
ઉદ્ધવ જ્ઞાની છે, પણ ઉદ્ધવના જ્ઞાનને ભક્તિનો સાથ નથી. જ્ઞાન એ ભક્તિ વિનાનું હોય તો તેમાં અભિમાન આવે છે. જ્ઞાનમાં એક દોષ છે. ઘણે ભાગે જ્ઞાન અભિમાન લઇને આવે છે. જ્ઞાન ભકિત સાથે આવે છે તો તે નમ્ર બને છે. જો જ્ઞાનને ભક્તિનો સાથ ન હોય તો અભિમાન આવે છે, અને પરિણામે જ્ઞાનીનું પતન થાય છે. બ્રહ્મજ્ઞાન થયું પણ સ્વરૂપમાં પ્રીતિ ન થાય ત્યાં સુધી બ્રહ્માનુભવ થતો નથી. જ્ઞાન એકલું હોય અને પરમાત્મા સાથે પ્રીતિ થઈ ન હોય તો પરમાત્માનો અનુભવ થતો નથી. સાચો જ્ઞાની એ છે કે જે પરમાત્મા સાથે પ્રેમ કરે છે. જ્ઞાની થયા પછી પૈસા, પ્રતિષ્ઠા, મઠ કે આશ્રમ સાથે પ્રેમ કરે તો તેવા જ્ઞાનીનું જ્ઞાન નકામું છે. જ્ઞાનીને પણ ભક્તિની જરૂર છે. જ્યારે આ જીવ ઈશ્વર સાથે અતિશય પ્રેમ કરે ત્યારે, ઇશ્વર પોતાનું અસલી સ્વરૂપ બતાવે છે. મનુષ્ય પોતાની ઘરની તિજોરીમાં શું છે તે કોઇને બતાવતો નથી, પણ જેની સાથે અતિશય પ્રેમ હોય તેને બધી હકીકત કહેશે અને તિજોરીની અંદરની વસ્તુઓ બતાવશે. તેવી રીતે પરમાત્મા સાથે જે પ્રેમ કરે છે તેને પરમાત્મા અસલી સ્વરૂપ બતાવે છે. સાધારણ મનુષ્ય પણ અતિ પ્રેમ વિના પોતાનું કાંઈ બતાવતો નથી. તો ઈશ્વર અતિ પ્રેમ વગર કેવી રીતે પોતાનું અસલી સ્વરૂપ બતાવે? ભક્તિને જ્ઞાનનો અને વૈરાગ્યનો સાથ ન હોય તો ઈશ્વરના વ્યાપક સ્વરૂપનો અનુભવ થતો નથી. ઈશ્વર એવી વસ્તુ નથી કે એક ઠેકાણે રહે. એક જ ઠેકાણે ઈશ્વરને નિહાળે તે અધમ વૈષ્ણવ છે. પણ જયાં જયાં નજર જાય, ત્યાં ઇશ્વર દેખાય તે મહાન વૈષ્ણવ છે. ભક્તિ, જ્ઞાન વગરની હશે, તો તેથી ઈશ્વરનાં દર્શન એકમાં જ થશે. સર્વત્ર નહિ થાય. એકલી ભક્તિથી ભગવાનનાં ઘરનાં ગોખલામાં જે ઠાકોરજીની મૂર્તિ હોય તેમાં જ દેખાશે, પરંતુ તેને જ્ઞાનનો સાથ મળે તો તે ભગવાન સર્વત્ર દેખાશે. ઉદ્ધવજીનું તત્ત્વજ્ઞાન અને ગોપીઓની પ્રેમલક્ષણા ભક્તિ ખૂબ મહત્વનાં છે. પરંતુ તેનો સમન્વય થાય તો ઉત્તમ. ઉદ્ધવજીની નિષ્ઠા જ્ઞાનમાં છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૨
ગોપીઓની નિષ્ઠા, આગ્રહ પ્રેમમાં છે. કૃષ્ણપ્રેમ વિનાનું જ્ઞાન શુષ્ક છે. ઈશ્વરનું જ્ઞાન હોય પણ ઈશ્વર સાથે પ્રેમ ન કરે ત્યાં સુધી જ્ઞાન સફળ થતું નથી. પરમાત્માનું જ્ઞાન થયા પછી પણ પરમાત્મા સાથે પ્રેમ ન કરે તો પરમાત્માનો અનુભવ થતો નથી. જ્ઞાન મેળવ્યા પછી પણ પરમાત્મા સાથે પ્રેમ કરવો પડશે. ગોપીઓ પ્રેમની ધજા છે. ઉદ્ધવ એ જ્ઞાનની મૂર્તિ છે. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય ત્રણે ભેગા થાય તો પરમાત્માનો અનુભવ થશે. આ ત્રણેમાંથી એક પણ નહી હોય તો પછી પરમાત્માનો સાક્ષાત્કાર થશે નહિ. ઉદ્ધવ જ્ઞાની હતા પરંતુ તેનામાં ભક્તિ ની જરૂર હતી. ભક્તિ વગરનું જ્ઞાન નકામું છે. ભક્તિ સાથે જ્ઞાન આવે તો અલૌકિક આનંદ પ્રગટ થાય. ઉદ્ધવ જ્ઞાની છે, પરંતુ તેમનું જ્ઞાન શુષ્ક છે. તેમનું હ્રદય ભક્તિ વિના કોમળ થાય નહી. જ્ઞાનની વાતો નહીં પરંતુ અનુભવ કરવાનો હોય છે. જ્ઞાનીમાં જ્ઞાનનું અભિમાન કોઇક વખત રહી જાય છે. ત્યારે ભક્ત હંમેશા દીન જ રહે છે. દીનતાના સિંહાસન ઉપર ભક્તિ બિરાજે છે. ભક્ત માને છે હું દુનિયાનો સેવક છું. મૈં સેવક સચરાચર રૂપ સ્વામી ભગવાન ।। આ દુનિયા મારા વાસુદેવમય છે. મારા ભગવાનનું સ્વરૂપ છે. ‘વાસુદેવ સર્વમિતિ’ ગોપીની ભક્તિ જ્ઞાનોત્તર છે. ઉદ્ધવજી ને ગોપીયોની વિષે જાણ ન હતી તેઓ જાણતા ન હતા કે જ્ઞાનોત્તર ભક્તિ પણ હોઇ શકે. ઉદ્ધવને મન જ્ઞાન જ સર્વસ્વ હતું. તેથી તેમને પ્રેમલક્ષણા ભક્તિનું દાન કરાવવા શ્રીકૃષ્ણે તેમને વ્રજમાં મોકલ્યા. શ્રીકૃષ્ણે વિચાર્યું કે ગોપીઓને જ્ઞાનનો અનુભવ થાય, તો તેઓને દુ:ખાદિ વિકાર ત્રાસ આપે નહિ, અને ઉદ્ધવના જ્ઞાનને ગોપીઓની ભક્તિનો રંગ મળે તો તેમનું જ્ઞાન સફળ થાય. જ્ઞાની થયા પછી હૈયું ન પીગળે તો એ જ્ઞાન શા કામનું? ઉદ્ધવના જ્ઞાનમાં થોડું અભિમાન છે. જો તેમને ગોપીઓની પ્રેમલક્ષણા ભક્તિનો સાથ મળશે તો તેમાં તેમનું કલ્યાણ થશે. ઉદ્ધવને ગોપીઓનો સત્સંગ થાય તો તેમનું કલ્યાણ થાય. ગોપીઓને ઉદ્ધવના જ્ઞાનનો સાથ મળે તો તેમને મારા વિયોગનું દુ:ખ થશે નહિ. ગોપીઓને પણ અનુભવ થશે કે હું કૃષ્ણ તેમની પાસે છું. ગોપીઓનું કલ્યાણ કરવું છે અને ઉદ્ધવજીનું પણ કલ્યાણ કરવું છે. ગુરુકુળમાં અધ્યયનની સમાપ્તિ કરી શ્રીકૃષ્ણ મથુરા આવ્યા. ઉગ્રસેને વિચાર કર્યો કે પ્રભુએ મને માન આપ્યું. ગાદી આપી, હું નામનો રાજા છું, ખરા રાજા શ્રીકૃષ્ણ છે. ઉગ્રસેને કહ્યું છે. આપ જે હુકમ કરશો તે પ્રમાણે હું કરીશ, વિવેકી ઉગ્રસેને સર્વ સંપત્તિ શ્રીકૃષ્ણનાં ચરણમાં અર્પણ કરી, શ્રીકૃષ્ણ માટે મથુરાના રાજ મહેલમાં રોજ છપ્પન ભોગની સામગ્રી થાય છે. હવે શ્રીકૃષ્ણ ગોપાળ નથી. હવે ગોકુળની લીલા પૂરી થઈ છે. હવે શ્રીકૃષ્ણ મથુરાનાથ છે. મથુરામાં ઐશ્વર્ય પ્રધાન છે. ગોકુળમાં પ્રેમ પ્રધાન છે. મથુરામાં અનેક દાસ દાસીઓ છે. ઉદ્ધવજી શ્રીઅંગની સેવા કરે છે. સર્વ પ્રકારે સુખ છે.