
ગોપીઓએ જેમ સ્ત્રીત્વ છોડી દીધું, તેમ નારદજીએ પુરુષત્વ છોડી દીધું. સંસારનો ધર્મ છોડી પ્રભુને માર્ગે જવું, એ જીવનો ધર્મ છે. ઇશ્વરમિલનમાં પુરુષત્વ-અભિમાન બાધક છે. હું સ્ત્રી છું, હું પુરુષ છું, તેવો ખ્યાલ છે, ત્યાં સુધી પરમાત્મા પાસે જીવ જઈ શકતો નથી. ગોપી બનો, દીન બનો, અભિમાનીને રાસલીલામાં પ્રવેશ મળતો નથી. ભગવાનને મળવા ગોપી દીન બનીને જાય. સામાન્યતઃ પુરુષ, અહંભાવ નું પ્રતીક છે અને સ્ત્રી નમ્રતાનું પ્રતીક છે. દીનતાનું પ્રતીક છે. નારદજીને અભિમાન હતું કે હું કીર્તનકાર છું. હું ભણેલો છુ, હું જ્ઞાની છુ. જ્યારે નારદજીનો જ્ઞાનાદિમદ ઊતરી ગયો, જ્યારે તેઓ દીન બન્યા, અભિમાનનો ત્યાગ કર્યો, ત્યારે રાસલીલામાં તેમને પ્રવેશ મળ્યો. નારદ પણ ગોપી બનીને રાસ મંડળમાં આવ્યા છે. જે દીન બનીને જાય તેને રાસમંડળમાં પ્રવેશ મળે. તેને ઈશ્વર અપનાવે. એટલે તે ઈશ્વર સાથે રમી શકે. ગોપીઓને શ્રીકૃષ્ણ પ્રત્યે પ્રેમ હતો. મોહ ન હતો. શરીરનું ચિંતન કરવાથી મોહ થાય છે. આત્માનું ચિંતન કરવાથી પ્રેમ થાય છે. પ્રેમમાં અત્યંત ધીરજ હોય છે. કેવી ધીરજ? રૂક્મિણીએ પોતાના પત્રમાં બતાવી છે તેવી. રુક્મિણીએ પોતાના શ્રીકૃષ્ણ ઉપરના પત્રમાં લખ્યું છે કે ભલે અનેક જન્મો લેવા પડે. વરીશ તો શ્રીકૃષ્ણને જ. યર્હ્યમ્બુજાક્ષ ન લભેય ભવત્પ્રસાદં જહ્યામસૂન્ વ્રતકૃશાગ્છતજન્મભિ: સ્યાત્ ।। ભા.સ્કં.૧0.અ.૫૨.શ્ર્લો.૪૩. ભાગવત એ ગોવર્ધનનાથજીનું વાઙમય સ્વરૂપ છે. નામ સાથે સંબંધ ન થાય ત્યાં સુધી નામી પરમાત્મા સાથે સંબંધ થતો નથી. પહેલો શબ્દ સંબંધ. ભાગવત એ પરમાત્માનું પ્રત્યક્ષ નામ સ્વરૂપ છે જે ભગવાન સાથે સંબંધ જોડી આપે છે. દશમ સ્કંધ એ ભાગવતનું હ્રદય છે. માનવજીવનનું છેલ્લું લક્ષ્ય છે રાસલીલા. જીવ ઈશ્ર્વરનું મિલન ન થાય ત્યાં સુધી શાંતિ નથી. જીવ ઈશ્ર્વર સાથે એક થયો એટલે મુકત થયો. પરમાત્મા સાથે મૈત્રી કરો તો ભગવાન તમને પણ ભગવાન બનાવશે. સુદામાનો દાખલો પ્રત્યક્ષ છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૮૧
આ જીવ કાંઈ સાધના કરતો નથી તેથી તેને અનુભવ થતો નથી. સાધના કરશો તો અનુભવ મળશે. કેવળ ચિત્તશુદ્ધિ માટે સત્કર્મ કરવાનું છે. સત્કર્મ માટે આ ક્ષણથી શરૂઆત કરો, તે માટે મુહૂર્ત જોવાની જરૂર નથી. વાતો અને વિચારમાં સમય ગુમાવશો નહિ. તેમાં જ જો સમયને ગુમાવશો તો આચારમાં કયારે ઉતારશો? આજદિન સુધી પૈસા પાછળ બહુ પડયા. હવે થોડું ભગવાન પાછળ પડો. આજની અશાંતિનું કારણ છે, જીવ ઇશ્વરને ભૂલ્યો છે. તે, મનુષ્ય મોટો રાજા થાય કે સ્વર્ગનો દેવ થાય, તેથી પણ શાંતિ મળતી નથી. રાયને શાંતિ નહિ. રંકને શાંતિ નહિ. મૂર્ખને શાંતિ નહિ. વિદ્વાનને શાંતિ નહિ. શાંતિ ત્યારે મળે છે કે જીવ જયારે ઈશ્વરને મળે છે. ભગવાન આનંદ સ્વરૂપ છે. ભગવાનને આનંદની જરૂર નથી ગોપીઓને આનંદનું દાન કરવા ભગવાને આ લીલા કરી છે. ગોપીઓને પરમાનંદનું દાન કર્યું. જીવ અને ઈશ્વરનું મિલન થયું. પરમાત્મા સાથે મિલન થયા પછી પણ સાધકે સાધન ચાલુ રાખવું પડે છે. સાધન કરતાં અનેક સિદ્ધિઓ મળશે. પરમાત્મા પણ મળશે. તો પણ સાધન છોડશો નહિ. જીવનના છેલ્લા શ્વાસ સુધી, મન ઉપર વિશ્વાસ રાખવા જેવું નથી. મન દગાખોર છે. ભગવાન કદાચ તમને કહે કે તેમના નામનો જ૫ કરવાની જરૂર નથી. તેમની સેવા કરવાની જરૂર નથી. તો તેમને કહેજો, નાથ! આપની આજ્ઞા મુજબ હું બધું કરીશ. પણ આ મારાથી નહિ થઈ શકે. સેવાની સમાપ્તિ ન કરો. જે દિવસે જીવનની સમાપ્તિ તે દિવસે સેવાની સમાપ્તિ. જીવનના છેલ્લા દિવસ સુધી સેવા બરાબર કરવાની છે. જીવનના છેલ્લા દિવસ સુધી રોજના નિયમ પ્રમાણે જપ કરું. સેવા કરું. કીર્તન કરું. તે પછી કાળને આવવું હોય તો ભલે આવે. મનુષ્ય સાધન કરે છે. સાધન કરતાં થોડી સિદ્ધિ મળે છે. જે બોલે છે તે સાચું થાય છે. સિદ્ધિ મળે એટલે પ્રસિદ્ધિ મળે છે. પ્રસિદ્ધિ મળે એટલે લોકો પાછળ પડે છે. એટલે અભિમાન આવે છે. અભિમાન આવે એટલે તેનું પતન થાય છે. સિદ્ધિ મળી, પ્રસિદ્ધિ વધી, જરા ડગ્યા એટલે પતન થયું. કેટલીક વાર સાધુઓને બગાડનાર તેમના ચેલા હોય છે. ચેલાઓની જમાત, બાપજી બાપજી કરે, એટલે સાધુને થાય કે હું કાંઈક છું. હું પણુ આવ્યું એટલે સાધનમાં ઉપેક્ષા આવી. સાધુ માને છે કે સેવા થાય તો ઠીક છે. હું તો મનથી સેવા કરું છું. હું સિદ્ધ છું. એવું ન કરો. તુકારામ મહારાજ જેવું રાખો. આધી કેલા સત્સંગ, તુકા ઝાલા પાંડુરંગ, ત્યાંચે ભજન રાહી ના, મૂળ સ્વભાવ જાઈના.