News Continuous Bureau | Mumbai
મુંબઈમાં દુકાનો તથા ઍસ્ટાબ્લિશમેન્ટના નામના પાટિયાં મરાઠીમાં મોટા અક્ષરોમાં દેખાય તે રીતે લખવાનો આદેશ મુંબઈ મહાનગરપાલિકાએ આપ્યો છે. પાટિયાં પર બીજી ભાષામાં પણ નામ લખી શકાશે. જો કે મરાઠીમાં નામ પાટિયાં પર બીજી ભાષા કરતા પહેલાં લખવાનું અને તે પણ મોટા અક્ષરમાં લખવાનું ફરજિયાત રહેશે.
મુંબઈમાં દુકાનોના નામના પાટિયાં મરાઠીમાં લખવાનો ઘણા વખત પહેલા ખાસ્સો એવો વિવાદ થયો હતો. રાજકીય પાર્ટીઓએ તેના પર ખાસ્સું રાજકારણ પણ કર્યું હતું. જે દુકાનોના નામના બોર્ડ મરાઠીમાં નહોતા તેને તોડી પાડવા જેવા બનાવ પણ બન્યા હતા. જોકે મુંબઈ મહાનગરપાલિકાએ અગાઉ પણ દુકાનોના નામના પાટિયાં મરાઠીમાં હોવા જોઈએ તેના પર ભાર આપ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકસાન. જાણો ક્યાં ક્યાં વરસાદ પડ્યો.
હવે બુધવારે પાલિકાએ નવેસરથી સર્ક્યુલર બહાર પાડ્યો હતો. તે મુજબ મુંબઈની તમામ દુકાનો તથા ઍસ્ટાબ્લિશમેન્ટના નામ દેવનાગરી લિપીમાં મરાઠીમાં લખેલા ફરજિયાત રહેશે. બીજી ભાષામાં પણ પાટિયાં પર નામ લખવાની મંજૂરી હશે. પરંતુ મરાઠીમાં મોટા અક્ષરે અને બીજી ભાષામાં નામ લખવા પહેલા મરાઠીમાં નામ હોવું આવશ્યક હશે.
એ સિવાય દારૂનો પુરવઠો કરનારી અને વેચનારી દુકાનોના નામના પાટિયા પણ મહાન વ્યક્તિઓ, ગઢ અને કિલ્લાના નામ પર રાખી શકાશે નહીં.
પાલિકાના નિયમનું ઉલ્લંઘન કરનાર દુકાનદાર અને એસ્ટાબ્લિશમેન્ટ સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે એવી ચેતવણી પણ પાલિકાએ આપી છે.