ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
19 ડિસેમ્બર 2020
કોરોનાને કારણે મુંબઈની જીવાદોરી ગણાતી લોકલ લાઈન બહુ ઓછી સંખ્યામાં સામાન્ય લોકો માટે દોડી રહી છે. એવાં સમયે મધ્ય રેલ્વે પર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) અને કલ્યાણ રેલ્વે સ્ટેશન વચ્ચે વાતાનુકૂલિત લોકલ ટ્રેનને તેના પ્રથમ દિવસે જ મુસાફરોનો ખૂબ ઓછો પ્રતિસાદ મળ્યો છે.
આ એસી ટ્રેનમાં બેસવાની ક્ષમતા 1,028 મુસાફરોની છે અને કુલ ક્ષમતા 5,964 મુસાફરોની છે, જો કે ગુરુવારે સાંજે 8 વાગ્યા સુધીમાં, એસી લોકલ દ્વારા ફક્ત 22 મુસાફરોએ જ પ્રવાસ કર્યો હતો. આ 22માંથી બે જ મુસાફરોએ એસી લોકલ ટ્રેનનો સીઝન પાસ ખરીદ્યો હતો. સીએસએમટી અને કલ્યાણ રેલ્વે સ્ટેશન વચ્ચે હાલ કુલ 10 એસી લોકલ ટ્રેન સેવાઓ શરૂ કરી છે. આ ટ્રેન સેવાઓ સોમવારથી શનિવાર સુધી ચાલશે.
સી.એસ.એમ.ટી. અને કંજુરમાર્ગ રેલ્વે સ્ટેશન વચ્ચે દરરોજ મુસાફરી કરનારા એક મુસાફરે જણાવ્યું હતું કે, પીક અવર્સ દરમિયાન વધુ ટ્રેનો શરૂ કરવામાં આવે અને તેમની ફ્રિકવનસી વધારવી જરૂરી છે. “એસી ટ્રેનનો પ્રવાસ આરામદાયક છે અને તેનાથી મુસાફરોને ચોક્કસપણે ફાયદો થશે. હાલ દિવસમાં માત્ર 10 જ ફેરા મારવામાં આવે છે. પરંતુ પીક અવર્સ દરમિયાન વધુ સેવાઓ શરૂ કરવી જોઈએ” એમ તેમણે કહ્યું હતું.
હાલમાં, લોકલ ટ્રેન સેવાઓ ફક્ત આવશ્યક સેવાઓમાં કામ કરતા લોકો, ખાસ-સક્ષમ, દિવ્યાંગ અને કેન્સરના દર્દીઓ માટે જ કાર્યરત છે. મહિલા મુસાફરો અને વકીલોને પણ નિયત સમયગાળા દરમિયાન મુસાફરી કરવાની છૂટ છે.
એસી લોકલ ટ્રેનનું ભાડુ સામાન્ય લોકલ ટ્રેનો કરતા 1.3 ગણા વધારે છે. સીએસએમટી થી દાદરની મુસાફરી માટે એક તરફી ટિકિટની કિંમત ₹ 65; સીએસએમટીથી કુર્લાની કિંમત ₹ 125; સીએસએમટીથી થાણેનો ખર્ચ ₹ 180 છે અને કલ્યાણના ભાડાની કિંમત 210 ₹ છે.
સેન્ટ્રલ રેલ્વેએ 30 જાન્યુઆરી, 2020 ના રોજ થાણે-વાશી અને પનવેલ રેલ્વે સ્ટેશન વચ્ચે ટ્રાન્સ-હાર્બર રૂટ પર તેની પ્રથમ એસી લોકલ ટ્રેન ચલાવી હતી. જે સફળ રહી હતી. પરંતું હાલ જ્યારે વિધિવત શરૂ કરવામાં આવી છે ત્યારે મુસાફરોનો મોળો પ્રતિસાદ મળ્યો છે. પરંતું પ્રસાશનને આશા છે કે જ્યારે આમ જનતા માટે ટ્રેન ખુલ્લી મુકાશે ત્યારે રાબેતા મુજબ મુસાફરો થી ટ્રેન ભરાઈ જશે..
