ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,24 જાન્યુઆરી 2022
સોમવાર.
મુંબઈમાં હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગવાનું પ્રમાણ વધારે રહ્યું છે. તેમાં પણ મોટાભાગની બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી સિસ્ટમ દુર્ઘટનાના સમયે કામ કરતી ન હોવાનું છેલ્લા અનેક દુર્ઘટનામાં જણાઈ આવ્યું છે. છેલ્લા થોડા વર્ષોમાં ૩૨૪ હાઈરાઈસ બિલ્ડિંગમાં મોટી આગની દુર્ઘટના બની છે, તેમાંથી ૪૦ ટકા બિલ્ડિંગમાં ફાયર સૅફ્ટી સિસ્ટમ કામ કરતી ન હોવાનું જણાયું છે.
આવી બિલ્ડિંગને ફાયર સેફ્ટી સિસ્ટમ રીપેર કરાવી લેવાની અનેક વખત નોટિક આપ્યા બાદ તેઓ સુધારતા ન હોવાનું ફાયર બ્રિગેડનું કહેવું છે. મુંબઈ મહાનગરપાલિકાએ છેલ્લા બે મહિનામાં એટલે કે ૧૮ નવેમ્બર ૨૦૨૧થી ૮ જાન્યુઆરી ૨૦૨૨ સુધીના સમયગાળામાં મુંબઈની ૨૨૩ હાઈરાઈસ બિલ્ડિંગની તપાસ કરી હતી, એ દરમિયાન ૨૦૦ બિલ્ડિગમાં ફાયર સેફટી સિસ્ટમ કામ કરતી ન હોવાનું જણાતા તેમને નોટિસ ફટકારવામાં આવી છે. તેમાંથી ૨૩ ઈમારતને આપેલી મુદતમાં તેમણે ફાયર સૅફટી સીસ્ટમ રહેલી ખામી દૂર કરી હતી. સમારકામ કરવા ૬૭ બિલ્ડિંગને ફાયર બ્રિગેડે સમય વધારી આપ્યો હતો. ૧૩૩ બિલ્ડિંગની હાલ ૧૨૦ દિવસની નોટિસનો સમયગાળો ચાલુ છે.
મુંબઈની ઊંચી ઇમારતો માં ફાયર ફાઈટિંગ સિસ્ટમ બેસાડયા બાદ વર્ષો સુધી તેની પ્રત્યે દુર્લક્ષ કરવામાં આવે છે અને જયારે આગ જેવી દુર્ઘટના બને છે ત્યારે ફાયરબ્રિગેડને બચાવકાર્યમાં મદદ મળતી નથી એવી ફરિયાદ અનેક વખત ફાયરબ્રિગેડના અધિકારીઓ કરી ચૂક્યા છે. .
ફાયરબ્રિગેડના અધિકારીએ આપેલા આંકડા મુજબ છેલ્લા થોડા વર્ષોમાં મુંબઈની ૩૨૪ હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગી હતી. તેમાંથી ૧૨૭ બિલ્ડિંગમાં ફાયર સૅફટી સિસ્ટમ કામ કરતી નહોતી. તો ૧૯૭ બિલ્ડિંગમાં ફાયર સેફટી સિસ્ટમ કામ કરતી હતી.