ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 11 ડિસેમ્બર 2021
શનિવાર.
કોંગ્રેસનો 28 ડિસેમ્બરના 136માં સ્થાપના દિવસ છે. મુંબઈ મહાનગરપાલિકાની 2022ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે દાદરના શિવાજી પાર્કમાં એક સભાનું આયોજન કર્યુ છે. આ સભામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હાજર રહે એવી શક્યતા છે. જોકે કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોનને પગલે મહાવિકાસ આઘાડી સરકાર આ સભાને મંજૂરી આપશે નહીં એવું માનવામાં આવે છે. અહીં ઉલ્લેખનીય છે કે મહાવિકાસ આઘાડી સરકારમાં કોંગ્રેસ પણ જોડાયેલી છે. તેથી આ સભાને મંજૂરી આપવાને લઈને મહાવિકાસ આઘાડી સરકાર વિસામણમાં હોવાનું કહેવાય છે ત્યારે રાજયના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારે પણ મંજૂરી આપવાને લઈને પ્રશાસનને વિચાર કરવો પડશે એવું સ્ટેટમેન્ટ આપતા કોંગ્રેસની દ્વીધા વઘી ગઈ છે.
જો ત્યાં સુધી ઓમીક્રોનનો ચેપ મોટા પ્રમાણમાં ફેલાઈ ગયો અને રેલીમાં ઉમટનારી ભીડને કારણે વિચિત્ર પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે, એ અમારા ધ્યાનમાં છે, તેથી રેલીને મંજૂરી આપવી કે નહીં તે બાબતે અમે વિચાર કરશુ એવું સ્ટેટમેન્ટ તાજેતરમાં અજિત પવારે આપ્યું છે. તેથી શિવાજી પાર્કમાં રાહુલ ગાંધીની સભા સામે પ્રશ્નાર્થ ઊભો થઈ ગયો છે.
હાઈ કોર્ટના આદેશ બાદ શિવાજી પાર્કના મેદાનના ઉપયોગ કરવા પર પ્રતિબંધ આવી ગયો છે. તેથી શિવાજી પાર્કમાં રેલી કરવા માટે કોંગ્રેસે બહુ પહેલા જ પાલિકાના જી-નોર્થ વોર્ડમાં અરજી કરી હતી. જોકે હાલ આ અરજી નગરવિકાસ ખાતા પાસે છે. બહુ જલદી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે તેના પર નિર્ણય લેશે એવું માનવામાં આવે છે.
રાજયમાં ઓમીક્રોનના દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે. મુંબઈમા હજી સુધી જોકે માત્ર પાંચ કેસ છે. તેથી મુંબઈમાં સભા માટે મંજૂરી મળી જશે એવો દાવો મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ ચરણસિંહ સપ્રાએ કયો છે. કોવિડને લગતા તમામ પ્રોટોકોલનું પાલન કરીને આ સભા કરવામાં આવશે એવો દાવો પણ કોગ્રેસે કર્યો છે.