News Continuous Bureau | Mumbai
Mumbra ATS raid પાકિસ્તાન પ્રેરિત આતંકવાદે ભારતમાં ઊંડા મૂળ જમાવ્યા હોવાનું સામે આવ્યું છે. દિલ્હીમાં લાલ કિલ્લા બોમ્બ વિસ્ફોટ પહેલા જમ્મુ-કાશ્મીર પોલીસે બે ડોક્ટરોની ધરપકડ કરી હતી, જ્યારે હવે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના મુમ્બ્રામાંથી મસ્જિદમાં ઉર્દૂ શીખવતા એક શિક્ષકની અટકાયત કરવામાં આવી છે. આ શિક્ષકને અલ કાયદા સાથે સંબંધો હોવાની શંકા છે. તે નાના બાળકો, સમાજના ઉચ્ચ વર્ગના અને ઉચ્ચ શિક્ષિતોનું દહેશતવાદીઓનો સ્લીપર સેલ બનવા માટે બ્રેઇન વોશ કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે.
ઇબ્રાહિમ અબીદી નામના શિક્ષક પર ATSનો દરોડો
પ્રાપ્ત માહિતી મુજબ મહારાષ્ટ્ર આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ થાણે જિલ્લાના મુમ્બ્રા-કૌસા વિસ્તારમાં એક મોટી કાર્યવાહી કરી છે. બુધવારે અહીંના ઇબ્રાહિમ અબીદી નામના ઉર્દૂ શિક્ષકના ઘરે ATSએ દરોડો પાડ્યો. અબીદી મુમ્બ્રામાં ભાડાના મકાનમાં રહેતો હતો અને દર રવિવારે કુર્લાની એક મસ્જિદમાં ઉર્દૂ શીખવતો હતો. જોકે, ATSને શંકા છે કે તેના સંબંધો પ્રતિબંધિત અલ-કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનન્ટ (AQIS) સાથે છે.
પુણે AQIS કેસના તાર મુંબઈ સુધી
તપાસ એજન્સીઓએ શંકા વ્યક્ત કરી છે કે ઇબ્રાહિમ અબીદી ‘વ્હાઇટ-કોલર’ લોકો અને બાળકોને કટ્ટરપંથી વિચારધારા તરફ વાળી રહ્યો હતો. આ કાર્યવાહી પુણે AQIS કેસ સાથે જોડાયેલી છે, જેમાં અગાઉ પુણેમાંથી ઝુબેર ઇલિયાસ હંગરગેકર નામના સોફ્ટવેર એન્જિનિયરની ધરપકડ કરવામાં આવી હતી. ATSના ખુલાસા મુજબ, ધરપકડ કરાયેલો એન્જિનિયર ઝુબેર આ શિક્ષકના ઘરે યોજાયેલી એક ગુપ્ત બેઠકમાં હાજર હતો.
આ સમાચાર પણ વાંચો : Mumbai Crime: ચોંકાવનારો કિસ્સો મુંબઈમાં ૨૯ વર્ષીય યુવતીને સુધીર ફડકે બ્રિજ નીચે ઢસડી જઈ દુષ્કર્મનો પ્રયાસ, આરોપી ઝડપાયો?
ઝડતીમાં મળેલા પુરાવાઓ અને તપાસ
ઝુબેરના જૂના ફોનમાંથી ઓસામા બિન લાદેનના ભાષણનું ઉર્દૂ ભાષાંતર, ‘અલ-કાયદા’ સંબંધિત ગુપ્ત દસ્તાવેજો અને ‘ઇન્સ્પાયર’ નામનું એક માસિક મળી આવ્યું હતું, જેમાં બોમ્બ બનાવવાની માહિતી હતી. ATSએ ઇબ્રાહિમ અબીદીના મુમ્બ્રા અને કુર્લા (બીજી પત્નીનું ઘર) એમ બંને સ્થળોની ઝડતી લીધી છે અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ શંકાસ્પદ કાગળપત્રો જપ્ત કર્યા છે. આ શિક્ષકના માધ્યમથી આતંકવાદી સંગઠનોએ મુંબઈ અને આસપાસના વિસ્તારમાં કેટલું ઊંડું જાળું ફેલાવ્યું છે, તેની તપાસ ATS દ્વારા યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.