News Continuous Bureau | Mumbai
GATE 2025:
- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી(GCCI)ના વાર્ષિક ટ્રેડ એક્સ્પો ‘GATE 2025’ નો શુભારંભ કરાવ્યો
- વિવિધ ચર્ચાસત્રો, સંવાદો, નેટવર્કિંગ સેશન્સ સહિત ૩૦૦થી વધુ એક્ઝિબિટર્સને આવરી લેતા એક્ઝિબિશનનું આયોજન
- ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની પ્રોત્સાહક ઉપસ્થિતિ
- ‘વિઝન ૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ‘ગુજરાતનું વિઝન, ગ્લોબલ એમ્બિશન’ની થીમ સાથે યોજાશે ત્રિદિવસીય ટ્રેડ એક્સ્પો
-: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ: – - ગુજરાત આજે ‘ગ્લોબલ ઇકોનોમીનો ગેટ વે’ બન્યું છે
- આધુનિક અભિગમ સાથે જીસીસીઆઈ સરકાર અને ઉદ્યોગો વચ્ચે સેતુરૂપ બનીને પોલિસી મેકિંગમાં યોગદાન આપે
-: * મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ :-
- અર્નિંગ વેલ, લીવીંગ વેલ’ના મંત્ર સાથે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત ૨૦૪૭ રોડ મેપ તૈયાર કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય
- રાજ્યમાં ‘ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ સ્થાપવામાં જીસીસીઆઈનું મહત્વનું યોગદાન
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી(જીસીસીઆઈ)ના વાર્ષિક ટ્રેડ એક્સ્પો ‘GATE 2025’નો શુભારંભ કરાવ્યો હતો. ‘GATE 2025’ના સોવેનિયરનું આ અવસરે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ એક્સ્પોની મુલાકાત લઈને ટ્રેડ એક્ઝિબિશન નિહાળ્યું હતું. ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે વર્ચ્યુઅલ માધ્યમથી સંબોબોધન કરતા જણાવ્યું હતું કે શ્રી કસ્તુરભાઈ શેઠ દ્વારા સ્પથાપાયેલી જીસીસીઆઈનો ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં મોટો ફાળો રહ્યો છે. છેલ્લાં ૭૫ વર્ષથી આ સંસ્થા વેપાર ઉદ્યોગોના વિકાસની સાથે સાથે જનતાના હિતો તથા કુદરતી આફતોમાં સતત કામગીરી કરીને પોતાનું યોગદાન આપી રહી છે.
જીસીસીઆઈ તેની ૭૫થી ૧૦૦ વર્ષની યાત્રાનો રોડમેપ તૈયાર કરીને ગુજરાતના વિકાસ સાથે તેને સંરેખિત કરીને આગળ વધે એમ જણાવીને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ કહ્યું કે ટ્રેડિંગ ચેઈનમાં ડિજિટલાઈઝેશન, યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન, લઘુ અને મઘ્યમ ઉદ્યોગોનું સ્ટાર્ટ અપ સાથે જોડાણ, પાયોનિયર ઇન્ડસ્ટ્રી સાથે આનુષાંગિક ઇન્ડસ્ટ્રીનો વિકાસ સહિતની બાબતો વિશે આવનારા સમયમાં જીસીસીઆઈ આધુનિક અભિગમ સાથે કામગીરી કરે તથા સરકાર અને ઉદ્યોગો વચ્ચેની મહત્વની કડી બને અને પોલિસી મેકિંગમાં પોતાનું યોગદાન આપે તે અપેક્ષિત છે.
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ટ્રેડથી ટેકનોલોજી, આઇટીથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને MSMEથી સ્ટાર્ટ અપ સુધીની દરેક ઇન્ડસ્ટ્રીને અનુરૂપ વાતાવરણ તથા જરૂરી સંસાધનોની ઉપલબ્ધતાના કારણે ગુજરાતે ઔદ્યોગિક વિકાસ નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરી છે. દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈએ હંમેશા જીસીસીઆઈ અને ઉદ્યોગોને સાથે લઈને તેમના સૂચનોને પ્રાધાન્ય આપીને રાજ્યમાં સાનુકૂળ ઔદ્યોગિક વાતાવરણ સ્થાપેલું. તેમનું માનવું રહ્યું છે કે ઉદ્યોગો મજબૂત બને તો અર્થતંત્ર આપોઆપ મજબૂત બને છે, તેમની એવી વિચારધારાને શ્રી ભૂપેન્દ્રભાઈ આજે સુપેરે આગળ ધપાવી રહ્યા છે તેનો આનંદ શ્રી અમિતભાઈ શાહે વ્યક્ત કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Share Market Update : ચૂકતા નહીં કમાણીનો મોકો.. આજે ભારતીય શેરબજારમાં આવી શકે છે તેજી, આ છે કારણ..
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ ગુજરાત આજે ગ્લોબલ ઇકોનોમીનો ગેટ વે બન્યું છે એમ જણાવીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દેશ અને રાજ્યની વિવિધ સીમાચિહ્નરૂપ ઉપલબ્ધિઓ અને સિદ્ધિઓ વર્ણવી હતી. ટ્રેડ એક્સ્પો ‘GATE 2025’નો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સૌને મહાવીર જયંતીની શુભેચ્છાઓ પાઠવી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ કરીને અમૃત કાળમાંથી કર્તવ્ય કાળમાં પ્રવેશ કરી રહ્યો છે. જીસીસીઆઈ પણ તેની સ્થાપના ૭૫ વર્ષ પૂર્ણ કરીને અમૃતકાળમાં પ્રવેશી રહ્યું છે એ સુભગ સંયોગ છે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આ ટ્રેડ એક્સ્પોની થીમ ‘ગુજરાતનું વિઝન, ગ્લોબલ એમ્બિશન’ એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભારતને ઇકોનોમિક અને ઇન્ડસ્ટ્રીયલ ગ્લોબલ લીડર બનાવવાના સંકલ્પને અનુરૂપ છે એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈએ રાજ્યમાં વેપાર ઉદ્યોગોના વિકાસના સર્વગ્રાહી ઉદ્દેશ સાથે વાઈબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવી હતી. જીસીસીઆઈ એ સમયથી જ સરકાર અને વેપાર-ઉદ્યોગો વચ્ચે સેતુરૂપ બની છે. સરકારની નીતિઓ, પોલિસી અને બજેટ સહિતની બાબતો વિશે ઉદ્યોગોને માહિતગાર કરવામાં તથા ઉદ્યોગોના પ્રશ્નો સરકારના ધ્યાને લાવીને રાજ્યમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ સ્થાપવામાં જીસીસીઆઈ હંમેશા કાર્યરત રહ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાનશ્રીના ત્રીજા કાર્યકાળમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યો છે એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનોથી મેન્યુફેક્ચરિંગ સેક્ટરને નવી ઊર્જા મળી છે. આજે વિશ્વભરની કંપનીઓ ભારતને ગ્લોબલ માર્કેટને બદલે મેન્યુફેક્ચરિંગ હબ તરીકે જુએ છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે ઓટોમોબાઇલ્સ, મોબાઈલ મેન્યુફેક્ચરિંગ, મેડિકલ ઇકવિપમેન્ટ્સ અને ટોયઝ મેન્યુફેક્ચરિંગ સહિતના અનેકવિધ ક્ષેત્રોમાં તેમજ સેમિકન્ડક્ટર, ગ્રીન હાઈડ્રોજન, રિન્યુએબલ એનર્જી અને ગ્રીન એનર્જી જેવા નવીન ક્ષેત્રોમાં રોજગારી સર્જન દ્વારા આજે ગુજરાત અને ભારત ઝડપથી વિકાસ સાધી રહ્યા છે. દેશની જીડીપીમાં ૮.૩ ટકા, કુલ નિકાસમાં ૩૧ ટકા અને રાષ્ટ્રીય ઔદ્યોગિક આઉટપુટમાં ૧૮ ટકાના ફાળા સાથે ગુજરાતનું યોગદાન મહત્વનું છે. વિવિધ ક્ષેત્રોને અનુરૂપ પોલિસી મેકીંગ અને પોલિસી ફ્રેમવર્ક દ્વારા દુનિયાના ઉદ્યોગો અને એફડીઆઈને આકર્ષવામાં પણ ગુજરાત સફળ રહ્યું તેમ તેમણે કહ્યું હતું. વધુમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ‘અર્નિંગ વેલ, લીવીંગ વેલ’ના મંત્ર સાથે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત ૨૦૪૭ રોડ મેપ તૈયાર કરનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે. ૨૦૪૭ સુધીમાં રાજ્યની અર્થવ્યવસ્થા ૩.૫ ટ્રીલીયન ડોલર સુધી લઈ જવાનો આ રોડમેપનો લક્ષ્યાંક છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ મોટા ઉદ્યોગો સાથે જોડાણ થકી મેન્ટરશીપ કાર્યક્રમો શરૂ કરવાના વડાપ્રધાનશ્રીના વિચારને સાકાર કરવાની દિશામાં જીસીસીઆઈ લીડ લે તેવો અનુરોધ કરીને ઉપસ્થિત સૌને વડાપ્રધાનશ્રી દ્વારા આપવામાં આવેલા નવ સંકલ્પો પ્રત્યે પોતાનું યોગદાન આપીને વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : PM Modi Madhya Pradesh Visit : પ્રધાનમંત્રી 11 એપ્રિલનાં રોજ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની મુલાકાત લેશે
આ પ્રસંગે ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન અને રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં ઉદ્યોગ ધંધાના વિકાસ અર્થે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવી હતી. આજે આ સમિટ વટવૃક્ષ સમાન બની છે. જેના પરિણામે રાજ્યની નિકાસ અને ઉત્પાદન નોંધપાત્ર રીતે વધ્યા છે. દેશની જીડીપીમાં ગુજરાતનું યોગદાન નોંધપાત્ર બન્યું છે. આજે વિશ્વની ઘણી નામાંકિત કંપનીઓ રાજ્યમાં કામ કરી રહી છે. આજે દેશની અર્થવ્યવસ્થા વિશ્વમાં પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે.
ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડના ચેરમેન અને પદ્મભૂષણ શ્રી પંકજભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે જીસીસીઆઈની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે યોજાઈ રહેલો આ ટ્રેડ એક્સ્પો MSMEs, અન્ય વેપાર-ઉદ્યોગો તથા ઉદ્યોગ સાહસિકતા સાથે સંકળાયેલા લોકોને સાથે લાવીને એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે.
જીસીસીઆઈના પ્રમુખ શ્રી સંદીપભાઈ એન્જિનિયરે આ પ્રસંગે સ્વાગત સંબોધન કરતા સૌને આવકાર્યા હતા. તેમણે ‘વિઝન ૨૦૪૭’ અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં જીસીસીઆઈની પ્રતિબદ્ધતા દર્શાવી હતી તથા સંસ્થાની વ્યૂહરચનાઓ, કામગીરી અને ટ્રેડ એક્સ્પો વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ‘વિઝન ૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ગુજરાત સાયન્સ સિટી ખાતે યોજાયેલા ત્રિદિવસીય ટ્રેડ એક્સ્પો GATE 2025માં વેપાર ઉદ્યોગોમાં ઇનોવેશન, સસ્ટેનેબિલિટી અને આર્થિક વિકાસના ધ્યેયમંત્રને સાકાર કરતા વિવિધ ચર્ચાસત્રો, સંવાદો, નેટવર્કિંગ સેશન્સ સહિત ૩૦૦થી વધુ વેપાર ઉદ્યોગોને સમાવતું પ્રદર્શન યોજાશે. ‘ગુજરાતનું વિઝન, ગ્લોબલ એમ્બિશન’ની થીમ સાથે યોજાયેલા આ ટ્રેડ એક્સ્પોમાં ૧૫,૦૦૦ થી વધુ B2B વિઝીટર્સ ભાગ લેનાર છે.
આ પ્રસંગે જીસીસીઆઈના ૭૫ વર્ષની સફરને દર્શાવતી ઓડિયો વિઝ્યુઅલ ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું તથા આવનારા ટ્રેડ એક્સ્પો ‘GATE 2026’ અને અન્ય કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી હતી.
જીસીસીઆઈના ટ્રેડ એક્સ્પો ‘GATE 2025’ના શુભારંભ પ્રસંગે અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભા જૈન, શહેરના ધારાસભ્યશ્રીઓ, જીસીસીઆઈના પૂર્વ પ્રમુખ શ્રી અજયભાઈ પટેલ, જીસીસીઆઈના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રાજેશ ગાંધી, ટોરેન્ટ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જીનલ મહેતા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, જીસીસીઆઈના હોદ્દેદારો અને સભ્યો, વિવિધ કમિટીઓના પ્રમુખ તથા કમિટીના સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
