ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 સપ્ટેમ્બર 2020
હજુ થોડા સમય પહેલાં જ મનપાએ મુંબઈ ના 73 નાના નર્સિંગ હોમ માં કોરોના ની સારવાર કરવાની ના પાડી હતી. પરંતુ મુંબઈમાં કોરોનાનું સંકમણ ફરી વધી જતાં 27 નાની હોસ્પિટલમાં કોવિડ 19 ની સારવાર આપવાની મંજૂરી આપી છે.
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં દરરોજ કોરોના વાયરસના કેસો, રેકોર્ડ તોડી રહયાં છે. શહેરની નાની મોટી હોસ્પિટલો પથારીની અછત સામે ઝઝૂમી રહી છે. સંખ્યાબંધ દર્દીઓ આઇસીયુ અને ઓક્સિજનવાળા પલંગની લાંબા સમયથી પ્રતીક્ષા કરી રહ્યા છે. બીએમસીના ડેટા મુજબ, શહેરની હોસ્પિટલોમાં હાલ ફક્ત 88 આઈસીયુ પલંગ ઉપલબ્ધ છે. જેમાં ખાનગી અને જાહેર બંને હોસ્પિટલોનો સમાવેશ થાય છે. બીએમસીના ડેટા દર્શાવે છે કે હાલમાં શહેરની હોસ્પિટલોના આઈસીયુમાં 1321 જટિલ અને અતિગંભીર દર્દીઓ દાખલ છે. જ્યારે શહેરમાં કુલ 1417 આઇસીયુ પલંગ કોરોના માટે ઉપલબ્ધ છે.
શહેરની વિવિધ ખાનગી હોસ્પિટલોના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે 20-25 દર્દીઓ બેડ માટે રાહ જોઈ રહયાં છે. પરંતુ ICU બેડ જ ખાલી નથી. મુંબઈના ડોકટરો આ સ્થિતિ માટે કોવિડ 19ની બીજી તરંગને જવાબદાર ઠેરવે છે. કોરોનાએ બીજી વાર ઉથલો માર્યો હોવાનું કહે છે, ત્યારે બીએમસીના અધિકારીઓ આ વાતનો ઇનકાર કરી રહ્યા છે, અધિકારીઓ નું કહેવું છે કે મોટી સંખ્યામાં લોકો બહારથી ઈલાજ માટે મુંબઈ આવી રહયાં છે. જેને કારણે આઇસીયુ પલંગની અછત છે. વધુમાં કહ્યું કે “હાલનો માહોલ એવો જ છે જેવો ગત એપ્રિલ-જૂન માસમાં હતો. ત્યારે પણ કેસ વધી રહ્યા હતા અને પથારીની વિશાળ અછત હતી. શહેર ફરી શૂન્ય પર આવ્યું છે જ્યાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેસની સંખ્યામાં દૈનિક વધારો નોંધાઈ રહ્યો છે બતાવે છે કે કોરોના એ મુંબઈમાં ફરી ઉથલો માર્યો છે."
એક ખાનગી હોસ્પિટલમાં જોડાયેલા વરિષ્ઠ તબીબે જણાવ્યું હતું કે, મોટાભાગના દર્દીઓ સરકારી જમ્બો સેન્ટર્સમાં સારવાર લેવા માટે જતાં અચકાતા હોય છે. કોઈને ત્યાં જવું નથી. મોટા ભાગના લોકો પોતાના ઘર પાસે આવેલાં પ્રાઇવેટ નર્સિંગ હોમમાં સારવાર લેવાનું વધુ પસંદ કરી રહયાં છે. જેને કારણે પણ પલંગની અછત ઉભી થઈ છે.