ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 જૂન 2021
બુધવાર
કોરોનાને પગલે છેલ્લા દોઢ વર્ષમાં આર્થિક રીતે ફસડાઈ પડેલા વેપારીઓ અંતે મદદ માટે હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શરણ ગયા છે. 50 લાખ રૂપિયા સુધીની લોન ઉપર 50 ટકા સુધીના ઇન્ટરેસ્ટ માફથી લઈને મોરેટોરિયમ પિરિયડમાં વધારો કરી આપવા જેવી જુદી-જુદી માગણીઓ સાથે બે પાનાંનો લાંબો પત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખવામાં આવ્યો છે. વેપારીઓનાં પાંચ ઍસોસિયેશના બનેલા નવા સંગઠન ટ્રેડર્સ યુનાઇટેડ ફોરમ ઑફ મહારાષ્ટ્ર (TUFOM) દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે.
વેપારીઓએ વડા પ્રધાનને પત્ર લખી તેમની સમક્ષ જુદી-જુદી માગણી કરી છે, એમાં મુખ્યત્વે વેપારીઓને 50 લાખ રૂપિયા સુધીની લોન ભરવા માટે 90 દિવસનો મોરેટોરિયમ પિરિયડ આપવાની માગણી કરવામાં આવી છે. એ સિવાય 50 લાખ રૂપિયાથી વધુ રકમની લોન હોય એમાં 50 ટકા સુધીના વ્યાજમાં માફી આપવાની માગણી પણ તેમણે કરી છે.
એ સિવાય માઇક્રો ,સ્મૉલ ઍન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝને અને હોમ લોન તથા ટર્મ લોન લેનારોઓને પણ EMI ભરવા માટે 90 દિવસનો મોરેટોરિયમનો લાભ આપવાની માગણીનો ઉલ્લેખ આ પત્રમાં કરવામાં આવ્યો છે. સમય પર કોઈ વેપારી EMI ન ભરી શકે તો એના પર 50 ટકા સાદું વ્યાજ જ લગાડવુ. તેમ જ આ EMI ભરવામાં જો વિલંબ થાય તો એના કારણે વેપારીની ક્રેડિટ રેટિંગને અસર ન થવી જોઈએ એવું પણ આ પત્રમાં લખવામાં આવ્યું છે.
વેપારીઓ પહેલાંથી આર્થિક નુકસાન સહન કરી રહ્યા છે ત્યારે GST સહિત કેન્દ્ર સરકારના જુદા-જુદા ટૅક્સ ભરવા માટે પણ 3 મહિનાની મુદત લંબાવી આપવાની માગણી કરવામાં આવી છે. તેમ જ એના પર વ્યાજ અને પેનેલ્ટી લેવામાં ન આવે એવો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બંદરો પર લૉકડાઉનને કારણે અટવાઈ ગયેલા માલ પર ડેમરેજ લગાડવામાં ન આવે એવી રજૂઆત પણ કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારનાં જુદાં-જુદાં ખાતાંઓ પાસે માગણી કરી-કરીને થાકેલા વેપારીઓએ અંતે વડા પ્રધાનને કાને તેમનાં દુ:ખ-દરદ પહોંચાડ્યાં છે, ત્યારે તેમને રાહત આપનારું આશ્વાસન ક્યારે મળશે એના પર દેશભરના વેપારીઓની નજર મંડાયેલી છે.
વેપારીઓને રાહત આપવાને મુદ્દે લડનારી જુદી-જુદી વેપારી સંસ્થાઓમાં જ અંદરોઅંદર વિવાદ; જાણો વિગત
અહીં ઉલ્લેખનીય છે કે આ નવા સંગઠનમાં ચેમ્બર ઑફ ઍસોસિયેશન ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ઍન્ડ ટ્રેડ (કૅમિટ), મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ કૉમર્સ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઍગ્રિકલ્ચર (MCCIA), ફેડરેશન ઑફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર ઍસોસિયેશન (FRTWA), સ્ટીલ યુઝર્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા(SUFI) અને ધ મુંબઈ ગ્રેન ડીલર્સ ઍસોસિયેશન (MGDA)નો સમાવેશ થાય છે.