News Continuous Bureau | Mumbai
Mumbai crime news મુંબઈમાં સુરક્ષાની જવાબદારી સંભાળનાર ચોકીદારે જ ચોરીનો કાવતરો રચ્યો હોવાની એક આઘાતજનક ઘટના સામે આવી છે. શિવડી નાકા વિસ્તારમાં આવેલા સોનાના દાગીના બનાવતા કારખાનામાં થયેલી લૂંટનો પર્દાફાશ પોલીસે કર્યો છે, જેમાં ખુદ સુરક્ષા રક્ષક જ મુખ્ય સૂત્રધાર હોવાનું બહાર આવ્યું છે.પોલીસે આ મામલે ૪ આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે આરોપી હજી ફરાર છે.
શિવડી નાકા પર આવેલા બુમા ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટના એક સોનાના દાગીના બનાવતા કારખાનામાં આશરે ૪૦ તોલા સોનું ચોરાઈ ગયું હતું. રફી અહેમદ કિડવાઈ માર્ગ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી અને ટૂંક સમયમાં જ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
તપાસમાં જાણવા મળ્યું કે, કારખાનામાં સુરક્ષા રક્ષક તરીકે કામ કરતા એક ૨૦ વર્ષીય યુવકે જ નવી મુંબઈમાં રહેતા તેના મિત્રો સાથે મળીને લૂંટનું કાવતરું ઘડ્યું હતું. ઘટનાની રાત્રે લગભગ ૧૦.૧૫ વાગ્યે એક આરોપી અન્ય બે સાથીદારો સાથે પાર્સલ આપવાના બહાને કારખાનામાં પ્રવેશ્યો હતો. ત્યારબાદ તેમણે ધારદાર હથિયાર બતાવીને સુરક્ષા રક્ષકને જ પગ પર માર માર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ માર મારવો એ કાવતરાનો એક ભાગ હતો, જેથી કોઈને તેના પર શંકા ન જાય. આ આરોપીઓએ ઑફિસના ડ્રોઅરમાંથી સોનાના દાગીના લૂંટી લીધા અને ફરાર થઈ ગયા હતા.
આ સમાચાર પણ વાંચો : Mumbai student assault: હોમવર્ક ન કરવા બદલ વિદ્યાર્થિની પર શિક્ષિકાનો અત્યાચાર: મુંબઈમાં ૧૩ વર્ષની બાળકીને લાકડીથી માર માર્યો
પોલીસે ટેક્નિકલ પુરાવાઓ અને સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ શરૂ કરતાં શંકાની સોય ચોકીદાર પર જઈને અટકી. આખરે પોલીસે તેની સાથે ત્રણ વ્યક્તિઓ ની ધરપકડ કરી છે જેમની ઉંમર આશરે 24 વર્ષ, 20 વર્ષ અને 60 વર્ષ હોવાનું જણાય છે. આ સાથે જ જાણવા મળ્યું છે કે ધરપકડ કરાયેલા આરોપીઓ પૈકી ત્રણ ઉત્તર પ્રદેશના છે અને બાકીના મહારાષ્ટ્ર, બંગાળ તથા નેપાળના છે. આ તમામ આરોપીઓ નવી મુંબઈમાં એક જ ઘરમાં સાથે રહેતા હતા અને કારખાનામાં મજૂર તરીકે કામ કરતા હતા.