News Continuous Bureau | Mumbai
Rashtriya Bal Swasthya Karyakram scheme :
- બારડોલી તાલુકાના મસાડ ગામના ધર્મેન્દ્રભાઈ પટેલના પુત્ર હેમિલને હોઠ અને તાળવાની જન્મજાત ખામી દૂર થઈ
- જન્મ પછી ૭મા માસે હોઠ અને ૯ વર્ષની ઉંમરે તાળવાનું ઓપરેશન RBSK યોજના હેઠળ સફળતાપૂર્વક થયુઃ
- ડોકટરોના ત્વરિત નિર્ણય અને સરકારની યોજનાના પરિણામે હેમિલને મળ્યું સ્વસ્થ જીવનઃ
બારડોલી તાલુકાના મસાડ ગામના ખેડૂત પરિવારનો પુત્ર હેમિલ જન્મથી જ ખાસ પ્રકારની શારીરિક ખામી લઈને જન્મ્યો હતો. હોઠના ભાગમાં જગ્યા ન હોવી અને તાળવા (પેલેટ) નો વિકાસ ન થવો એ બે ગંભીર ખામીઓ તેના જીવનમાં અવરોધરૂપ બની હતી. તબીબી ભાષામાં એવી સ્થિતિને “ક્લેફ્ટ લિપ એન્ડ પેલેટ” (Cleft Lip and Palate) તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં બાળકને ખાવા, પીવા અને બોલવામાં મુશ્કેલી થતી હોય છે, ત્યારે સરકારની આર.બી.એસ.કે. યોજના થકી એક નહીં, બે વખત હેમિલના નિઃશુલ્ક ઓપરેશન કરાયા છે. જન્મ પછી ૭મા માસે હોઠ અને ૯ વર્ષની ઉંમરે તાળવાનું ઓપરેશન RBSK યોજના હેઠળ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. હેમિલ અને તેના પરિવાર માટે રાજ્ય સરકારની આ યોજનાએ નવી ખુશીઓની ભેટ આપી છે.
હેમિલના પિતા ધર્મેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, મારા બાળકને જન્મથી જ હોઠ અને તાળવાની ખામી હતી. જ્યારે દિકરો ૭ મહિનાનો થયો ત્યારે RBSK (રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ)ની ટીમ ગામમાં તપાસ માટે આવી, જ્યાં અમને સરકારની યોજના વિશે સમજ આપી નિ:શુલ્ક ઓપરેશન થતું હોવાનું જણાવી અમને યુ.એન.એમ. ચિલ્ડ્રન હોસ્પિટલ-કામરેજમાં સારવાર માટે માર્ગદર્શન આપ્યું. ત્યારબાદ RBSK હેઠળ હેમિલના હોઠનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું. પરંતુ હેમિલ અને અમારા પરિવારને વધુ એક સંઘર્ષમાંથી પસાર થવું પડ્યું જ્યારે તે ૯ વર્ષનો થયો ત્યારે તાળવાની સમસ્યાને લઇ વધુ એક ઓપરેશન જરૂરી બન્યું. એ વખતે પણ સરકારની RBSK યોજના હેઠળ સારવાર મળી એ અમારા માટે આશીર્વાદરૂપ બની છે. આજે હેમિલ સંપૂર્ણ સ્વસ્થ છે. ધો-૪માં અભ્યાસ કરે છે, ગમ્મતગુલાલ સાથે રમે છે, હસે છે, હેલ્ધી જીવન જીવે છે.
આ સમાચાર પણ વાંચો: Maharashtra Covid 19 case :કોરોનાનો ખતરો ફરી વધ્યો! ચિંતાજનક આંકડા આવ્યા સામે; જાણો મહારાષ્ટ્રના કયા જિલ્લામાં કેટલા દર્દીઓ?
વધુમાં ધર્મેન્દ્રભાઈ પટેલ કહ્યું કે, ખેતીથી પરિવારનું ભરણપોષણ કરતો હોવાથી ટૂંકી આવક અને બાળકને જન્મજાત ખામી આવતા એના ઓપરેશન કરવાની ચિંતા સતાવતી હતી, પરંતુ સરકારની RBSK યોજનામાં બે સફળ ઓપેશન થતા આજે મારૂ બાળક નોર્મલ જીવન જીવી રહ્યું છે, અને તેને ખાવા, પીવા અને બોલવામાં મુશ્કેલી પડતી નથી. તે સરળતાથી તમામ કાર્ય કરી શકે છે. સરકારની યોજનાએ મારા બાળકને અન્ય બાળકોની જેવું સ્વસ્થ જીવન આપ્યું, જેથી સરકારના અમે અભારી છીએ.
મેડિકલ ઓફિસર ડો.રૂનાલી કપ્તાને જણાવ્યું કે, આવા દુર્લભ કેસોમાં સમયસર ડાયગ્નોસિસ અને ત્વરિત સારવાર આપવામાં આવે તો બાળકને સામાન્ય જીવન આપી શકાય છે. હેમિલને સમયસર સારવાર પ્રાપ્ત થતા હવે સંપૂર્ણ સ્વસ્થ છે, એને જોઈને અમારી આંખો ઠરે છે. જો આ યોજના ન હોત ન જાણે હેમિલનું જીવન કઈ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હોત અને કેવી કઠિનાઈ વેઠવી પડતી હોત એ વિચારથી કંપારી આવી જાય છે.
આર.બી.એસ.કે. (RBSK) યોજના શું છે?
RBSK એટલે કે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ- ભારત સરકારની એવી આરોગ્યલક્ષી યોજના છે, જેમાં ૦ થી ૧૮ વર્ષના બાળકોના આરોગ્યની નિ:શુલ્ક તપાસ કરવામાં આવે છે, અને જો કોઈ ગંભીર તકલીફ હોય તો સારવાર કે ઓપરેશન પણ વિનામૂલ્યે કરવામાં આવે છે. ગુજરાતમાં હજારો બાળકોને નવજીવન અપાવતી આ યોજના અનેક પરિવાર માટે આશીર્વાદરૂપ બની છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.