ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઓક્ટોબર, 2021
સુરેન્દ્રનગર અને અન્ય જિલ્લાઓમાં બાઈક ચોરી કરનારી ટોળકી પકડાઈ છે. જેમાં ચોટીલાના ૨ અને સાયલાના એક શખ્સને પોલીસે પકડી લીધા છે. આ ત્રણેય પાસેથી પોલીસે ૭.૫ લાખની કિંમતના ૪૦ બાઈક જપ્ત કર્યા હતા. આમાંથી એક ચોરએ પોલીસની પૂછપરછમાં કહ્યું હતું કે ડિમ્પલ કાપડિયા તેની ફોઈ છે.
વ્યાપાર સમાચાર: ડ્રાયફ્રુટના વ્યાપારીઓને તેમની દિવાળી સુધરે તેવી અપેક્ષા ઓછી છે
સુરેન્દ્રનગર એલસીબી પોલીસના જણાવ્યા અનુસાર ચોટીલાના સિરાજ ઉર્ફે ચિન્ટુ મનુભાઈ કાપડિયા અને રાજુ ગીલાણીની ધરપકડ કરી છે. આ બંનેએ મળીને કુલ ૪૦ બાઈકો ચોરી છે. આરોપીઓએ આ બાઇકને સાયલા તાલુકાના રામસિંગ બોહકિયાને વેચવા માટે તેની વાડીમાં છુપાવ્યા હતા. સિરાજ અને રાજુ જે જગ્યાએથી બાઈક ચોરવાના હોય તે જગ્યાની રેકી કરી આવતા. બીજા દિવસે ચોટીલાથી બસમાં જઈને નક્કી કરેલી જગ્યાએ માસ્ટર કી દ્વારા બાઈક ઉપાડીને ધારાડુંગરીની વાડીમાં મૂકતા હતા. મોટાભાગે હોસ્પિટલ, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન કે પેટ્રોલ પંપ જેવા પાર્કિંગના સ્થળને જ ચોરી કરવા માટે પસંદ કરતા હતા. ચોરેલા બાઈક રામસિંગ વેચતો હતો. તે ગ્રાહકોને ફસાવવા માટે બાઈકના હપ્તા ન ભરેલા હોઇ લંબાયા હોવાનું કહેતો અને અડધા રૂપિયા લઈ લેતો બાકીની રકમ આરસીબુક આપ્યા પછી આપજો. તેમ કહી ગ્રાહકોને ફસાવતો હતો. બાઈક દીઠ બેથી અઢી હજાર કમિશન પણ લેતો હતો.