ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 સપ્ટેમ્બર, 2021
બુધવાર
નાના ખેડૂતો તથા જમીન વગરના મજૂરોના રોજગારને વધારવા સરકાર જુદી-જુદી યોજના અમલમાં મૂકી રહી છે. જે હેઠળ હરિયાણા સરકારે એવી યોજના શરૂ કરી છે, જે ભવિષ્યમાં જમીન વગરના ખેડૂતોને ઉપયોગી સાબિત થશે. હરિયાણા સરકારે ‘પ્રાણવાયુ દેવતા’ નામની એક અનોખી પેન્શન યોજના ચાલુ કરી છે. એમાં 75 વર્ષથી વધુ ઉંમરનાં વૃક્ષોને પેન્શન આપવાની યોજના છે. વૃક્ષોની દેખરેખ કરનારાને 2,500 રૂપિયાનું પ્રતિવર્ષ પેન્શન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકારની આ યોજનાથી ફક્ત ખેડૂતો જ નહીં, પણ જમીન વગરના મજૂરોને પણ લાભ થશે. તેમ જ જંગલમાં દિવસે ને દિવસે વૃક્ષોનું જે નિકંદન કાઢવામાં આવી રહ્યું છે એ પણ ઘટી જશે. સાથે જ પર્યાવરણનું રક્ષણ પણ થશે અને હવાની ગુણવત્તામાં પણ સુધારો થશે એવો હરિયાણા સરકારે દાવો કર્યો છે. હરિયાણાના અંબાલામાં વન સંરક્ષણ વિભાગને અત્યાર સુધી વૃક્ષ પેન્શન માટે 55 વૃક્ષોની યાદી પણ મળી ચૂકી છે. સરકારના કહેવા મુજબ કોઈના ઘરમાં 75 વર્ષ કે એની વધુ ઉંમરનું ઝાડ હોય તો તેઓ પણ પેન્શન મેળવી શકે છે.