ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
02 નવેમ્બર 2020
ગુજરાતમાં હાલ બેવડી ૠતુનો અનુભવ થઈ રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં શિયાળો રફતાર પકડી રહ્યો છે. ધીમેધીમે લઘુતમ તાપમાનનો પારો નીચે સરકતા, સાંજે ભેજનું પ્રમાણ વધતા વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે. તેના કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનો ધ્રુજારો અનુભવાયો છે. અમદાવાદના લઘુતમ તાપમાનનો પારો ગગડ્યો છે. તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં સક્રિય થયેલા સાયક્લોનિક સરક્યૂલેશનની અસરથી રાજ્યમાં ઠંડા પવનોનું જોર વધ્યું છે.
દરિયાકાંઠાના મહુવા શહેરમાં આજે પારો એક ડિગ્રી નીચે ઉતરી 17.3 ડિગ્રીએ સ્થિર થતા લોકોએ ઠંડીથી ધ્રુજારો અનુભવ્યો હતો. રાજકોટ લધુત્તમ તાપમાન 19.4 અને મહત્તમ 35.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદ સહિત રાજ્યના 14 શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રીની આસપાસ પહોંચ્યો છે. 15.5 ડિગ્રી સાથે ગાંધીનગર-વલસાડમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. આગામી ચાર દિવસમાં ઠંડીનો પારો 18 ડિગ્રીથી નીચે જવાની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં આજે તાપમાનનો પારો ગગડ્યો હતો. નલીયામાં લધુત્તમ તાપમાન 16.4 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે કંડલા એરપોર્ટમાં 18.7 ડિગ્રી અને ભુજમાં 20.5 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. સૌરાષ્ટ્રમાં કેશોદમાં 19.4, ભાવનગરમાં 19.9, અમરેલીમાં 19.1, દિવમાં 19.6, સુરેન્દ્રનગરમાં 19.5 ડિગ્રી, ભાવનગરમાં 20.6, વેરાવળમાં 22, દ્વારકામાં 23.5, ઓખામાં 24.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વહેલી સવાર અને મોડી રાત્રિએ ઠંડીનો જોરદાર ચમકારો લોકોને લાગી રહ્યો છે, પરંતુ સવાર બાદ અસહ્ય ગરમીને લીધે ડબલ ઋતુનો લોકો અહેસાસ કરી રહ્યા છે. ડબલ ઋતુને લીધે શરદી, તાવ, ડેન્ગ્યુના કેસોમાં વધારો થવાની શકયતા પણ દર્શાવવામાં આવી છે. ઠંડીમાં કોરોનાના કેસોમાં પણ વધારો થઈ શકે છે તેવી આગાહી પણ ડોક્ટરો દ્વારા કરવામાં આવી છે.