવા આવે છે.
યશોદાજી તેને ખૂબ માન આપે છે.
આજે કનૈયો મધુમંગલની પાછળ પડયો. મને કોઈ દિવસ તારા ઘરનું ખવડાવતો નથી. મારે આજે તારા ઘરનું ખાવું છે.
મધુમંગલ દોડતો મા પાસે આવ્યો છે. માનું નામ પુર્ણમાસી. મધુમંગલ માને કહે છે, આજે લાલાને આપણા ઘરનું ખાવું
છે. જે બનાવ્યું હોય તે આપ.
પુર્ણમાસીને આનંદ થયો, પણ ઘરમાં કાંઇ રસોઈ બનાવી નથી. શાંડિલ્યઋષિ સવારમાં બ્રહ્મમુહૂર્તમાં ઊઠતા, પણ
રાત્રે આઠ વાગે તેનું નિત્યકર્મ પૂરું થતું. પ્રાતઃ સંઘ્યા ગાયત્રીની ચોવીસ માળા, પંચાયતન દેવની પૂજા, પંચદેવોને અભિષેક
તથા વિશ્વદેવ યજ્ઞ, હોમ તે પછી મધ્યાહ્ન સંધ્યા, તે પછી વિષ્ણુ સહસ્રનામનો પાઠ, ભાગવતનો પાઠ, તે પછી એકવીસ હજાર
ભગવાનના નામ જપ. ત્યાં તો સાંજ પડી જાય. જમવાનો સમય પણ કયાંથી મળે? એવા તપસ્વી બ્રાહ્મણ ને ખાવાની ફુરસદ
નથી. એટલે રાત્રે એકવાર ફળાહાર કરતા.
એકવાર ભજનમાં આનંદ મળી જાય તો પછી સંસારનો આનંદ ફીકો લાગે છે. આ જીવને ભજનમાં આનંદ મળતો નથી
એટલે તે બીજા વિષયોમાં આનંદ શોધવા જાય છે.
બ્રાહ્મણનો અવતાર તપ માટે છે. બ્રાહ્મણ ભોગ વિલાસમાં પડે એ ભગવાનને ગમતું નથી. વૈશ્ય અને ક્ષત્રિય વિલાસમાં
પડે તો થોડું એ ક્ષમ્ય છે. બ્રાહ્મણ માટે તે ક્ષમ્ય નથી. બ્રાહ્મણ મરતા સુધી ભોગ ભોગવવાની ઈચ્છા ન રાખે તો મર્યા પછી
ભગવાન તેને દિવ્ય આનંદ આપે છે. શાંડિલ્યઋષિ અને તેમનાં પત્ની તપસ્વી હતાં.