એક મહાત્મા કથા કરતા હતા. ગામના શ્રીમંત નગરશેઠનો પુત્ર રોજ કથા સાંભળવા આવે. પણ છ વાગે એટલે તરત તે કથામાંથી ચાલ્યો જાય. મહાત્મા રોજ તે જોયા કરે. એક દિવસ નગરશેઠના પુત્રને પૂછ્યું, તમે કેમ કથામાંથી વહેલા ચાલ્યા જાવ છો? શું તમને કથામાં રસ પડતો નથી? તેણે કહ્યું, મહારાજ! કથામાં રસ તો પડે છે. પણ મારા માતાપિતાનો હું એકનો એક પુત્ર છું. હું જરા મોડો પડું તો તેઓ મારી ખૂબ ચિંતા કરે. મહારાજ! તમે વારંવાર કથામાં કહો છો, કે ઇશ્ર્વર સિવાય જીવનું કોઇ નથી. એ તો તમને આગળ પાછળ કોઈ નથી, એટલે તમે આમ કહો છો. મારી પત્ની મારા માટે પ્રાણ આપે તેવી છે. મને ઘરે જતાં મોડું થાય તો, મારા પિતા મને શોધવા નીકળે છે. એટલે હું વહેલો જાઉં છું. એ તો તમને આગળ પાછળ કોઈ નહિ, એટલે તમને અમ સંસારીઓના પ્રેમની શી ખબર પડે? બાકી મારા ઉપર મારા માતાપિતાનો, પત્નીનો બહુ જ પ્રેમ છે. મહાત્માએ કહ્યું, આપણે તે પ્રેમની પરીક્ષા કરીશું. હું તને જડીબૂટ્ટી આપું છું , તે લેવાથી શરીર ખૂબ ગરમ થશે અને તાવ જેવું લાગશે, તે તું ઘરે જઇને લેજે, હું તારી દવા કરવા આવીશ. જે બને તે જોયા કરજે. નગરશેઠના પુત્રે તે પ્રમાણે ઘરે જઇ જડીબૂટ્ટી લીધી. શરીરમાં ગરમી વધી. ખૂબ તાવ આવ્યો. તેના માતાપિતા ચિંતા કરવા લાગ્યાં. મોટા ડોકટરો, વૈદ્યોને બોલાવ્યા, પણ તાવ ઉતરતો નથી. ડોકટરોએ કહ્યું, ચોવીસ કલાક આવી ગરમી રહે તો કેસ બગડી પણ જાય. ડોકટરો ઘણી વાર પોતે પણ સમજતા નથી. અટકળથી કામ કરે છે. તેની પત્ની કલ્પાંત કરે છે. સૌ ચિંતામાં છે. તેવામાં પેલા મહાત્મા ત્યાં આવે છે. બધા મહાત્માને પ્રાર્થના કરે છે, મહારાજ! આને બચાવો. મહાત્મા કહે છે. બિમારી ભયંકર છે. તમારા કોઈ શત્રુએ એને મૂઠ મારી છે. મહારાજ! મૂઠ મારી છે, તેનો ઉપાય? મહાત્માજીએ આશ્વાસન આપ્યું, કે મારા ગુરુની કૃપાથી હું મૂઠ ઉતારી શકું છું, પણ આ મૂઠ ઉતાર્યા પછી તે બીજા ઉપર આવે છે. મહાત્માએ કહ્યું. એક વાટકીમાં પાણી લાવો.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૭
તે પછી વાટકીમાં પાણી લઈ નગરશેઠના પુત્ર ઉપરથી બે-ચાર વાર પાણી ઉતાર્યું અને કહ્યું, મંત્રશકિતથી રોગને હું આ પાણીમાં લાવ્યો છું. આ પાણી જે કોઈ પી જાય, તો તમારા પુત્રનો રોગ જાય અને તે સારો થાય. બધા પૂછે છે, આ પાણી પીનારનું શું થાય? મહાત્મા કહે છે, આ ભાઈનું જે થવાનું હતું તે થશે. તેનું અચ્યુતમ્ કેશવમ્ પણ થાય. પરન્તુ આ બચી જશે. પહેલાં પુત્રની માતાને કહેવામાં આવે છે. તમે આ મંત્રેલું પાણી પીઓ. માતા કહે છે, મારો લાડકવાયો બચતો હોય તો મને પાણી પીવામાં વાંધો નથી. પુત્રને માટે પ્રાણ આપવા હું તૈયાર છું. પણ હું પતિવ્રતા છું. મારા મર્યા પછી આ બિચારા ડોસાનું શું થાય? તેની ચાકરી કોણ કરે? માટે હું પતિવ્રતાથી પાણી પીવાય નહિ. તે પછી પુત્રના પિતાને કહેવામાં આવ્યું, તમે આ પાણી પી જાવ. પિતા કહે છે. હું મરું તેનું દુઃખ નથી, પણ હું મરું તો આ બિચારી ડોસીનું શું થાય? મારાથી એક પણ દિવસ તે છૂટી પડી નથી. મારા વગર તે જીવશે નહિ. માટે પાણી બીજાને પાવ. પતિ, પત્નીને બિચારી કહે છે અને પત્ની, પતિને બિચારો કહે છે. આમાં કોણ બિચારું છે, તે તો પરમાત્મા જાણે. મહાત્મા વિનોદી હતા. કહ્યું, બન્ને અર્ધું અર્ધું પાણી પી જાવ. બન્નેનો સાથે વરઘોડો કાઢશું. પણ કોણ મરવા તૈયાર થાય? તે પછી તેની પત્નીને કહેવામાં આવે છે, તમે પાણી પી જાવ, પત્ની જવાબ આપે છે, મહારાજ! તમે મને આગ્રહ કરો છો, પણ આ ડોસીનું બધું થઇ ગયું છે. હું તો હજુ બાળક છું. મેં દુનિયામાં આવીને કંઇ મોજશોખ પણ પૂરાં માણ્યાં નથી. હું પાણી પીવાની નથી, મારાં સાસુજીને સમજાવીને પીવડાવી દો. કોઈ પણ પાણી પીવા તૈયાર થતું નથી. છેવટે બધા મહાત્માને મનાવે છે, મહારાજ તમે પાણી પી જાવ. તમારી પાછળ કોઇ રડે તેમ નથી. કહ્યું છે ને કે પરોપકારાય સતાં વિભૂતયઃ આપનો જન્મ તો કેવળ પરોપકાર માટે જ છે. માટે તમે પાણી પી જાવ. તમારી પાછળ અમે દર વર્ષે ભંડારો કરીશું. ભંડારો કરશું એટલે શું? કે લાડવા કરીને ખાશું. મહાત્મા કહે, હું પાણી પીવા તૈયાર છું. મહાત્મા પાણી પી ગયા. પુત્ર પથારીમાં પડયો પડયો આ બધું નાટક જોતો હતો. તેણે સંસારની અસારતા જાણી લીધી. તે બેઠો થયો અને મહાત્મા સાથે ચાલવા લાગ્યો. તેણે મહાત્માને કહ્યું, મહારાજ! તમે કહ્યું તે સત્ય છે. આ જગતમાં કોઈ કોઈનું નથી. સ્વાર્થ માટે આ સંબંધ જોડવામાં આવે છે. વાસ્તવિક રીતે જીવનો સંબંધ ઈશ્ર્વર સાથે છે. મહાત્મા કબીરે સાચું કહ્યું છે:- મન ફૂલા ફૂલા ફિરે જગતમેં, કૈસા નાતા હૈ.