ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૫ જૂન ૨૦૨૧
શનિવાર
ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી મહારાષ્ટ્ર સરકારે શનિવારે પાંચ સ્તરીય અનલૉક યોજનાની ઘોષણા કરી છે, પરંતુ આ અનુસાર મુંબઈ શહેરની જીવાદોરી ગણાતી મુંબઈ લોકલ ટ્રેનમાં સામાન્ય લોકોએ પ્રવાસ કરવા માટે હજી રાહ જોવી પડશે. મુખ્ય પ્રધાનના કાર્યાલયે આજે જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં લૉકડાઉન પ્રતિબંધો કોરોનાના પૉઝિટિવિટી રેટ અને રાજ્યમાં ઑક્સિજન બેડની ઑક્યુપન્સીના આધારે હળવા કરવામાં આવશે અને આ આદેશ ૭ જૂનથી લાગુ કરવામાં આવશે.
આ આદેશ અનુસાર 'લેવલ 1'ના જિલ્લાઓ અને શહેરો માટે કોઈ પ્રતિબંધ રહેશે નહીં. 'લેવલ 2' હેઠળ મુંબઈ, પુણે, નાસિક જેવા આવતા વિસ્તારો છે. સરકારના આદેશ મુજબ, જ્યાં પૉઝિટિવિટી રેટ 5 ટકાથી વધુ હોય ત્યાં‘લેવલ 2’ હેઠળના વિસ્તારોમાં કલમ 144 અને અન્ય પ્રતિબંધો ચાલુ રહેશે. આમ, સ્થાનિક ટ્રેન સેવાઓ સામાન્ય લોકો માટે સ્થગિત રાખશે અને ફક્ત તે જ લોકો માટે કાર્યરત છે જે આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા છે.
મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે કરી પ્રેસ કૉન્ફરન્સ; મુંબઈ સંદર્ભે કહી આ મોટી વાત, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પત્રકારો સાથે વાત કરતી વખતે રાજ્યના રાહત અને પુનર્વસન પ્રધાન વિજય વડેટ્ટીવારે સ્પષ્ટ કહ્યું હતું કે 15 જૂન સુધી મુંબઈની લોકલ સેવાઓ ફરી શરૂ કરવી શક્ય નથી. જોકે, સર્વ પ્રથમ લૉકડાઉન બાદ પણ લોકલ સેવાઓ ફરી સામાન્ય જનતા માટે શરૂ કરવા ‘તારીખ પે તારીખ’નો ખેલ થયો હતો. એથી હવે લોકલ ફરી ક્યારે શરૂ થશે એ અંગે મુંબઈગરા ચિંતિત છે.