ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
18 જાન્યુઆરી 2021
આમ તો આજકાલ દરેક જગ્યાએ સિસિટીવી બેસાડવામાં આવ્યાં જ હોય છે. પરંતુ હવેથી તમામ ખાનગી સંસ્થાઓએ પોતાના પરિસરમાં સિસિટીવી લગાડવું ફરજિયાત છે. આ સીસીટીવી એવી રીતે લગાડવા પડશે જે તેની જગ્યાની હદથી તમામ વિસ્તારને આવરી લે.

મુંબઈ પોલીસ ના જણાવ્યા અનુસાર, મોટા ભાગે એવું જણાયું છે કે અનેક ખાનગી સંસ્થાનોએ સીસીટીવી ગોઠવ્યા તો છે, પરંતુ તે મકાનની અંદર છે. જેથી રસ્તા પરની ગતિવિધિઓ નજરે નથી ચડતી. તેમજ કૅમેરાની ગુણવત્તા અને રેકર્ડિંગની ક્ષમતા પણ કંગાળ હોય છે. જેને કારણે જ્યારે કોઈ ઘટના ઘટે છે ત્યારે ફુટેજને આધારે આરોપીની ઓળખાણ મળી શકતી નથી.
પોલીસે ખાનગી સંસ્થાનોને નવો આદેશ આપ્યો છે કે પોતાની જગ્યાની સીમાથી આગળનો 50 મીટરનો વિસ્તાર આવરી લે એ રીતે સીસીટીવી કૅમેરા ગોઠવવામાં આવે. કૅમેરા 24 કલાક રેકોર્ડિંગ કરી શકતાં હોય, રેકર્ડિંગ સારી ગુણવત્તાનું હોય, કમ સે કમ 15 દિવસના રેકર્ડિંગ સંઘરવાની ક્ષમતા હોય.
ખાનગી સંસ્થાનોમાં બૅન્કો, એટીએમ, નાણાકીય સંસ્થાઓ, જ્વેલરીની દુકાનો, હૉટેલો, ગેસ્ટ હાઉસ, રેસ્ટોરન્ટ, બાર્સ, પબ્સ, શરાબ અને બીયરની દુકાનો, રહેણાંક ટાવરો, ઓફિસની બિલ્ડિંગો, પેટ્રોલ પમ્પ, શાપિંગ કૉમ્પ્લેક્ષ મૉલ, જિમ્સ, સિનેમા હૉલ, હૉસ્પિટલો, ધર્મસ્થાનો અને ટ્રસ્ટો વગેરેનો સમાવેશ થાય છે.