ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 નવેમ્બર 2021
શુક્રવાર.
મુંબઈ મહાનગરપાલિકાએ બિલ્ડરો અને ખાલી પડેલા મોટા પ્લોટના માલિકોને એક ઓફર આપી છે. પરવડી શકે એવા ઘર બાંધી આપો અને તેના બદલામાં ટ્રાન્સફર ઓફ ડેવલપમેન્ટ રાઈટ્સ(TDR) અને પ્રીમીયમની સુવિધા લઈ જાવ.
મુંબઈ પાલિકાની આ યોજના સફળ થાય તો દરેક ઝોનમાં પાંચથી દસ હજાર ઘર ઉપલબ્ધ થઈ શકે છે. મુંબઈના સાત ઝોનમાં લગભગ 35થી 70 હજાર સુધી ઘર ઉપલબ્ધ થઈ શકશે. પાલિકા આ ઘર પ્રોજેક્ટ અફેકટેડ લોકો માટે વાપરવા માગે છે.
મુંબઈમાં બિલ્ડરો અને અનેક લોકો પાસે ખાલી મોટા પ્લોટ પડી રહ્યા છે. અમુક કારણથી તે પ્લોટના વિકાસ થયા નથી. અમુક વખતે અપેક્ષિત લાભ થતો ન હોવાથી તે પ્લોટ પડી રહેતા હોય છે. તેથી મુંબઈ મનપાએ આ પ્લોટનો વિકાસ કરીને TDR દ્વારા મોટો નફો મેળવવાની તક બિલ્ડર લોબીને આપી હોવાનું કહેવાય છે. પાલિકાએ જોકે શરત મુકી છે કે આ પ્લોટ પર સાર્વજનિક રસ્તા પરથી પ્રવેશ આવશ્યક રહેશે. તેમ જ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન નિયમ મુજબ પ્લોટ પ્રમાણમાં પહોળો હોવો આવશ્યક છે.
બે હજાર મીટરના પ્લોટના બાંધકામ માટે બે વર્ષ, પાંચ હજાર મીટરના પ્લોટ માટે ત્રણ વર્ષ, દસ હજાર મીટરના પ્લોટ માટે ચાર વર્ષ, 25 હજાર મીટર માટે પાંચ વર્ષ અને 25 હજાર મીટરથી વધુ ક્ષેત્રફળના પ્લોટ માટે 6 વર્ષનો બાંધકામનો સમયગાળો આપવામાં આવશે. જે જમીન પર પ્લોટ ઊભો કરવામાં આવશે તેને જમીન પાલિકાને સોંપ્યા બાદ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન 2034ના 33(10), 33(20)- એ હેઠળ હસ્તાંતરણ કરવાની મંજૂરી આપવામાં આવશે. જમીનનું ડેવલપમેન્ટ કરવા માટે TDR અને પ્રીમિયમ આપવામાં આવશે. જોકે પ્રોજેક્ટ મંજૂરી માટે કોઈ પ્રીમિયમ આપવામા આવશે નહીં. જમીનનો માલિક આ TDRને ખુલ્લા બજારમાં વેચી શકશે અથવા અન્ય જગ્યાએ તેનો ઉપયોગ કરી શકશે.