ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
19 ઓક્ટોબર 2020
નવલી નવરાત્રીના ત્રીજા નોરતે માઁ ચંદ્રઘંટાની પૂજા અર્ચના કરવામાં આવે છે. આમની પુજા કરવાથી મણિપુર ચક્રની પ્રાપ્તિ થાય છે અને તેના દ્વારા મળતી સિધ્ધિઓ તેની જાતે જ મળી જાય છે તેમજ સાંસારિક કષ્ટોથી મુક્તિ મળી જાય છે. નવરત્રિ આરાધનમાં ત્રીજા દિવસની પૂજાનું ખૂબ જ મહત્વ હોય છે. આ દિવસે તેમનાજ વિગ્રહનું પૂજન અને આરાધના કરવામાં આવે છે આ દિવસે સાધકનુ મન મણિપૂર'ચક્રમાં પ્રવેશ પામે છે.
માઁ નુ આ રૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. તેમના માથા પર ઘંટના આકારનો અર્ધચંદ્ર છે. તે જ કારણે તેમણે ચંદ્રઘટા દેવી કહેવામાં આવે છે. તેમની દસ ભુજાઓ છે અને દસેય ભુજાઓમાં અસ્ત્ર-શસ્ત્ર છે. દેવીના હાથોમાં કમળ, ધનુષ-બાણ, કમંડળ, તલવાર, ત્રિશૂળ અને ગદા દેવા અસ્ત્ર ધારણ કરેલ છે. તેમના કંઠમાં સફેદ પુષ્પની માળા અને શીર્ષ પર રત્નજડિત મુગટ છે. તેમનું વાહન સિંહ છે. તેમની મુદ્રા યુધ્ધને માટે તૈયાર રહેવાની છે.
દેવી ચંદ્રઘંટાને ભયંકર દૈત્ય સેનાનો સંહાર કરીને દેવતાઓને તેમનો હક અપાવ્યો હતો. ચંદ્રઘંટા માતા દુર્ગાનું જ શક્તિરૂપ છે. જે સંપૂર્ણ જગની પીડાનો નાશ કરે છે. દેવી ચંદ્રઘંટાની પૂજા કરવાથી ભક્તોને વાંછિત ફળ પ્રાપ્ત થાય છે. એટલા માટે જ ત્રીજા દિવસની પૂજાને અત્યધિક મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માં ચંદ્રઘંટાની પૂજા મંત્ર થી શરૂઆત કરવી જોઈએ.
“।। या देवी सर्वभूतेषु माँ चंद्रघंटा रूपेण संस्थिता ।।”
“।। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।”
માં ની આરાધના કરવાથી સાધક નિર્ભય, વીર અને વિનમ્ર થાય છે. શુદ્ધ અને શાંત મને માં ચંદ્રઘંટાની ઉપાસના કરવી જોઈએ. તેનાથી તમામ દુઃખોમાંથી મુક્તિ મળી પરમ સુખ મળે છે.
ચંદ્રઘંટાનો ઉપાસના મંત્ર-
पिण्डजप्रवरारूढा चण्डकोपास्त्रकैर्युता।
प्रसादं तनुते मह्यं चंद्रघण्टेति विश्रुता।।
