News Continuous Bureau | Mumbai
Punyashlok Devi Ahilyabai :
- દેવી અહિલ્યાબાઈ હોલકરની ૩૦૦મી જયંતીની ઉજવણી નિમિત્તે મલ્ટિમીડિયા શો આધારિત ગુજરાતી નાટકનું નિદર્શન
- સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રીશ્રી મુળુભાઇ બેરા અને રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની પ્રોત્સાહક ઉપસ્થિતિ
- પુણ્યશ્લોક દેવી અહિલ્યાબાઈ હોલકર બહાદુર શાસક, લડાયક યોદ્ધા અને ધર્મ સંસ્કૃતિ રક્ષક હતાં
- પુણ્યશ્લોક દેવી અહિલ્યાબાઈની નારી સશક્તિકરણની વિરાસતને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘વિરાસત ભી, વિકાસ ભી’ના મંત્ર સાથે આગળ ધપાવી
- કાશી વિશ્વનાથ મંદિર, સોમનાથ મંદિર, મહાકાલેશ્વર મંદિર જેવાં મહત્ત્વપૂર્ણ ધાર્મિકસ્થાનોના નવીનીકરણ અને પુનઃનિર્માણમાં દેવી અહિલ્યાબાઈનું મહત્ત્વનું યોગદાન
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના વસ્ત્રાલ ખાતે ‘પુણ્યશ્લોક દેવી અહિલ્યાબાઈ’ લાઈટ એન્ડ સાઉન્ડ મલ્ટી મીડિયા શો નિહાળ્યો હતો.
સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રીશ્રી મુળુભાઇ બેરા, રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા શહેરના મેયર શ્રી પ્રતિભા બહેન જૈને પણ દેવી અહિલ્યાબાઈ હોલકરની ૩૦૦મી જયંતીની ઉજવણી નિમિત્તે યોજાયેલ મલ્ટિમીડિયા શો આધારિત ગુજરાતી નાટક નિહાળ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે ઓપરેશન સિંદૂરની જ્વલંત સફળતા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા સેનાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આપણા ઇતિહાસમાં અનેક વીર યોદ્ધાઓ અને વીરાંગનાઓ બહાદુરીથી લડાઈ લડીને વિજેતા થયાનાં ઉદાહરણો છે. પુણ્યશ્લોક દેવી અહિલ્યાબાઈ હોલકર પણ બહાદુર શાસક, લડાયક યોદ્ધા અને ધર્મ સંસ્કૃતિ રક્ષક હતા. જે સમયે રણભૂમિમાં પુરુષોનું આધિપત્ય હતું તેવા સમયે અહિલ્યાબાઈએ યુદ્ધ મેદાનમાં તલવાર અને ઢાલ લઈને સંગ્રામ ખેલ્યો હતો, એમ તેમણે ઉમેર્યું હતું.
જે નારીશક્તિ પારણું ઝુલાવી શકે તે વખત આવ્યે યુદ્ધ મેદાનમાં તલવાર પણ ચલાવી શકે એ દેવી અહિલ્યાબાઈ એ પુરવાર કર્યું છે, એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે પુણ્યશ્લોક અહિલ્યાબાઈની નારી સશક્તિકરણની વિરાસતને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘વિરાસત ભી, વિકાસ ભી’ના મંત્ર સાથે આગળ ધપાવી છે. દેવી અહિલ્યાબાઈની યુદ્ધ કુશળતા અને વ્યૂહાત્મક અભિગમની હંમેશાં પ્રસંશા થતી હતી. તેમના શાસનકાળ દરમિયાન તેમણે સુશાસનનો વિશ્વાસ અને અદભુત આદર્શો સ્થાપિત કર્યાં હતા.
દેવી અહિલ્યાબાઈના અમૂલ્ય યોગદાન વિશે વધુમાં વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે તેમના રાજ્યમાં સુશાસનની સાથોસાથ ન્યાય, શિક્ષણ, સમાજ કલ્યાણ, ધાર્મિક કલ્યાણ, જળ સંરક્ષણ જેવા જાહેરહિતને લગતા વિષયો પર પ્રેરણાદાયી કાર્ય કરીને તેમણે ઉદાહરણ સ્થાપિત કર્યું હતું. તેમણે મહિલાઓ અને સમાજના નબળા વર્ગના લોકોના કલ્યાણ માટે મહત્ત્વપૂર્ણ કાર્યો કર્યાં હતાં. આપણી વિરાસતો અને ધર્મના રક્ષણમાં દેવી અહિલ્યાબાઈ હોલકરનું ખૂબ મહત્ત્વનું યોગદાન છે. કાશી વિશ્વનાથ મંદિર, સોમનાથ મંદિર, મહાકાલેશ્વર મંદિર જેવા મહત્ત્વપૂર્ણ ધાર્મિકસ્થાનોનું નવીનીકરણ અને પુનઃનિર્માણ પણ તેમણે કરાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો: PM મોદીની “એક ભારત – શ્રેષ્ઠ ભારત” સંકલ્પના સાકાર કરતો ત્રિ-દિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલ અમદાવાદમાં સંપન્ન
આ વિશે વધુમાં વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે દેવી અહિલ્યાબાઈએ સમાજ કલ્યાણ ક્ષેત્રે પણ ઘણી મહત્ત્વની પહેલ કરી હતી. તેમણે આદિવાસી અને ગરીબ મહિલાઓ માટે હાથ વણાટની મહેશ્વરી સાડીનું બહેનો દ્વારા ઉત્પાદન કરાવીને તેમને આત્મનિર્ભર બનાવવાનું કાર્ય કર્યુ હતું. શ્રી નરેન્દ્રભાઈએ વિકાસ સાથે વિરાસતને જાળવવાનું કાર્ય કર્યું છે. વડાપ્રધાનશ્રીએ આજે તેમની સ્મારક ટપાલ ટિકિટ અને ૩૦૦ રૂપિયાનો ખાસ સિક્કો દેવી અહિલ્યાબાઈની સ્મૃતિમાં બહાર પાડ્યો છે.
આપણે સૌ દેવી અહિલ્યાબાઈના જીવનમાંથી પ્રેરણા લઇને સમરસ, સમૃદ્ધ અને સુરક્ષિત ભારતના નિર્માણમાં યોગદાન આપીએ એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ સનાતન સંસ્કૃતિની વિરલ વિભૂતિ દેવી અહિલ્યાબાઈના જીવન પર આધારિત ‘પુણ્યશ્લોક દેવી અહિલ્યાબાઈ’ લાઈટ એન્ડ સાઉન્ડ મલ્ટિમીડિયા શોના આયોજન બદલ રાજ્યના યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ઉપક્રમને બિરદાવ્યો હતો.
શહેર પ્રદેશ અધ્યક્ષ શ્રી પ્રેરક શાહે સ્વાગત પ્રવચન કરતા સૌને આવકારતા જણાવ્યું હતું કે દેવી અહિલ્યાબાઈ હોલકરજીએ સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર સહિત ધાર્મિક અને સામાજિક ઉત્થાન ક્ષેત્રે મહામૂલું પ્રદાન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે દેવી અહિલ્યાબાઈ હોલકરની ૩૦૦મી જયંતીની ઉજવણી નિમિત્તે ગુજરાત રાજ્ય રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના સહયોગથી અમદાવાદના વસ્ત્રાલ ખાતે શ્યામાપ્રસાદ મુખર્જી હોલ ખાતે ‘પુણ્યશ્લોક દેવી અહિલ્યાબાઈ’ લાઈટ એન્ડ સાઉન્ડ મલ્ટિમીડિયા શો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.
‘પુણ્યશ્લોક દેવી અહિલ્યાબાઈ’ લાઈટ એન્ડ સાઉન્ડ મલ્ટિમીડિયા શો નિદર્શન પ્રસંગે રાજકીય અગ્રણી શ્રી રત્નાકરજી, સાંસદશ્રી દિનેશભાઈ મકવાણા, શહેરના ધારાસભ્યશ્રીઓ, શહેરના ડેપ્યૂટી મેયર શ્રી, સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો, પૂર્વ ધારાસભ્યશ્રીઓ અને પૂર્વ મેયરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.