ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 નવેમ્બર, 2021
શનિવાર
મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિકે શુક્રવારે ફરી એકવાર NCB અધિકારી સમીર વાનખેડે પર પ્રહાર કર્યો. નવાબ મલિકનો દાવો છે કે વાનખેડે નવી મુંબઈના વાશીમાં એક રેસ્ટોરન્ટ અને બાર ધરાવે છે. જેના માટે લાઇસન્સ વર્ષ 1997માં જ્યારે વાનખેડે સગીર હતા ત્યારે મેળવ્યું હતું. નવાબ મલિકે તેને ગેરકાયદેસર ગણાવ્યું. નવાબ મલિકે આક્ષેપ લગાવતા મીડિયાને કહ્યું કે સરકારી સેવામાં હોવા છતાં વાનખેડે પાસે બાર ચલાવવાનું લાઇસન્સ છે. જે સેવા નિયમોની વિરુદ્ધ છે. જો કે, વાનખેડેએ મલિકના દાવાઓને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે તેઓ મંત્રી સામે માનહાનિનો કેસ કરશે.
નવાબ મલિકે પત્રકારોને જણાવ્યું હતું કે, “સમીરના પિતા રાજ્ય આબકારી વિભાગમાં કામ કરતા હતા અને તેમણે સમીરના નામે રેસ્ટોરાં અને બાર ચલાવવાનું લાઇસન્સ મેળવ્યું હતું. તે સમયે વાનખેડેની ઉંમર 17 વર્ષ હતી. જે વ્યક્તિએ 18 વર્ષની ઉંમર પૂર્ણ ન કરી હોય તેને કોઈ લાઇસન્સ આપવામાં આવતું નથી. તેમ છતાં તેના પિતા વર્ષ 1997-98માં લાઇસન્સ મેળવવામાં સફળ થયા. વાનખેડેના નામ પર દર વખતે લાયસન્સ રિન્યુ કરવામાં આવે છે. નવાબ મલિકે ઉમેર્યું કે વર્ષ 2017માં સમીર વાનખેડેએ સરકારી કર્મચારી તરીકેના નિયમો હેઠળ તેની સંપત્તિ જાહેર કરી હતી. જેમાં બારનો ઉલ્લેખ સંપત્તિ તરીકે કર્યો હતો.
કૃષિ કાયદા મુજબ શિરોમણી અકાલી દળ ભાજપ થી અલગ થયું. હવે તે શું કરશે? જાણો અહીં
નવાબ મલિકે વધુમાં જણાવ્યું હતું કે, “એક દાયકા કરતાં વધુ સમયથી બારનું મૂલ્ય રૂ. 1 કરોડ આંકવામાં આવ્યું છે તેમજ વાર્ષિક ભાડા તરીકે રૂ. 2 લાખની આવક દર્શાવે છે. વર્ષ 2020માં પણ સમીર વાનખેડેએ દાવો કર્યો હતો કે બારનું મૂલ્ય રૂ. 1 કરોડ અને રૂ. વાર્ષિક ભાડું રૂ. 2 લાખ છે. એટલે કે તેમાં કંઈક શંકાસ્પદ છે." એનસીપી નેતાએ વાનખેડે પર કેન્દ્ર સરકારથી દારૂના લાયસન્સ અંગેની માહિતી છુપાવવાનો આરોપ લગાવ્યો છે. મલિકે દાવો કર્યો હતો કે સેવા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ NCB અધિકારી તેમની નોકરી ગુમાવશે. સરકારી નોકરી મેળવવા માટે વાનખેડેએ જાતિ પ્રમાણપત્ર અને જન્મ પ્રમાણપત્ર બનાવટી બનાવ્યું છે. કેન્દ્ર સરકારે તેમને સમર્થન આપવાનું બંધ કરવું જોઈએ.
જ્યારે સમીર વાનખેડેએ મલિકના દાવાઓને નકારી કાઢ્યા છે. વાનખેડેએ કહ્યું હતું કે, મંત્રીએ ખોટા આક્ષેપો કર્યા છે. મારી માલિકીનું એસ્ટાબ્લિશમેન્ટ બાર નથી પણ ફેમિલી રેસ્ટોરન્ટ અને બાર છે. નવાબ મલિકે જે ફોટો શેર કર્યો છે તે મારા રેસ્ટોરન્ટનો નથી અને હું તેની સામે માનહાનિનો દાવો કરીશ.