ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 જાન્યુઆરી 2022
મંગળવાર
મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોનાના નવા કેસ માં છેલ્લા કેટલાક દિવસથી વધઘટ જોવા મળી રહી છે. કોરોનાના ત્રીજી લહેર દરમિયાન, મુંબઈમાં સૌથી વધુ કેસ કોવિડ-19ના નવા ઓમિક્રોન વેરિઅન્ટના છે. કોવિડ-19ના કયા વેરિઅન્ટનું ઇન્ફેક્શન દર્દીને થયું છે એ ચકાસવા માટે મુંબઈ મહાનગરપાલિકા(BMC) દ્વારા અમુક સમયના અંતરે સીરો સર્વેક્ષણ કરવામાં આવે છે. લેટેસ્ટ સીરો સર્વેમાં મુંબઈમાં 89 ટકા દરદીને ઓમિક્રોન વાયરસનું ઈન્ફેક્શન થયું હોવાનું જણાઈ આવ્યું છે.
મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં 373 કોવિડના દર્દીઓના લોહીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 280 દર્દી મુંબઈ સુધરાઈની હદમાં રહે છે. બાકીના દર્દી મુંબઈની આસપાસના હતા. 89% ઓમીક્રોન ઉપરાંત 8 ટકા દરદીને ડેલ્ટા ડેરીવેટિવ્ઝ તો 3 ટકા ડેલ્ટા વેરિઅન્ટના જણાયા હતા, જ્યારે 11 દર્દીને કોરોનાના બીજા વાયરસનું સંક્રમણ થયું હોવાનું સર્વેમાં જણાઈ આવ્યું છે.
મુંબઈ શહેરના 280 દર્દીમાંથી 34 ટકા એટલે કે 96 દર્દી 21થી 40 વર્ષની વયના હતા. 29 ટકા એટલે કે 79 દર્દી 41થી 60 વર્ષના તો 25 ટકા એટલે કે 69 દરદી 61થી 80 વર્ષના, 8 ટકા એટલે કે 22 દર્દી નવજાત બાળકથી 20 વર્ષની વયના, 5 ટકા એટલે કે 14 દર્દી 81થી 100 વર્ષની ઉંમરના હતા.
280 કોવિડ દર્દીમાંથી 99 દર્દીએ કોરોના રસીનો એક પણ ડોઝ નહોતો લીધો, જેમાંથી 76 દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. 12 દર્દીને ઓક્સિજન અને પાંચ દર્દીને આઇસીયુની જરૂર પડી હતી. 7 દર્દીએ રસીનો એક ડોઝ લીધો હતો, જેમાંથી 6 દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. 174 દર્દીએ વૅક્સિનના બંને ડોઝ લીધા હતા, એમાંથી 89 દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આમાંથી બે દર્દીને ઓક્સિજન ની જરૂર પડી હતી તો 15 દર્દીને આઇસીયુમાં રાખવા પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ઑગસ્ટ 2021થી સીરો સર્વે કરવામાં આવી રહ્યો છે. 31 ડિસેમ્બર 2021ના રોજ કરાયેલા સર્વેમાં 55 ટકા કોવિડના દર્દીમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમીક્રોન જોવા મળ્યો હતો. 32 ટકા દર્દીમાં ડેલ્ટા ડેરીવેટિવ્ઝ અને 13 ટકા દર્દીમાં ડેલ્ટા વેરિઅન્ટ જોવા મળ્યો હતો.