ઉદ્ધવજી તે પછી પ્રશ્ન કરે છે:-મનુષ્યો જાણે છે, કે વિષયો દુ:ખરૂપ છે. તેમ છતાં તેઓ વિષયો કેમ ભોગવે છે? વિષયો મનમાં જાય છે કે મન વિષયોમાં જાય છે? ભગવાન કહે છે:-આ રજોગુણી મન મનુષ્યને વિષયોમાં ફસાવે છે. પ્રથમ મન વિષયોમાં જાય છે. તે વિષયોનો આકાર મન ધારણ કરે છે અને તે વિષયો મનમાં વિરાજે છે. વિષયાકાર મન થાય છે એટલે કે તે મનમાં તે વિષયોનો વાસના થી જ, વિષયયુકત મન જીવને દુ:ખ આપે છે. બાંધે છે. વિષયોનુ ચિંતન બાધક છે. ઇશ્વરનું સ્મરણ ન થાય તો વાંધો નહિ, ૫ણ સંસારના વિષયોનું ચિંતન કરશો નહિ. મનને વિષયોમાં જતું અટકાવી, વશ કરી, મારામાં સ્થાપી એકાગ્ર કરવું. મનનો ઈશ્વરમાં લય કરવો એ જ મહાન યોગ છે. ઉદ્ધવ! કલ્યાણના અનેક સાધનો છે:- કર્મ, યશ, સત્ય, દમ, શમ, ઐશ્વર્ય, યજ્ઞ, તપ, દાન, વ્રત, નિયમ, યમ, પણ તે સર્વથી શ્રેષ્ઠ છે મારી ભક્તિ, સર્વ પાપોને બાળીને ભસ્મ કરી દે છે. ન સાધયતિ માં યોગો ન સાઙ્ખ્યં ધર્મ ઉદ્ધવ । ન સ્વાધ્યાયસ્તપસ્તયાગો યથા ભક્તિર્મમોર્જિતા ।। ભા.સ્કં.૧૧.અ.૧૪.શ્ર્લો.૨૦. ઉદ્ધવ! યોગ, સાંખ્ય (જ્ઞાન-વિજ્ઞાન), ધર્મ, વેદાધ્યાન, તપ, ત્યાગ, મને પ્રાપ્ત કરવાને એટલો સમર્થ નથી, જેટલી અનન્ય પ્રેમમયી ભક્તિ મને પ્રાપ્ત કરવાને સમર્થ છે. ભક્તિયોગની મહત્તા બતાવી. તે પછી ધ્યાનયોગનો વિધિ બતાવ્યો. ઉદ્ધવ, ધ્યાનના બે પ્રકાર છે : એક અંગનાં ચિંતનને ધ્યાન કહે છે. અને સર્વે અંગનાં ચિંતનને ધારણા કહે છે. ધ્યાન કરતાં કરતાં ધ્યાન કરનારો, ધ્યેયમાં મળી જાય છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૪
ઈશ્વરનું રોજ ધ્યાન કરશો તો સંસારનું, ઘરનું અને શરીરનું વિસ્મરણ થશે. પરમાત્મા સાથે તન્મય થયેલાને શરીરનું ભાન રહેતું નથી. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય એક બને છે. વ્યર્થ ભાષણ સમાન કોઇ પાપ નથી. ઉદ્ધવ, વાણીને તોળી તોળીને બોલજે. ભક્તિથી સિદ્ધિઓ મળે છે પણ તે સિદ્ધિઓથી દૂર રહેવું. સિદ્ધિઓ મારી પ્રાપ્તિમાં વિઘ્નરૂપ છે. સિદ્ધિઓ પ્રભુ ભજનમાં વિક્ષેપ કરે છે. સાધકને સાધન કરતાં સિદ્ધિ મળે છે. તે સિદ્ધિનો ઉપયોગ કરવાથી પ્રસિદ્ધિ મળે છે. તે પછી સાધન બરાબર થઇ શકતું નથી. સાધુઓને માયા સિદ્ધિઓમાં ફસાવે છે. તે પછી ભગવાને પોતાની વિભૂતિઓનું વર્ણન કર્યું. તે પછી ચારે આશ્રમના ધર્મો સમજાવ્યા, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ એ ચાર આશ્રમ છે. મનુષ્યે આશ્રમ વગર ન રહેવું, કોઈ એક આશ્રમમાં રહેવું જ. ભક્તિ, જ્ઞાન, યમનિયમાદિ સાધનોનું વર્ણન કર્યું, જગતમાં કોઈ પણ જીવને હલકો ગણવો નહિ. પછી ઉદ્ધવજી પ્રશ્ર્ન પૂછે છે, અને ભગવાન જવાબ આપે છે. શમ કોને કહેવાય? બુદ્ધિને મારામાં સ્થાપવી તે શમ છે. દમ કોને કહેવાય? ઈન્દ્રિયોને વશ કરવી તે દમ છે. દાન કોને કહેવાય? કોઈ પણ પ્રાણીનો દ્રોહ ન કરવો તે શ્રેષ્ઠ દાન છે. જગતના કોઈ જીવ પ્રત્યે કુભાવ રાખવો નહિ. પ્રત્યેકને સદ્ભાવથી જોવા. આ મોટામાં મોટું દાન છે. ભૂતદ્રોહ ત્યાગ સર્વ ભૂતોમાંથી દ્રોહનો ત્યાગ કરવો એ દાન છે. જીવ તો શું પણ, કોઈ જડ વસ્તુનો પણ દ્રોહ ન કરો. સર્વ પ્રત્યે સમભાવ રાખો. તપ કોને કહેવાય? સર્વ કામનાઓનો ત્યાગ એ તપ છે. મોટામાં મોટો તપસ્વી તે જ કે જે કામસુખનો મનમાં પણ વિચાર ન કરે. શૌર્ય કોને કહેવાય? વાસનાને જીતવી એ શૌર્ય છે. સ્વભાવ ઉપર વિજય મેળવવો તે શૌર્ય છે. સત્ય કોને કહેવાય? બ્રહ્મનો વિચાર કરવો તે સત્ય છે. શ્રેષ્ઠ ધન કયું? ધર્મ એ જ મનુષ્યનું સાચું ધન છે, ઉત્તમ ધન છે.ધર્મ ઈષ્ટ ધનં નૃણાં । લાભ કયો? મારી ભક્તિ મળવી તે ઉત્તમ લાભ. પંડિત કોણ? બંધન અને મોક્ષનું તત્વ જાણે તે પંડિત. પુસ્તકમાં જે લખ્યું છે તે જીવનમાં ઉતારે તે સાચો જ્ઞાની. પુસ્તકના સિદ્ધાંતોને જીવનમાં ઉતારી, ભક્તિમય જીવન ગાળે તે જ્ઞાની.