News Continuous Bureau | Mumbai
- સુરત શહેરમાં ૧,૮૫,૮૮૩ અને સુરત ગ્રામ્ય વિસ્તારોમાં ૫૬,૨૯૫ વડીલોને આધારથી એનરોલ કરી યોજના હેઠળ લાભાન્વિત કરાયા
Ayushman Bharat: ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોની આરોગ્ય સુખાકારી માટે રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી જનઆરોગ્ય- ‘આયુષ્માન ભારત’ યોજના અમલી છે, જેમાં ગંભીર બીમારી, ઓપરેશન માટે સો ટકા નિઃશુલ્ક સારવાર સુવિધા ઉપલબ્ધ છે. પરિવારદીઠ રૂ.૧૦ લાખ સુધીનું આરોગ્ય કવચ આપતી આ યોજના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ૭૦ વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય સુરક્ષા પૂરી પારવાના ઉદ્દેશ સાથે વયવંદના કાર્યક્રમ અમલી બનાવાયો છે. આ યોજના હેઠળ ૭૦+ વયના વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવે છે જેના થકી તેઓ નિયત બીમારીઓમાં વિનામૂલ્યે સારવાર મેળવી શકે છે.
સુરત મહાનગરપાલિકા અને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ૭૦ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામાજિક, આર્થિક સ્થિતિને ધ્યાને લીધા વગર આયુષ્માન વયવંદના કાર્ડનો લાભ આપવામાં આવી રહ્યો છે. આયુષ્માન વયવંદના ૭૦+ કાર્યક્રમ હેઠળ સુરત શહેર-જિલ્લામાં કુલ ૨,૪૨,૧૭૮ વરિષ્ઠ નાગરિકોને આવરી લેવાયા છે, જેમાં શહેરમાં ૧,૮૫,૮૮૩ અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં ૫૬,૨૯૫ વડીલોને કાર્ડ ઈસ્યુ કરી લાભ આપવામાં આવ્યો છે. PMJAY યોજનામાં જોડાયેલી હોસ્પિટલોમાં આયુષ્માન વય વંદના કાર્ડ રજૂ કરી સારવાર મેળવી શકશે.
આ સમાચાર પણ વાંચો : PM Modi: પ્રધાનમંત્રીએ દરેકને ક્રિસમસની શુભેચ્છા પાઠવી
સુરત શહેરી વિસ્તારોમાં ૭૦ વર્ષથી વધુ વયના આશરે ૩ લાખ જેટલા પાત્રતા ધરાવતા વરિષ્ઠ નાગરીકોને આ યોજના હેઠળ સમાવિષ્ટ કરવામાં આવશે. હાલ ૧,૮૫,૮૮૩ વરિષ્ઠ નાગરિકોને કાર્ડ આપી વયવંદના યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આરોગ્ય ટીમો દ્વારા આયુષ્માન વયવંદના યોજના હેઠળ બાકી રહેલા વડીલોને પણ આધારકાર્ડથી એનરોલ કરી લાભ આપવાની કામગીરી પૂરજોશમાં શરૂ છે એમ સુરત મનપાના ડે. કમિશનર (હેલ્થ એન્ડ હોસ્પિટલ) ડો.આશિષ નાયકે જણાવ્યું હતું.
સુરત જિલ્લાના ૫૬,૨૯૫ વડીલોને કાર્ડ ઈસ્યુ કરી લાભ આપવામાં આવ્યો છે. ઘણા બાકી રહેલા વડીલોના રેશન કાર્ડ, આધાર કાર્ડ, ઈ-કે.વાય.સી.ની થઈ રહેલી કામગીરી પૂર્ણ થયા બાદ આયુષ્માન કાર્ડ ઈસ્યુ થશે. આ કામગીરી માટે પણ આરોગ્ય વિભાગની ટીમો સંલગ્ન વિભાગોના સંકલનમાં રહીને ટુંક સમયમાં પૂર્ણ કરવામાં આવનાર છે એમ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના ડો.પરેશ સુરતીએ જણાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો :Unimech Aerospace IPO: યુનિમેક એરોસ્પેસ IPOનું બમ્પર લિસ્ટિંગ! રોકાણકારો સબ્સ્ક્રિપ્શન માટે તૂટી પડ્યા, જાણો GMP
સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનના ૬૨ અર્બન હેલ્થ સેન્ટર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં નિયત આરોગ્ય કેન્દ્રો પર નોંધણી કરી વયવંદના કાર્ડ કાઢી આપવાની કામગીરી શરૂ છે. સિનીયર સિટીઝન ઓનલાઈન સુવિધાનો ઉપયોગ કરી કાર્ડ કાઢવા માટે નીચે દર્શાવેલ સ્ટેપ મુજબ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.
• ગુગલ પ્લે સ્ટોર પરથી “આયુષ્માન” એપ ડાઉનલોડ કરો
• ત્યારબાદ આધાર મુજબ મોબાઈલ નંબર એન્ટર કરો અને વેરીફાઈ પર ક્લિક કરો
• ૭૦ થી વધુ વયના વડીલો માટે નોંધણી માટે એક બટન મળશે
• આધાર કાર્ડ નંબર દાખલ કરો અને વેરીફાઈ પર ક્લિક કરો
• એક કેમેરા બટન પર ક્લિક કરો
• વરિષ્ઠ નાગરિકનો ફોટો લેવા અને સબમિટ કરવા માટે કેમેરા બટન પર ક્લિક કરો
• આયુષ્માન કાર્ડ “નોંધાયેલ” સ્ટેટસ અને મેસેજ સાથે દેખાશે – આયુષ્માન કાર્ડ પછીથી ડાઉનલોડ કરો. તમામ સ્ટેપમાં મોબાઇલ પર ઓટીપી આવશે જે કાળજીપૂર્વક દાખલ કરવો.
• આ ઉપરાંત https://beneficiary.nha.gov.in પર જઇ આ યોજનામાં એનરોલમેન્ટ કરાવી શકાય છે
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.