ન્યુઝ કનટીનયુઝ બ્યુરો,
મુંબઈ, ૭ જાન્યુઆરી ૨૦૨૨
શુક્રવાર.
દેશમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. દેશભરમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાઇ રહ્યા છે. ખાસ કરીને આર્થિક રાજધાની મુંબઇમાં કોરોનાએ રફતાર પકડી છે. કોરોનાની ઝડપને જોતા સરકાર લોકડાઉન લગાવે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે. જેને જોઇને મુંબઇમાં પ્રવાસી મજૂરોમાં ડરનો માહોલ છે. તેમને ડર છે કે સરકાર અચાનક લોકડાઉન લગાવી દે તો તેમની સ્થિતિ કફોડી બની જશે તેના કારણે તેઓ પોતાના ગામડે પહોંચી રહ્યા છે.

મુંબઇના લોકમાન્ય તિલક ટર્મિનસ પર ઉત્તર પ્રદેશ અને બિહારના પ્રવાસી મજૂર ભેગા થયા છે. અચાનક ભીડને જોઇને પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો હતો તેમ છતાં મજૂરો ત્યાંથી ખસ્યા નહોતા. તમામની કોશિશ એવી હતી કે કોઈ પણ રીતે લોકડાઉન જાહેર થતાં પહેલાં ઘરે પહોંચી જાય.

મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20 હજારથી વધારે કેસ મળ્યા છે. એવામાં લૉકડાઉનની આશંકાથી પ્રવાસી મજૂર ડરેલા છે. વધતા કોરોનાના કારણે જો મુંબઇમાં લોકડાઉન લાગી જશે તો તેઓ ભૂખ્યા મરી જશે એવા ડરના કારણે લોકડાઉન પહેલા પોત પોતાના ગામડે પહોચી જઇએ તેવા પ્રયાસમાં મજૂરો પલાયન કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા, મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલ અને મેયર કિશોરી પેડનેકરે કહ્યું હતું કે, જો મુંબઈમાં 20,000 થી વધુ દર્દીઓ આવશે, તો મુંબઈમાં લોકડાઉન લાગુ કરવામાં આવશે. તે પછી, હવે જ્યારે મુંબઈમાં 20,000 થી વધુ દર્દીઓ મળી આવ્યા છે, શું લોકડાઉન લાદવામાં આવશે? તેવો સવાલ ઉઠી રહ્યો છે.
