PM Narendra Modi: પ્રધાનમંત્રીએ મુંબઈમાં 141મા આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિ (આઇઓસી) સત્રનું ઉદઘાટન કર્યું.

PM Narendra Modi: "ભારત દેશમાં ઑલિમ્પિકની યજમાની કરવા આતુર છે. વર્ષ 2036માં ઑલિમ્પિકનાં સફળ આયોજનની તૈયારીમાં ભારત કોઈ કસર છોડશે નહીં. આ 140 કરોડ ભારતીયોનું સપનું છે" "ભારત વર્ષ 2029 માં યોજાનારી યુથ ઑલિમ્પિક્સની યજમાની માટે પણ ઉત્સુક છે" "ભારતીયો માત્ર રમતપ્રેમીઓ જ નથી, પરંતુ આપણે તેને જીવીએ પણ છીએ" "ભારતનો રમતગમતનો વારસો સમગ્ર વિશ્વનો છે" "રમતગમતમાં, કોઈ હારનાર નથી હોતા, ફક્ત વિજેતાઓ અને શીખનારાઓ હોય છે" "અમે ભારતમાં રમતગમતમાં સર્વસમાવેશકતા અને વિવિધતા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ" "આઇઓસીના એક્ઝિક્યુટિવ બૉર્ડે ક્રિકેટને ઑલિમ્પિકમાં સામેલ કરવાની ભલામણ કરી છે અને અમને આશા છે કે ટૂંક સમયમાં સકારાત્મક સમાચાર સાંભળવા મળશે"

by Hiral Meria
The Prime Minister inaugurated the 141st International Olympic Committee (IOC) session in Mumbai.

News Continuous Bureau | Mumbai 

PM Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં ( Mumbai ) 141મા આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિ ( International Olympic Committee )  (આઇઓસી) ( IOC ) સત્રનું ઉદ્‌ઘાટન ( Inauguration ) કર્યું હતું. આ સત્ર રમતગમત સાથે સંબંધિત વિવિધ હિતધારકો વચ્ચે આદાનપ્રદાન અને જાણકારીની વહેંચણીની તક પ્રદાન કરે છે.

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ભારતમાં 40 વર્ષ પછી યોજાઈ રહેલાં આ સત્રનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે અમદાવાદનાં વિશ્વનાં સૌથી મોટાં સ્ટેડિયમમાં ક્રિકેટ વર્લ્ડ કપ ( Cricket World Cup ) ફિક્સરમાં ભારતના વિજય અંગે પણ માહિતી આપી હતી જેને હર્ષોલ્લાસ સાથે વધાવી લેવાઇ હતી. તેમણે કહ્યું હતું કે, “હું આ ઐતિહાસિક વિજય માટે ટીમ ભારત ( Team India ) અને દરેક ભારતીયને અભિનંદન આપું છું.”

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રમતગમત એ ભારતની સંસ્કૃતિ ( Indian culture ) અને જીવનશૈલીનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે તમે ભારતનાં ગામડાંઓમાં જાઓ છો, ત્યારે તમે જોઈ શકો છો કે, કોઈ પણ તહેવાર રમતગમત વિના અધૂરો રહી જાય છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “ભારતીયો માત્ર રમતપ્રેમીઓ જ નથી, પરંતુ અમે તેને જીવીએ પણ છીએ.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, રમતગમતની સંસ્કૃતિ ભારતના હજારો વર્ષ જૂના ઇતિહાસમાં પ્રતિબિંબિત થાય છે. સિંધુ ખીણની સંસ્કૃતિ હોય, વૈદિક કાળ હોય કે પછી એ પછીનો યુગ હોય, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતનો રમતગમતનો વારસો ઘણો જ સમૃદ્ધ રહ્યો છે. તેમણે માહિતી આપી હતી કે હજારો વર્ષ પહેલાં લખાયેલાં શાસ્ત્રોમાં ઘોડેસવારી, તરણ, તીરંદાજી કુસ્તી વગેરે જેવી રમતો સહિત 64 શૈલીઓમાં નિપુણ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે તીરંદાજીની રમત શીખવા માટે ‘ધનુર વેદ સંહિતા’ એટલે કે તીરંદાજી માટેની સંહિતા પ્રકાશિત કરવામાં આવી હતી જેમાં ધનુષવન, ચક્ર, ભાલા, ફેન્સિંગ, કટાર, ગદા અને કુસ્તી જેવાં તીરંદાજી શીખવા માટેની પૂર્વશરત તરીકે 7 ફરજિયાત કૌશલ્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રીએ ભારતની આ પ્રાચીન રમતગમતની વિરાસતના વૈજ્ઞાનિક પુરાવા પ્રસ્તુત કર્યા હતા. તેમણે ધોળાવીરા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો ઉલ્લેખ કરીને 5000 વર્ષ જૂનાં આ શહેરના નગર આયોજનમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ખોદકામમાં બે સ્ટેડિયમ મળી આવ્યાં હતાં, જેમાંથી એક સ્ટેડિયમ એ સમયે દુનિયાનું સૌથી જૂનું અને સૌથી મોટું સ્ટેડિયમ હતું. એ જ રીતે રાખીગઢીમાં રમતગમતને લગતા બાંધકામો મળી આવ્યાં છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “ભારતનો આ રમતગમતનો વારસો સંપૂર્ણ દુનિયાનો છે.”

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “રમતગમતમાં કોઈ હારનાર નથી, માત્ર વિજેતાઓ અને શીખનારાઓ જ છે. રમતગમતની ભાષા અને ભાવના સાર્વત્રિક છે. રમતગમત એ માત્ર સ્પર્ધા નથી. રમતગમત માનવતાને વિસ્તૃત કરવાની તક આપે છે.” “આ જ કારણ છે કે વૈશ્વિક સ્તરે રેકોર્ડ્સની ઉજવણી કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે, રમતગમત ‘વસુધૈવ કુટુંબકમ્‌’ – એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય”ના જુસ્સાને પણ મજબૂત કરે છે. પ્રધાનમંત્રીએ ભારતમાં રમતગમતના વિકાસ માટે તાજેતરમાં લેવાયેલાં પગલાંની પણ યાદી આપી હતી. તેમણે ખેલો ઇન્ડિયા રમતો, ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ, ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ, સાંસદોની રમત-ગમતની સ્પર્ધાઓ અને આગામી ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “અમે ભારતમાં રમતગમતમાં સર્વસમાવેશકતા અને વિવિધતા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.”

પ્રધાનમંત્રીએ રમતગમતની દુનિયામાં ભારતનાં ઝળહળતાં પ્રદર્શનનો શ્રેય સરકારના પ્રયાસોને આપ્યો હતો. તેમણે ઑલિમ્પિક્સની છેલ્લી આવૃત્તિમાં ઘણા રમતવીરોનાં ભવ્ય પ્રદર્શનને યાદ કર્યું હતું તથા તાજેતરમાં સંપન્ન થયેલી એશિયન ગેમ્સમાં ભારતનાં શ્રેષ્ઠ પ્રદર્શન અને વિશ્વ યુનિવર્સિટી રમતોત્સવમાં ભારતના યુવા રમતવીરોએ કરેલા નવા વિક્રમો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સકારાત્મક ફેરફારો ભારતમાં રમતગમતનાં વાતાવરણમાં ઝડપથી પરિવર્તનનો સંકેત છે.

શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતે વૈશ્વિક સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ્સનું આયોજન કરવાની પોતાની ક્ષમતા સફળતાપૂર્વક સાબિત કરી છે. તેમણે તાજેતરમાં યોજાયેલી ચેસ ઓલિમ્પિયાડ જેવી વૈશ્વિક સ્પર્ધાઓનો ઉલ્લેખ કર્યો જેમાં 186 દેશોએ ભાગ લીધો હતો, સાથે જ ફૂટબોલ અંડર-17 મહિલા વિશ્વ કપ, હોકી વિશ્વ કપ, મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપ, શૂટિંગ વિશ્વ કપ અને હાલમાં ચાલી રહેલા ક્રિકેટ વિશ્વ કપ જેવી ભારતે યજમાની કરેલ વૈશ્વિક ટુર્નામેન્ટ્સનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે એમ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે રાષ્ટ્ર દર વર્ષે વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગનું આયોજન કરે છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, આઇઓસીના એક્ઝિક્યુટીવ બોર્ડે ક્રિકેટને ઑલિમ્પિકમાં સામેલ કરવાની ભલામણ કરી છે અને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ ભલામણોનો સ્વીકાર કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Weather Update : હવામાન વિભાગની મોટી આગાહી! નવરાત્રિ પર રહેશે વરસાદની હાજરી, મહારાષ્ટ્ર સહિત દેશના આ ભાગોમાં વરસાદની શક્યતા; જાણો ક્યાં રાજ્યમાં રહેશે વરસાદ.. વાંચો વિગતે અહીં..

વૈશ્વિક કાર્યક્રમો એ ભારત માટે વિશ્વનું સ્વાગત કરવાની તક છે એ બાબતને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત તેની ઝડપથી વિસ્તરી રહેલી અર્થવ્યવસ્થા અને સુવિકસિત માળખાગત સુવિધાને કારણે વૈશ્વિક કાર્યક્રમોનું આયોજન કરવા માટે અગ્રેસર છે. તેમણે જી-20 સમિટનું ઉદાહરણ આપ્યું હતું, જેમાં દેશનાં 60થી વધુ શહેરોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને કહ્યું હતું કે, આ દરેક ક્ષેત્રમાં ભારતની આયોજન ક્ષમતાનો પુરાવો છે. પ્રધાનમંત્રીએ ભારતના 140 કરોડ નાગરિકોનો વિશ્વાસ વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ભારત દેશમાં ઑલિમ્પિકની યજમાની કરવા આતુર છે. ભારત વર્ષ 2036માં ઑલિમ્પિકનાં સફળ આયોજનની તૈયારીમાં કોઈ કસર છોડશે નહીં, 140 કરોડ ભારતીયોનું આ સપનું છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશ તમામ હિતધારકોના સાથસહકાર સાથે આ સ્વપ્ન પૂર્ણ કરવા ઇચ્છે છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “ભારત વર્ષ 2029માં યોજાનારી યુથ ઑલિમ્પિક્સની યજમાની માટે પણ આતુર છે.” તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આઇઓસી ભારતને પોતાનો ટેકો આપવાનું ચાલુ રાખશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “રમતગમત એ માત્ર ચંદ્રક જીતવા માટે જ નથી, પણ દિલ જીતવા માટેનું માધ્યમ છે. રમતગમત બધા માટે બધાની છે. તે માત્ર ચેમ્પિયનને જ તૈયાર કરતું નથી, પરંતુ શાંતિ, પ્રગતિ અને સુખાકારીને પણ પ્રોત્સાહન આપે છે. એટલે રમતગમત એ વિશ્વને એકતાંતણે બાંધવાનું વધુ એક માધ્યમ છે.” ફરી એક વખત પ્રતિનિધિઓને આવકારતા પ્રધાનમંત્રીએ સત્રને ખુલ્લું મૂકવાની જાહેરાત કરી હતી.

આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિના પ્રમુખ શ્રી થોમસ બાચ અને આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિનાં સભ્ય શ્રીમતી નીતા અંબાણી ઉપસ્થિત રહ્યા હતા.

પશ્ચાદભૂમિકા

આઇઓસીનું સત્ર આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિ (આઇઓસી)ના સભ્યોની મહત્વની મિટિંગ તરીકેની જવાબદારી સંભાળે છે. આઇઓસીનાં સત્રોમાં ઑલિમ્પિક રમતોનાં ભવિષ્યને લગતા મહત્વના નિર્ણયો લેવામાં આવે છે. ભારત લગભગ ૪૦ વર્ષના ગાળા પછી બીજી વખત આઇઓસી સત્રનું આયોજન કરી રહ્યું છે. આઈઓસીનું ૮૬મું સત્ર ૧૯૮૩માં નવી દિલ્હીમાં યોજાયું હતું.

ભારતમાં આયોજિત 141મું આઇઓસી સત્ર વૈશ્વિક સહકારને પ્રોત્સાહન આપવા, રમતગમતમાં ઉત્કૃષ્ટતાની ઉજવણી કરવા અને મિત્રતા, સન્માન અને ઉત્કૃષ્ટતાનાં ઑલિમ્પિક આદર્શોને આગળ વધારવા માટેનાં દેશનાં સમર્પણને મૂર્તિમંત કરે છે. તે રમતગમત સાથે સંબંધિત વિવિધ હિતધારકો વચ્ચે આદાનપ્રદાન અને જાણકારીની વહેંચણીની તક પ્રદાન કરે છે.

આ સેશનમાં આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિના પ્રમુખ શ્રી થોમસ બાચ અને આઇઓસીના અન્ય સભ્યોની સાથે સાથે ભારતની અગ્રણી સ્પોર્ટસ હસ્તીઓ અને ભારતીય ઑલિમ્પિક એસોસિએશન સહિતના વિવિધ સ્પોર્ટસ ફેડરેશનોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More