News Continuous Bureau | Mumbai
CM Devendra Fadnavis મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈને વિશ્વના નકશા પર એક આર્થિક અને તકનીકી પાવરહાઉસ તરીકે સ્થાપિત કરવા માટેનો તેમનો એજન્ડા સ્પષ્ટ કર્યો છે. એક મીડિયા હાઉસ સાથેની ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર મુંબઈમાં કરોડો રૂપિયાના રોકાણ અને અંદાજે 16 લાખથી વધુ રોજગાર સર્જનના લક્ષ્ય સાથે કામ કરી રહી છે. આ માત્ર પરંપરાગત ઉદ્યોગો પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેમાં નવા જમાનાના ઉદ્યોગો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.
ટેકનોલોજી અને ક્રિએટિવ સેક્ટરમાં નોકરીઓનો ધોધ
મુખ્યમંત્રીએ જણાવ્યું કે મુંબઈમાં એનિમેશન, ગેમિંગ, મ્યુઝિક અને મીડિયા જેવી ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીઝમાં મોટી તકો ઉભી કરવામાં આવી રહી છે. AVGC-XR પોલિસી 2025 હેઠળ આગામી પાંચ વર્ષમાં આ ક્ષેત્રનું મૂલ્ય 65,000 કરોડ સુધી લઈ જવાની અપેક્ષા છે, જેનાથી 5 લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર મળશે. આ ઉપરાંત, મુંબઈમાં રતન ટાટા કૌશલ્ય યુનિવર્સિટી દ્વારા સાયબર સિક્યુરિટી અને AI જેવા વિષયોમાં યુવાનોને તૈયાર કરવામાં આવી રહ્યા છે.
એરોસિટી અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC)
મુંબઈ મેટ્રોપોલિટન રિજિયન (MMR) માં 270 હેક્ટરમાં ફેલાયેલો ‘એરોસિટી’ પ્રોજેક્ટ (Aerocity Project) અંદાજે 3 લાખ રોજગારનું સર્જન કરશે. તેમાં એવિએશન, હોસ્પિટાલિટી અને લોજિસ્ટિક્સ સેક્ટરનો સમાવેશ થાય છે. સાથોસાથ, પવઈમાં એશિયાનો સૌથી મોટો GCC પ્રોજેક્ટ બ્રુકફિલ્ડ કંપની દ્વારા સ્થાપિત થઈ રહ્યો છે, જેમાં 1 અબજ ડોલરનું રોકાણ અને 45,000 નોકરીઓ અપેક્ષિત છે. માઈક્રોસોફ્ટ અને ફેડેક્સ જેવી વૈશ્વિક કંપનીઓ પણ મુંબઈમાં રોકાણ કરવા માટે ઉત્સુક છે.
આ સમાચાર પણ વાંચો : Atal Setu Coastal Road Connector: કામ પૂરું છતાં રાહ જોવી પડશે! અટલ સેતુ-કોસ્ટલ રોડ જોડાણ તૈયાર, પણ આ એક વિઘ્ને નવી મુંબઈ એરપોર્ટ જવાની ગણતરી બગાડી
મુંબઈ બનશે ‘વૈશ્વિક ફિનટેક કેપિટલ’
દેવેન્દ્ર ફડણવીસના મતે, તેમનો સંકલ્પ મુંબઈને ‘ગ્લોબલ ફિનટેક અને ટેક કેપિટલ’ બનાવવાનો છે. રાજ્ય સરકારની પ્રોત્સાહન યોજના હેઠળ મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં 6.70 લાખ કરોડના પ્રોજેક્ટ્સને મંજૂરી અપાઈ છે. આ રોકાણના પરિણામે મુંબઈમાં ઉચ્ચ પગારવાળી નોકરીઓ ઉપલબ્ધ થશે, જેનાથી સ્થાનિક યુવાનોને વૈશ્વિક કક્ષાની તકો ઘરઆંગણે જ મળશે. મીડિયા અને મનોરંજન ક્ષેત્રે પણ 8,000 કરોડના નવા કરારો થયા છે.