ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 નવેમ્બર 2021
સોમવાર.
ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પક્ષમાં મોટા ફેરફાર કર્યા છે. આગામી વર્ષમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત, પંજાબ વગેરે રાજયમાં વિધાનસભાની ચૂંટણી છે. તેને ધ્યાનમાં રાખી પક્ષમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હોવાનું માનવામાં છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન વિનોદ તાવડેને પક્ષના જનરલ સેક્રટરી પદની કમાન સોંપવામાં આવી છે, તેને કારણે પક્ષમાં ફરી એક વખત તેમનું વર્ચસ્વ વધી ગયું છે.
વિનોદ તાવડે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેતા રહી ચૂકયા છે. 2019ની વિધાનસભાની ચૂંટણીમા પક્ષે તેમને ટિકિટ આપી નહોતી. લાંબા સમયથી તેઓ સાઈડલાઈન થઈ ગયા હતા. જોકે જનરલ સેક્રેટરી પદે નીમાતા હવે કેન્દ્રમાં તેમનું કદ વધ્યું છે.
તાવડે સિવાય ભાજપે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા શહજાદ પુનાવાલાને રાષ્ટ્રીય પ્રવક્તા જાહેર કર્યા છે. કોંગ્રેસમાં રાહુલ ગાંધી સાથે થયેલા અણબનાવ બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા. બિહારના શઋતુરાજ સિંહા અને ઝારખંડના આશા લકડાને રાષ્ટ્રીય મંત્રી બનાવવામાં આવ્યા છે.