ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 ઑક્ટોબર, 2021
શુક્રવાર
કોરોના મહામારીમાં અનેક લોકો આર્થિક રીતે બરબાદ થઈ ગયા છે. આવા સંજોગોમાં પણ ભારતીય ઉદ્યોગપતિઓ અને ધનાઢ્યોની સંપિત્તિમાં સતત વધારો જ થયો છે. IIFL (ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ લિમિટેડ) વેલ્થ હારુન ઇન્ડિયા રિચ લિસ્ટ-2021ના આંકડા મુજબ ભારતનાં 110 શહેરોમાં 1,009 વ્યક્તિઓ પાસેથી 1,000 કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ છે. એમાં ભારતના 23 વર્ષના સૌથી નાની વયના શાશ્વત નકરાણીનો પણ સમાવેશ થાય છે. ભારતના સૌથી શ્રીમંતોની યાદીમાં મુકેશ અંબાણી 10મા વર્ષે પણ ભારતના નંબર વન ધનાઢ્ય રહ્યા છે, તો બીજા નંબરે ગૌતમ અદાણી રહ્યા છે.
ભારતના ધનાઢ્યોની યાદીમાં સ્થાન મેળવનાર શાશ્વત નકરાણી પે પેમેન્ટ પ્લૅટફૉર્મ ભારત-પેના સ્થાપક છે. જાતમહેનતે તેઓ આ મુકામે પહોંચ્યા છે. કૉલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હતા એ દરમિયાન જ તેમણે ભારત-પેની સ્થાપના કરી હતી. નકરાણી આ યાદીમાં સામેલ 1990ના દાયકા બાદ જન્મેલા 13 વ્યક્તિઓમાંના એક છે. આ તમામ લોકોએ પોતાની કંપની સ્થાપીને જાતમહેનતે ધનકુબેર બન્યા છે.
IIFL વેલ્થ હારુન ઇન્ડિયા રિચ લિસ્ટ-2021 એ જાહેર કરેલા ધનકુબેરોના લિસ્ટમાં ધનાઢ્યોની કુલ સંયુક્ત સંપત્તિમાં 51 ટકાનો વધારો થયો છે. જ્યારે સરેરાશ સંપત્તિ વૃદ્ધિનો દર 25 ટકા રહ્યો છે.
ભારતના 2021ના ટોચના 10 ધનાઢ્યોની યાદી અને તેમની સંપત્તિની યાદી નીચે મુજબ છે.
| નામ | કુલ સંપત્તિ (કરોડ રૂ.માં) | વૃદ્ધિ (ટકા) |
| મુકેશ અંબાણી | 7,18,000 | 9 |
| ગૌતમ અદાણી | 5,05,900 | 261 |
| શિવ નાદાર પરિવાર | 2,36,600 | 67 |
| એસપી હિન્દુજા પરિવાર | 2,20,000 | 53 |
| લક્ષ્મી મિત્તલ પરિવાર | 1,74,400 | 187 |
| સાયરસ પાલોનજી પરિવાર | 1,63,700 | 74 |
| રાધાકૃષ્ણ દામાણી પરિવાર | 1,54,300 | 77 |
| વિનોદ શાંતિલાલ અદાણી | 1,31,600 | 212 |
| કુમાર મંગલમ્ બિરલા પરિવાર | 1,22,200 | 230 |
| જય ચૌધરી | 1,21,600 | 85 |