ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઑક્ટોબર, 2021
સોમવાર
મહારાષ્ટ્રની શિવસેના, રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ (NCP) અને કૉન્ગ્રેસની બનેલી મહાવિકાસ આઘાડી સરકારે ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં થયેલી હિંસામાં ખેડૂતોનાં મોતના વિરોધમાં આજે સંપૂર્ણ મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું છે. આ બંધને સફળ બનાવવા માટે કૉન્ગ્રેસ, NCP અને શિવસેનાના નેતાઓ અને કાર્યકરો રસ્તા પર ઊતર્યા છે.
હાલ આ બંધ હિંસક વળાંક લેતો જોવા મળી રહ્યો છે. થાણેમાં બંધને સારો પ્રતિસાદ ન મળવાથી શિવસૈનિકોએ રિક્ષાચાલકોને લાકડીથી મારીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, એમાં જોવા મળી રહ્યું છે કે શિવસેનાના કાર્યકરો રસ્તા પરથી પસાર થતા દરેક રિક્ષા-ડ્રાઇવરને લાકડીઓ અથવા હાથથી મારી રહ્યા છે. હવે સવાલ એ ઊઠે છે કે મારપીટ કરનારાઓ ઉપર કાર્યવાહી કોણ કરશે?
ઉલ્લેખનીય છે કે આજે સવારથી એક પછી એક હિંસક ઘટનાઓ સામે આવી રહી છે. વહેલી સવારે મુંબઈની બેસ્ટની આઠ બસોમાં તોડફોડ કરવામાં આવી હતી. બાદમાં બેસ્ટ-બસના ડ્રાઇવરોએ સુરક્ષાની માગ કરી હતી.