ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 16 ડિસેમ્બર 2021
ગુરુવાર.
લાંબા સમયથી મેટ્રોની રાહ જોઈ રહેલા નવી મુંબઈના રહેવાસીઓ માટે આનંદના સમાચાર છે. ચાલુ વર્ષના અંત સુધીમાં નવી મુંબઈની પહેલા તબક્કાની મેટ્રો લાઈન ચાલુ થશે. સિડકોએ ચોક્કસ તારીખ જાહેર કરી નથી. પરંતુ મેટ્રો પ્રવાસ માટેના ભાડા નક્કી કરી નાખ્યા છે. તેથી બહુ જલ્દી હવે મેટ્રો ટ્રેન દોડશે એ નિશ્ચિત છે. મેટ્રોની ટિકિટ મિનિમમ 10 રૂપિયાથી શરૂ થશે. જેમાં 0થી 2 કિલોમીટર માટે 10 રૂપિયા અને બેથી ચાર કિલોમીટર માટે 15 રૂપિયાની ટિકિટ હશે. તેથી નવી મુંબઈ ટ્રાન્સપોર્ટની એરકંડિશન્ડ બસ કરતા પણ મેટ્રોની ટિકિટના દર ઓછા હોવાથી સામાન્ય માણસ પણ મેટ્રોમાં પ્રવાસ કરી શકશે.
નવી મુંબઈમાં પહેલા તબક્કાની મેટ્રો લાઈન બેલાપુરથી પેંધર વચ્ચે પેંધર સ્ટેશનથી સેન્ટ્રલ પાર્ક દરમિયાન 5.14 કિલોમીટર વચ્ચે દોડવાની છે. થોડા દિવસ પહેલા જ ઓસિલેશન અને ઈમરજન્સી બ્રેક ડિસ્ટન્સ વગેરેને ટેસ્ટ પણ સફળ રહ્યા હતા. તેથી હવે મેટ્રો ચાલુ કરવાનો નિર્ણય સિડકોએ લીધો હોવાનું કહેવાય છે.
છેલ્લા અનેક વર્ષોથી નવી મુંબઈમાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. મેટ્રોનો પહેલો તબક્કો 2018માં ચાલુ કરવાનો હતો. પરંતુ પહેલાથી વિલંબમાં રહેલા આ પ્રોજેક્ટને કોરોના મહામારી દરમિયાન લાગુ પડેલા લોકડાઉનની પણ અસર થઈ હતી.