ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 જુલાઈ 2021
શુક્રવાર
દહિસર પોલીસે પાંચ લોકોની ધરપકડ કરીને ઝવેરી શૈલેન્દ્ર પાંડેની હત્યાનો કેસ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો હતો. દહિસર(પૂર્વ)માં રાવલપાડામાં દુકાનમાં ઘૂસીને ઝવેરીને ગોળી મારીને હત્યા કરી લૂંટારુઓ 10 લાખ રૂપિયાની કિંમતના દાગીના લૂંટી ફરાર થઈ ગયા હતા. પોલીસે પાંચમાંથી ત્રણ આરોપીની સુરતથી ધરપકડ કરી હતી. તેમની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ, બે કારતૂસ અને લૂંટી લીધેલા દાગીના કબજે કરવામાં આવ્યા હતા.
દહિસર(પૂર્વ)માં રાવલપાડામાં ઓમ્ સાઈરાજ જ્વેલર્સ નામની દુકાન ધરાવતા 37 વર્ષના શૈલેન્દ્ર પાંડેની લૂંટારુઓએ દિનદહાડે ગોળી મારીને હત્યા કરી નાખી હતી. હત્યા બાદ 3 આરોપીઓ સ્કૂટર પર ભાગી છૂટ્યા હતા. આરોપીઓ CCTVમાં કેદ થઈ ગયા હતા. તેને આધારે પોલીસ તેમને શોધી રહી હતી. લૂંટ અને મર્ડરની તપાસ માટે પોલીસે સ્પેશિયલ ટીમ બનાવી હતી. આ ટીમે સુરતના ઓલપાડ ખાતેથી 3 આરોપીને ઝડપી લીધા હતા. જોકે હજી તેમનો સાથીદાર ફરાર છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી અમુક મધ્ય પ્રદેશના છે.
આ પ્રકરણમાં મુખ્ય આરોપી બંટી પાટીદાર છે. તેણે મધ્ય પ્રદેશથી 19 વર્ષના આયુષ પાંડે, 19 વર્ષના નિખિલ ચંડાલ અને 21 વર્ષના ઉદય બાલીને અહીં બોલાવ્યા હતા. ત્રણે આરોપીને દેશી બનાવટની પિસ્તોલ આપવામાં આવી હતી. તેમણે જંગલમાં ફાયરિંગની પ્રૅક્ટિસ પણ કરી હતી.
મંગળવારે કારમાં તેઓ મુંબઈ આવ્યા હતા. તે કારના માલિક ચિરાગ રાવલને પકડીને પોલીસે પૂછતાછ કરી હતી. છેવટે તેણે પોતાનો ગુનો કબૂલ્યો હતો. ઑનલાઇન સામાન પૂરી પાડનારી કંપનીમાં ડિલિવરી બૉય રહેલા અંકિત મ્હાડિકે ઝવેરીની દુકાન અને ઘટનાસ્થળની રેકી કરી હતી. ચિરાગ અને અંકિત બંને દહિસરના જ રહેવાસી છે. આ હત્યા અને લૂંટ બાદ ત્રણ આરોપીને ભાગી જવા માટે ચિરાગે પાંચ હજાર રૂપિયા આપ્યા હતા. તેઓ સ્કૂટરને ચિચોંલી નાકા પાસે છોડી દીધું હતું, ત્યાંથી લિફ્ટ લઈને આગળ ગયા હતા. ભાયંદરથી આગળ તેઓ કારમાં સુરત ભાગી છૂટ્યા હતા.