ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 ડિસેમ્બર 2021
બુધવાર.
પશ્ર્ચિમ ઉપનગરમાં મલાડમાં છેલ્લા થોડા વર્ષોમાં ઊભા થઈ ગયેલા હાઈરાઈઝ બિલ્ડિંગ અને વધી રહી વસતીને કારણે અહીં પાલિકા યંત્રણા પહોંચી શકતી નહોતી. તેથી લાંબા સમયથી મલાડ- પી-નોર્થ વોર્ડનું લાંબા સમયથી બે વોર્ડમાં વિભાજન કરવાની સ્થાનિક રહેવાસીઓ માગણી કરી રહ્યા હતા. છેવટે નવા વર્ષમાં પી-નોર્થ વોર્ડનું પી-વેસ્ટ અને પી-ઈસ્ટ એમ બે વોર્ડમાં વિભાજન થઈ જશે. હાલ વોર્ડને વિભાજન કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
મુંબઈની સવા કરોડથી વધુ વસતીને માળખાકીય સુવિધાથી લઈને પાણી, આરોગ્ય સેવા વ્યવસ્થિત રીતે પૂરી પાડવું સરળ રહે તે માટે મુંબઈ મહાનગરપાલિકાએ વસતીને દ્રષ્ટિએ મુંબઈનું 24 વોર્ડમાં વિભાજન કર્યું હતું. જોકે વધતી વસતી સામે મુંબઈના 24 વોર્ડની યંત્રણા પણ ઓછી પડી રહી છે. તેમાં પણ ખાસ કરીને પી-નોર્થમાં લાંબા સમયથી સ્થાનિક રહેવાસીઓ ફરિયાદ કરી રહ્યા હતા. તે મુજબ બહુ જલદી પી-નોર્થ બે વોર્ડમાં વહેંચાઈ જશે.
વોર્ડને બે ટુકડા કરવાને કારણે વધારાના કર્મચારીઓની પણ પાલિકાને નિમણૂક કરવી પડશે. હાલ પી-પૂર્વ વોર્ડની ઓફિસ માટે મલાડ(ઈસ્ટ)માં જગ્યા શોધવામાં આવી રહી છે. હાલ મુંબઈમાં 24 વોર્ડ છે. પી-નોર્થના વિભાજનની સાથે જ વોર્ડની સંખ્યા પણ 25 થઈ જશે.
પી-નોર્થ વોર્ડ લગભગ 41.05 કિલોમીટરનો છે. તેની કુલ વસતી 9 લાખ 59 હજાર 95 છે. પી-નોર્થની વસતીને જોતા વોર્ડની યંત્રણા અપૂરતી છે. તેથી વોર્ડના નાગરિકોને વિવિધ સુવિધા ઉપલબ્ધ કરવામાં અડચણો આવી રહી છે. વિકાસના કામો પણ ઝડપથી કરી શકાતા નથી. તેથી પ્રશાસકીય કામ ઝડપથી થાય તે માટે પી-ઉત્તર વોર્ડને બે વોર્ડમાં વહેંચી નાખવાની જાહેરાત પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે પાલિકાના બજેટ દરમિયાન કરી હતી.
મુંબઈમાં ફરી કોરોના બ્લાસ્ટ! માત્ર એક સપ્તાહમાં ચાર ગણા કેસ વધ્યા, મહાનગર પાલિકા ચિંતામાં; જાણો આજે કેટલા કેસ આવ્યા સામે
પી-નોર્થ વોર્ડ બે વોર્ડમાં વહેંચાઈ ગયા બાદ પી-ઈસ્ટમાં 36,37,38,39,40,41,42,43,44 અને 45 નંબરના વોર્ડનો સમાવેશ થશે. જયારે પી-વેસ્ટમાં 32,33,34,35,46, 47,48 અને 49 નંબરના વોર્ડનો સમાવેશ થશે.