ભગવાન તો કહે છે:-તું કોઈ પણ ભાવે મને ભજ, પણ મને જ ભજ. બીજાને નહિ. આ જીવ ઇશ્વર ઉપર શું પ્રેમ કરવાનો હતો? પરમાત્મા જેવો પ્રેમ, જીવ ઉપર કરે છે, તેવો પ્રેમ જીવ કરી શકવાનો નથી. પ્રભુ કહે છે તું પ્રેમ કરે છે? હું ચોવીસ કલાક તારી ઝાંખી કરું છુ, ત્યારે તું તો મને દિવસના બે કે ત્રણ વાર જ નિહાળે છે. બે કે ત્રણ વાર મારા દર્શન કરે છે. કુટુંબને માટે કાગડો પણ જીવે છે. ઇશ્વર માટે જે જીવે, તેનું જીવન સાર્થક. ઉપર પ્રમાણે અક્રૂરજી વિચાર કરતાં કરતાં જાય છે. શ્રીકૃષ્ણ મને કાકા કહીને બોલાવશે. તેવામાં ફરીથી મનમાં વિચાર આવ્યો. હું જાઉં છુ, પણ મને ભગવાનનાં દર્શન થશે કે નહિ. મેં યુવાનીમાં અતિ વિલાસી જીવન ગાળ્યું છે. હું કામી હતો. જેનું જીવન ભોગવિલાસમાં પસાર થયું હોય તેવા કામીને, પરમાત્માનાં દર્શન જલદી થતાં નથી. હું યુવાનીમાં કામાધીન હતો. યુવાનીમાં મેં બહુ પાપ કર્યાં છે, તેથી મને ભગવાન નહિ અપનાવે તો? હું આવું છું તે જાણી ભગવાન ત્યાંથી ચાલ્યા તો નહિ જાય ને? કદાચ ભગવાન મને દર્શન નહિ આપે તો? પોતાની યુવાનીનો વિચાર કરે છે ત્યારે, અક્રૂરજી હિંમત હારી જાય છે પરંતુ વિચારે છે, ના, ના, ભગવાન એવું નહિ કરે. પાપી છું, પણ મેં ઘણા વખતથી પાપ છોડી દીધું છે. હું તો હવે નિયમથી સેવા કરું છું, રોજ કીર્તન કરું છું. ભગવાન અંતર્યામી છે. અક્રૂરજી જયારે પોતાનો વિચાર કરે છે, ત્યારે હિંમત હારી જાય છે. પણ ઠાકોરજીનો વિચાર કરે છે ત્યારે તેનામાં હિંમત આવે છે. મારા પ્રભુ તો પતિતપાવન છે. જરૂર તેઓ મને અપનાવશે. મારા જેવા પાપીને તે નહીં અપનાવે, તો તેમને પતિતપાવન કહેશે કોણ? નાથ! હું પતિત છું, એટલે તમે પતિતપાવન કહેવાઓ છો. વિચાર કરો તો આવા પવિત્ર વિચાર કરો, ખોટા વિચારો કરવાથી મન બગડે છે. શુભ શુકન થતાં જોઇને અક્રૂર બોલ્યા, "મને શુભ શુકનો થાય છે. જરૂર મને શ્રીકૃષ્ણનાં દર્શન થશે. મારા ભગવાન મને અપનાવશે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૯
" રસ્તામાં અક્રૂર કાકાએ શ્રીકૃષ્ણનાં ચરણ ચિન્હો જોયાં, કમળ, ધ્વજા અંકુશથી યુકત ચરણો, તો મારા શ્રીકૃષ્ણનાં જ હોય, આ માર્ગે મારા શ્રીકૃષ્ણ ગયા છે. શ્રીકૃષ્ણ વનમાં ગાયો પાછળ ભમે છે, ત્યારે પગમાં જોડા પહેરતા નથી. ઉઘાડા પગે મારા પ્રભુ વિચરે છે, અક્રૂર આદિનારાયણનું ચિંતન કરતાં જાય છે. શ્રીકૃષ્ણ ચાલતા ગયા છે, હું તો શ્રીકૃષ્ણનો સેવક છું. ના, ના, હું સેવા કરવા લાયક નથી. હું અધમ છું. હું કામી છું. હું વૈષ્ણવોનો દાસ છું. આજે શ્રીકૃષ્ણને શરણે જાઉં છું. મારાથી હવે રથમાં બેસાય નહિ. મારાથી રથમાં કેમ બેસાય? અક્રૂર કાકા રથમાંથી નીચે કૂદી પડયા અને ચાલતા ગોકુળ ગયા. અક્રૂર વ્રજરજમાં આળોટે છે. વ્રજરજનો આવો મોટો મહિમા છે. ત્યાં પ્રભુનાં ચરણ પડેલાં છે. પરમાત્મા માટે અક્રૂર આજે પાગલ થયા છે. પૈસા માટે પાગલ થાવ છો ત્યારે પૈસા મળે છે. પાગલ થયા વિના પૈસો મળતો નથી, તો પરમાત્મા કયાંથી મળે? પરમાત્મા માટે પાગલ થાવ ત્યારે તે મળે. પાગલ થયા વિના પરમાત્મા મળતા નથી. પરમાત્મા માટે પાગલ બનો. વિચાર કરો, કામાંધ પુરુષ, સ્ત્રી માટે કયાં પાગલ થતો નથી? લોભી ધન પાછળ કયાં પાગલ થતો નથી? કામાંધ જીવ, કામસુખ ભોગવવા માટે એવો પાગલ બને છે કે તેને સ્થળ-કાળનું પણ ભાન રહેતું નથી. દેહભાન ભુલાય ત્યારે પરમાત્માનાં દર્શન થાય. બદરીનાથ જતા રસ્તામા હતુમાનચટ્ટી આવે છે. હનુમાનચટ્ટી પાસે આવ્યા પછી યાત્રીઓનું હ્રદય ભરાય છે. હું પરમાત્માને મળવા જાઉં છું આવતી કાલે મને ભગવાનનાં દર્શન થશે. હું પાપી છું, પરમાત્મા મને અપનાવશે કે નહિ? મારાથી , જાણે અજાણ્યે પાપ થયાં હશે. હું વંદન કરતો કરતો જાઉં તો મારા પાપ બળી જશે. મારાં પાપ બળે તેથી અત્રેથી સાષ્ટાંગ પ્રણામ કરતો જાઉં, એટલે હતુમાનચટ્ટીથી કેટલાક યાત્રાળુઓ દંડવત્ પ્રણામ કરતાં કરતાં બદ્રિનારાયણ જાય છે. શુકદેવજી વર્ણન કરે છે. રાજન્! અક્રૂર અદિનારાયણનાં દર્શન કરવા વંદન કરતાં કરતાં જાય છે. પરમાત્માને પ્રસન્ન કરવાનું સાધન છે, વંદન. ગોકુલ મથુરા વચ્ચે કંઈ વિશેષ અંતર નથી, પણ અક્રૂર વિચારમાં એવા તન્મય થયેલા કે સવારના મથુરાથી નીકળેલ તે છેક સાંજે ગોકુળ પહોંચ્યા. અક્રૂરના મનોરથો ભગવાને પરિપૂર્ણ કર્યા છે. ભગવાન માટે સંકલ્પ કરો તો ભગવાન પરિપૂર્ણ કરે છે. રોજ સંકલ્પ કરો કે હું મરીશ ત્યારે ઠાકોરજી મને લેવા આવશે.