
Bhagavat: જ્ઞાન અને ભક્તિને વધારશો તો રાસલીલામાં પ્રવેશ મળશે. જ્ઞાન અને ભક્તિને વધારવા શું કરવાનું? આ વ્રજવાસીઓ ગોવર્ધનનાથ ઉપર ગયા. તમે પણ વર્ષમાં એકાદ મહિનો પવિત્ર તીર્થમાં જાવ. પ્રવૃત્તિ થોડી ઓછી કરો અને થોડી નિવૃત્તિ લો. વર્ષમાં અગિયાર મહિનાં તમારો ધંધો કરો અને એક માસ નર્મદા કિનારે રહીં જ૫, ધ્યાન-કીર્તન કરો. દર વર્ષે એક મહિનો ઠાકોરજી માટે નિવૃત્તિ લઈ, તીર્થમાં નિવાસ કરો. આખું વર્ષ ઘરમાં રહેશો નહિ. ગૃહસ્થના ઘરમાં પાપ થાય છે. ગૃહસ્થનું ઘર ભોગભૂમિ છે. જયાં મમતા હોય ત્યાં વિષમતા આવે છે. જયાં વિષમતા હોય ત્યાં પાપ આવે છે. પંદરસો વિષ્ણુસહસ્ર નામના પાઠ કરવાથી એક વિષ્ણુયાગ કર્યાનું પુણ્ય મળે છે. પવિત્ર તીર્થમાં વિષ્ણુસહસ્ર નામનો પાઠ કરો. સંસારની પ્રવૃત્તિમાં રહીને, ભક્તિ થઈ શકતી નથી. ઘરમાં રહીને, સતત પ્રવૃત્તિમાં રહીને, સતત ભક્તિ કરવી કઠણ છે. આ તો કોઈ ગંગા કિનારે જવાના નથી એટલે કહીએ છીએ કે ઘરમાં રહીને ભક્તિ કરજો. બાકી ઘરમાં ભગવાનની ભક્તિ થાય છે અને સાથોસાથ બાબા બેબીની પણ ભક્તિ થાય છે. એટલે ભક્તિ વધતી નથી. રાસલીલા એ ભાગવતનું ફળ છે, રાસલીલામાં સ્ત્રી અને પુરુષનું મિલન નથી પણ પૂર્ણ પુરુષોત્તમ સાથે શુદ્ધ જીવનું આ મિલન છે. એક એક ઇન્દ્રિયથી ભક્તિરસનું પાન કરતાં સ્ત્રીત્વ અને પુરુષત્વ ભૂલે તે ગોપી. હું પુરુષ છું, હું સ્ત્રી છું તે યાદ આવે ત્યાં સુધી ગોપી ભાવ જાગતો નથી. ગોપીભાવ એ સર્વોચ્ચ ભાવ છે. તે ભાવમાં સ્ત્રીત્વ અને પુરુષત્વનું વિસ્મરણ છે. તન્મય એવા બનો કે દેહભાન રહે નહીં. સ્ત્રીત્વ અને પુરૂષત્વનું સ્મરણ બુદ્ધિમાં હશે ત્યાં સુધી કામ દેહમાં રહેલો છે. જયારે તે ભૂલાય, ત્યારે ગોપીભાવ થાય છે. પરમાત્માનું સ્મરણ કરતાં એવું ભાન ભૂલો કે સ્ત્રીત્વ પુરૂષત્વનું સ્મરણ રહે નહી. સ્ત્રીત્વ અને પુરૂષત્વનું ભાન ભુલાય એટલે ગોપીભાવની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનમાર્ગમાં ભેદનો નિષેધ કરવાનો છે. ભક્તિ માર્ગમાં ભેદનો નાશ કરી અભેદ સિદ્ધ કરવામાં આવે છે. ભક્ત ભક્તિથી ભેદનો નાશ કરી, શ્રીકૃષ્ણ સાથે એક બને છે. જ્ઞાનીઓ કહે છે કે ભેદ ભાસે છે, તે અજ્ઞાનથી ભાસે છે. રાસલીલા ભાગવતનું મુખ્ય ફળ છે. પ્રથમ પૂતના એટલે વાસનાનો ક્ષય થાય, નાશ થાય તો જીવન સુધરે. તૃણાવર્તનો નાશ થાય-રજોગુણનો નાશ થાય એટલે જીવનમાં ખૂબ સાત્ત્વિકતા આવે. અને વાસના મરે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૬૩
એક એક ઇન્દ્રિયોને ભક્તિ રસથી પુષ્ટિ મળે છે. છેવટે દાવાગ્નિ શાંત થાય એટલે વેણુગીત સંભળાય, આ બધી રાસમાં જવાની તૈયારી છે. ઇશ્વરનું પ્રત્યક્ષ સ્વરૂપ નાદબ્રહ્મમાં તન્મયતા સિદ્ધ થાય એટલે પરબ્રહ્મ મળે છે. વેણુગીતમાં બ્રહ્મચારીણી ગોપીઓ સાથે રાસ છે. યજ્ઞ પત્નીઓના પ્રસંગમાં વિવાહિતા ગોપીઓ સાથે રાસ છે. ગોવર્ધનલીલામાં વાનપ્રસ્થ ગોપીઓ સાથે રાસ છે. વેણુનાદમાં નાદબ્રહ્મની ઉપાસના કરતાં ગોપીઓ તન્મય થઇ. ગોપીઓએ કાત્યાયની વ્રત કરતાં તેઓને દિવ્ય વસ્ત્રોનું શ્રીકૃષ્ણે દાન કર્યું. એક વખત ગોપબાળકોએ કહ્યું, કનૈયા અમને ભૂખ લાગી છે. ગોપબાળકોને બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા ત્યાં મોકલ્યા. બ્રાહ્મણોએ કંઈ ખાવા ન આપ્યું. અન્નની કોઈને ના કહેશો નહી. અન્નદાન ઉત્તમ દાન છે. ભગવાન કોઈ ગરીબના મુખથી જમે છે, બ્રાહ્મણોના મુખથી જમે છે. પણ બ્રાહ્મણોની પત્નીઓ કનૈયાને ઓળખતી હતી. તેઓ ભોજન સામગ્રી લઇ આવી. હવે ગોવર્ધનલીલાનો આરંભ થાય છે. ગોવર્ધનલીલા પછી રાસલીલા આવે છે. ગો એટલે ભક્તિ, ગો એટલે જ્ઞાન. જ્ઞાન અને ભક્તિને વધારનારી લીલા એ ગોવર્ધનલીલા. ગોવર્ધનલીલામાં જ્ઞાન અને ભક્તિ વધારવાના ઉપાયો બતાવ્યા છે. જ્ઞાન અને ભક્તિ વધે તેનો દેહાધ્યાસ છૂટે છે. જેનો દેહાધ્યાસ છૂટે તેને રાસલીલામાં પ્રવેશ મળે છે. જ્ઞાન અને ભક્તિ વધારવા શું કરવાનું? જ્ઞાન અને ભક્તિને વધારવા ઘર છોડવું પડશે. ગોપ ગોપીઓ ઘર છોડી ગિરિરાજમાં ગયા છે. ઘરમાં વિષમતા આવે છે. મનુષ્યનું ઘર ભોગભૂમિ છે. ભોગભૂમિમાં ભક્તિ વધે નહિ. સાત્ત્વિક ભૂમિમાં ભક્તિ વધે. સાધારણ ગૃહસ્થના ઘરમાં વાસનાના પરમાણુંઓ ફરે છે. તેથી બારેમાસ ઘરમાં રહીને મનુષ્ય ભક્તિ વધારી શકે નહિ. ગૃહસ્થાશ્રમનું વાતાવરણ જ્ઞાન ભક્તિમાં વિઘ્ન કરનારું છે, તેથી વર્ષમાં એકાદ વખત કોઈ પવિત્ર તીર્થસ્થળમાં જાવ, રહો અને ધ્યાન કરો એ સારું છે, પરંતુ ઘરને તીર્થ જેવું બનાવો એ ઉત્તમ છે. પ્રવૃત્તિ થોડી ઓછી કરી નિવૃત્તિ લો. પ્રવૃત્તિ છોડો એમ તો ન કહેવાય, પણ પ્રવૃત્તિ થોડી ઓછી કરો. પ્રભુએ ભાજી ભાખરી જેટલું આપ્યું હોય તો તેમાં સંતોષ માનજો. અતિપ્રવૃતિ વધારવી નહિ. નિવૃત્તિમાં નિવૃત્તિનો આનંદ આવવો જોઈએ. નિવૃત્તિનો આનંદ ન મળે તો જીવ પ્રવૃત્તિનું ચિંતન કરે છે. નિશ્ર્ચય કરો, નિવૃત્તિનો આંનંદ ન મળે તો પણ મારે પ્રવૃત્તિનો વિષયાનંદ ભોગવવો નથી. નિવૃત્તિમાં ભજનાનંદ મેળવવો હોય તો પ્રવૃત્તિનો લૌકિક સુખનો વિષયાનંદ છોડવો જ પડશે. જાજરુમાં અત્તરની સુગંધ આવે નહિ તે પ્રમાણે પ્રવૃત્તિમાં આનંદ મળે જ નહિ. પ્રવૃત્તિધર્મ છોડયા વિના ભક્તિનો ઉદય થતો નથી.