ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,14 જાન્યુઆરી 2022
શુક્રવાર.
મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ દુકાનોના પાટિયા મરાઠીમાં કરવાનું ફરજિયાત કરવાનો નિર્ણય લીધો છે. તેની સામે મોટાભાગના વેપારી અસોસિયેશને સરકારના આ નિર્ણયને બિનવ્યવહારુ ગણાવ્યો હતો. એટલું જ નહીં પણ આ મેટર કોર્ટમાં હોવાથી તેમને દુકાનના નામ મરાઠીમાં કરવા માટે દબાણ લાવી ન શકાય એવો દાવો પણ ફેડરેશન ઓફ મુંબઈ રિટેલ ક્લોથ ડીલર્સ અસોસિયેશને કર્યો છે.
ગુરુવારે ફેડરેશન ઓફ મુબઈ રિટેલ ક્લોથ ડીલર્સ અસોસિયેશને એક મીડિયા રિલીઝ બહાર પાડી હતી, તેમા તેમણે કહ્યું હતું કે કોરોના મહામારીને કારણે વેપારીઓને ઘણું નુકસાન થયું છે. સરકાર તરફથી કોઈ રાહત મળવાને બદલે હવે સરકારે નવો આદેશ બહાર પાડી દીધો છે કે દુકાનના સાઇન બોર્ડને મરાઠીમાં બદલવામાં આવે.
ભૂતકાળમાં પણ આ રીતે દુકાનદારોને ધાકધમકી આપવામાં આવી છે અને મુંબઈમાં સાઈન બોર્ડ તોડીને વેપારીઓ મુશ્કેલી ઊભી કરવામાં આવી છે. એના પર વેપારી પાસે 2001થી સ્ટે છે. 2009માં પણ આવો જ પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ બોમ્બે હાઈકોર્ટે તેને ફગાવી દીધો હોવાનું અસોસિયેશને કહ્યું હતું.
અસોસિયેશને બહાર પાડેલી રિલીઝ મુજબ મુંબઈ એક કોસ્મોપોલિટન શહેર છે જ્યાં તમામ જ્ઞાતિ ધર્મના લોકો વસે છે અને દેશભરમાંથી લોકો મુંબઈ આવે છે. તેઓ મરાઠી સમજતા નથી. તેમ છતાં શા માટે હંમેશા મરાઠી મૂળાક્ષરોમાં સાઈન બોર્ડ કરવાનું દબાણ લાવવામાં આવે છે. કોઈ પણ રાજકીય પક્ષ કે અન્ય કોઈ વ્યક્તિ મરાઠીમાં નામના બોર્ડ માટે દુકાનદારોને ધમકાવી શકે નહીં.
અસોસિયેશને તેમના તમામ સભ્યોને અપીલ પણ કરી છે કે મરાઠી સાઈન બોર્ડને લઈ કોઈ તેમને ધમકાવે તો તેનો સખત વિરોધ કરો.