ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 સપ્ટેમ્બર, 2021
સોમવાર
આ વર્ષે 26 જાન્યુઆરીના દેશની રાજધાની દિલ્હીમાં ખેડૂતો દ્વારા કાઢવામાં આવેલી ટ્રૅક્ટર રૅલીમાં ભાગ લઈને ગાયબ થઈ ગયેલો યુવક સાડાસાત મહિના બાદ તેના ઘરે પાછો ફર્યો છે. હરિયાણાના કંડેલા ગામનો 28 વર્ષનો યુવક ટ્રૅક્ટર રૅલીમાં ભાગ લેવા ગયો હતો. રૅલી બાદ તે ગાયબ થઈ ગયો હતો. ઘરે નહીં પહોંચતાં તેના ઘરવાળા તેની સતત શોધ લઈ રહ્યા હતા. બિનસરકારી સંસ્થા આશ્રય અધિકાર અભિયાન સંસ્થાની મદદથી લગભગ સાડાસાત મહિના બાદ તે યુવકને ઘરે પહોંચાડવામાં આવ્યો છે.
સંસ્થાના કર્મચારીઓના કહેવા મુજબ ફેબ્રુઆરી મહિનામાં તે દિલ્હીના કશ્મીરી ગેટ નજીક ફ્લાયઓવર પાસે નગ્ન અવસ્થામાં મળી આવ્યો હતો. તેના પગમાં સોજા હતા. શરીર ઉપર પણ અનેક જખમોનાં નિશાન મળી આવ્યાં હતાં. ત્યારથી તેની માનસિક હાલત અસ્થિર હતી. હૉસ્પિટલમાં તેના પર સારવાર ચાલી રહી હતી. થોડા દિવસ પહેલાં જ તેણે પોતાના ઘર-પરિવારની માહિતી આપી હતી. તેના આધારે તેના પરિવારજનોને શોધી કાઢવામાં આવ્યા હતા અને તેનો કબજો પરિવારને સોંપવામાં આવ્યો હતો.