ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑક્ટોબર, 2021
મંગળવાર
કાંદાના આસમાને પહોંચેલા ભાવમાં મધ્યમ વર્ગના લોકોને રડાવ્યા હતા. હવે જોકે કાંદાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. નવી મુંબઈની APMCની હોલસેલ બજારમાં ચાર દિવસની અંદર કિલોએ 15થી 20 રૂપિયા ભાવ ઘટી ગયા છે. હોલસેલમાં 40થી 45 રૂપિયા કિલોએ વેચાઈ રહેલા કાંદા હવે 30થી 35 રૂપિયાએ વેચાઈ રહ્યા છે. મોંઘવારીની ચક્કીમાં પહેલાંથી જ પિસાઈ રહેલા સામાન્ય નાગરિકોને જોકે કાંદાના ભાવ ઘટવાથી થોડી રાહત થઈ છે.
સતત વરસાદ અને વાવાઝોડાને કારણે આ વર્ષે કાંદાના પાકને ભારે નુકસાન થયુ હતું. નાશિકમાં ભારે વરસાદથી પાક ધોવાઈ ગયો હતો. એથી બજારમાં નવો માલ આવતો નહોતો અને જે કાંદા આવતા હતા, એમાંથી મોટા ભાગનો માલ સડેલો હતો. એથી હોલસેલ બજારમાં કાંદા 40થી 45 રૂપિયા કિલો વેચાઈ રહ્યા હતા, તો રીટેલ બજારમાં કિલોના દર 60થી 70 રૂપિયે કિલોએ પહોંચી ગયા હતા.
ભોપાલમાં આ વેબ સિરીઝના સેટ પર બજરંગ દળે કર્યો હુમલો, નિર્માતા-નિર્દેશકના ચહેરા પર ફેંકાઈ શાહી; જાણો વિગત
માલ ઓછો હોવાને કારણે કાંદાના ભાવમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો હતો. હવે જોકે નાશિક સહિત રાજ્યના અન્ય જિલ્લામાંથી કાંદાનો માલ ફરી બજારમાં આવી રહ્યો છે. એથી અઠવાડિયાની શરૂઆતમાં બજારમાં જે 70થી 80 ગાડીઓ આવી રહી હતી એ હવે વધીને 107ની આસપાસ થઈ ગઈ છે. માલની આવક વધવાની સાથે જ ભાવ પણ નીચે ઊતરી ગયા હોવાનું APMCના કાંદા-બટાટા બજારના વેપારીએ ક્હ્યુ હતું.