ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
01 માર્ચ 2021
આમ તો દેશભરમાં કોરોના ના કેસ માં ફરીવાર જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે પરંતુ મહારાષ્ટ્રની હાલત ફરીથી ચિંતાજનક બની રહી છે. આજે સવારે મળેલા અહેવાલો મુજબ મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 8 હજાર 297 નવા કેસ નોંધાયા છે અને 62 દર્દીઓના મોત નિપજ્યા છે. આમ સતત પાંચમાં દિવસે રાજ્યમાં 8000 થી વધુ નવા કેસ સામે આવ્યા છે.
રાજ્યમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્યના ઘણા શહેરોમાં નાઈટ કર્ફ્યુ અને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ગત શનિવારે મહારાષ્ટ્રના વિદર્ભ માં આવતા પાંચ જિલ્લાઓમાં શનિવાર અને રવિવાર એમ બે દિવસ માટે લોકડાઉન લાગુ કરાયું હતું. જેમાં અમરાવતી, બુલઢાણા, યવતમાળ, વાશીમ અને આકોલાનો સમાવેશ થાય છે. હવે હિંગોલી જિલ્લા માં આઠ દિવસની સંચારબંધી લગાવી દેવામાં આવી છે જોકે, આવશ્યક ચીજોની સપ્લાયને છૂટ આપવામાં આવી છે જેથી લોકો હેરાન થાય નહીં.
મુંબઈ શહેરમાં છેલ્લા 24 કલાકમાં એક હજારથી વધુ કોરોનાના નવા કેસ નોંધાયા. જાણો તાજા આંકડા અહીં..
આ ઉપરાંત પુણેના મેયર મુરલીધર મોહાલે COVID-19 કેસોમાં તેજીને પગલે 14 માર્ચ સુધી શાળાઓ, કોલેજો, કોચિંગ વર્ગો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. તેમજ શહેરમાં 11 થી સવારે 6 વાગ્યાની વચ્ચે નાઇટ કર્ફ્યુ પણ લાગુ કરવામાં આવશે, જે દરમિયાન લોકોને ફક્ત આવશ્યક સેવાઓ માટે જ છૂટ મળશે.
દેશમાં વધતા કોરોના કેસ, છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કોરોના કેસ નોંધાયા. જાણો તાજા આંકડા અહીં..
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રની જનતાને ચેતવણી આપીને એમ કહ્યું હતું કે જો જનતા ગંભીરતાથી નિયમોનું પાલન નહીં કરે તો સમગ્ર રાજ્યમાં લોકડાઉન લગાવી દેવામાં આવશે.