ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 નવેમ્બર 2021
શનિવાર.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ત્રણેય કૃષિ કાયદા રદ કરવાની જાહેરાત કરી હતી. કૃષિ કાયદો રદ થવાની સાથે જ ભારત કૃષિ ક્ષેત્રે વિકાસમાં એક દાયકો પાછળ ધકેલાઈ જશે. એટલું જ નહીં પણ કાયદો રદ થવાથી ઈન્સ્યોરન્સ, અસંગઠિત ક્ષેત્ર તેમ જ દેશમાં ઝડપથી વિકાસ પામી રહેલા ફૂડ પ્રોસેસિંગ સેકટરને પણ તેને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થશે એવો કૃષિ નિષ્ણાતોએ દાવો કર્યો છે.
નિષ્ણાતોના દાવા મુજબ આ કાયદો પાછો ખેંચવાથી દેશના વિકાસને મરણતોલ ફટકો પડવાનો છે. આગામી સરકારો પણ હવે કૃષિ અને મજૂરી માટે મોટા સુધારાત્મક નિર્ણય લેતા ખચકાશે. આ કાયદાને પગલે જમીનથી વધુ ઉપજનું સાચું મૂલ્ય, કૃષિ ઉપજના વ્યવસાયિક ઉપયોગ, ખેડૂતોને તેમની ઉપજનું યોગ્ય મૂલ્ય મળી શકત. તો કૃષિ ઉપજને દલાલીથી મુક્તિ પણ મળવાની હતી. જોકે હવે કાયદો પાછા ખેંચાતા આ પગલાઓના અમલમાં પણ હવે વિલંબ આવી જવાનો છે. તેથી કૃષિ ક્ષેત્રને જ નહીં પણ અસંગઠિત ક્ષેત્રના મજૂરનો પણ સુધારાથી વંચિત રહેવું પડશે. કૃષિ કાયદાથી દેશના જીડીપીમાં પણ સુધારાની સંભાવના હતી.
કૃષિ કાયદો પાછો ખેંચવાના કારણે દેશમાં કરોડો રૂપિયાનુ ટર્ન ઓવર ધરાવતા ફૂડ પ્રોસેસિંગ સેકટરને અને ફૂડબેસ્ડ ઈન્ડસ્ટ્રીમાં સુધારો થવાની શકયતા હતી, તેને પણ અસર થવાની છે. જેમાં ખાસ કરીને પેકેજ ફૂડ અને બેવરેજ ઈન્ડ્રસ્ટ્રીને ભારે અસર થવાની છે.
આ કાયદાને પગલે ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી કંપનીઓનો તો ફાયદો હતો. સાથે જ ખેડૂતોને પણ ફાયદો થવાનો હતો. ખેડૂતોની આવક વધવાની સાથે જ એગ્રી વેસ્ટ એટલે કે ખેડૂતોના માલને પણ નુકસાન ઓછું થાત.