News Continuous Bureau | Mumbai
Indian Railway Subsidy :
● ટ્રેન દ્વારા પ્રતિ કિલોમીટર મુસાફરીનો ખર્ચ ₹1.38 છે, પરંતુ મુસાફરો પાસેથી ફક્ત 73 પૈસા વસૂલવામાં આવે છે.
● આ વર્ષે 1,400 લોકોમોટિવ્સનું ઉત્પાદન થયું, જે અમેરિકા અને યુરોપના સંયુક્ત ઉત્પાદન કરતાં વધુ છે.
● 31 માર્ચ સુધીમાં, ભારતીય રેલવે 1.6 અબજ ટન કાર્ગો કેરેજ સાથે વિશ્વના ટોચના 3 દેશોમાં સામેલ થશે.
● પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળમાં બધા આઈસીએફ કોચને એલએચબી મા બદલવામાં આવશે.
● ભવિષ્યમાં નવી દિલ્હી રેલ્વે સ્ટેશન જેવા અકસ્માતો અટકાવવા માટે 10 મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે.
● અમારી પ્રતિબદ્ધતા ગરીબમાં ગરીબ લોકો માટે છેઃ રેલ મંત્રી
કેન્દ્રીય રેલ, માહિતી અને પ્રસારણ, ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે રાજ્યસભામાં રેલ મંત્રાલયના કાર્યપ્રણાલી પર ચર્ચા દરમિયાન ભારતીય રેલવેની સિદ્ધિઓ અને ભવિષ્યની યોજનાઓ પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે ભારતીય રેલ મુસાફરોને સસ્તા ભાડા પર સલામત અને ગુણવત્તાયુક્ત સેવાઓ પૂરી પાડીને વૈશ્વિક સ્તરે અગ્રણી સ્થાન પ્રાપ્ત કરી રહી છે. આપણા દેશમાં રેલ ભાડું પડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાના રેલ ભાડા કરતા ઓછું છે, જ્યારે પશ્ચિમી દેશોમાં રેલ ભાડું ભારત કરતા 10-20 ગણું વધારે છે.
રેલ મુસાફરોને આપવામાં આવતી સબસિડી અંગે રેલ મંત્રીએ કહ્યું કે હાલમાં ટ્રેન દ્વારા પ્રતિ કિલોમીટર મુસાફરીનો ખર્ચ ₹1.38 છે, પરંતુ મુસાફરો પાસેથી માત્ર 73 પૈસા વસૂલવામાં આવે છે, એટલે કે 47% સબસિડી આપવામાં આવે છે. નાણાંકીય વર્ષ 2022-23માં મુસાફરોને ₹57,000 કરોડની સબસિડી આપવામાં આવી હતી, જે 2023-24માં વધીને લગભગ ₹60,000 કરોડ થઈ હતી (પ્રોવિઝનલ ફિગર). અમારો ઉદ્દેશ્ય ઓછામાં ઓછા ભાડામાં સલામત અને સારી સેવાઓ પૂરી પાડવાનો છે.
Indian Railway Subsidy : 2030 સુધીમાં ‘સ્કોપ 2 નેટ ઝીરો’ હાંસલ કરશે
રેલ વિદ્યુતીકરણના ફાયદાઓ પર પ્રકાશ પાડતા મંત્રીએ કહ્યું કે મુસાફરો અને કાર્ગોની સંખ્યામાં વધારો થવા છતાં ઊર્જા ખર્ચ સ્થિર રહે છે. ભારતીય રેલ 2025 સુધીમાં ‘સ્કોપ 1 નેટ ઝીરો’ અને 2030 સુધીમાં ‘સ્કોપ 2 નેટ ઝીરો’ હાંસલ કરશે. રેલ મંત્રીએ કહ્યું કે બિહારના માધૌરા ફેક્ટરીમાં ઉત્પાદિત લોકોમોટિવ્સની નિકાસ ટૂંક સમયમાં શરૂ થશે. ભારતીય રેલના પેસેન્જર કોચ મોઝામ્બિક, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં નિકાસ કરવામાં આવી રહ્યા છે, તેમજ લોકોમોટિવ મોઝામ્બિક, સેનેગલ, શ્રીલંકા, મ્યાનમાર અને બાંગ્લાદેશમાં નિકાસ કરવામાં આવી રહ્યા છે. બોગી અંડર-ફ્રેમ્સ યુનાઇટેડ કિંગડમ, સાઉદી અરેબિયા, ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયામાં નિકાસ કરવામાં આવે છે અને પ્રોપલ્શન ભાગો ફ્રાન્સ, મેક્સિકો, જર્મની, સ્પેન, રોમાનિયા અને ઇટાલીમાં નિકાસ કરવામાં આવે છે.
આ વર્ષે ભારતે 1,400 લોકોમોટિવનું ઉત્પાદન કર્યું, જે અમેરિકા અને યુરોપના સંયુક્ત ઉત્પાદન કરતા પણ વધુ છે. ઉપરાંત, કાફલામાં 2 લાખ નવા વેગન ઉમેરવામાં આવ્યા છે. રેલ મંત્રીએ કહ્યું કે 31 માર્ચે પૂરા થતા નાણાકીય વર્ષમાં, ભારતીય રેલ્વે 1.6 અબજ ટન કાર્ગો વહન કરીને વિશ્વના ટોચના 3 દેશોમાં સામેલ થશે, જેમાં ચીન, અમેરિકા અને ભારતનો સમાવેશ થશે. આ રેલવેની વધતી જતી સંભાવના અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે.
આ સમાચાર પણ વાંચો : Western Railway : મુસાફરોને થશે હેરાનગતિ.. યોગા એક્સપ્રેસ, ગાંધીનગર-જમ્મુતવી અને દૌલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ થી ચાલશે; જાણો કારણ
રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં જાહેરાત કરી કે રેલ સલામતી પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને 41,000 એલએચબી કોચ તૈયાર કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળમાં તમામ આઈસીએફ કોચને એલએચબી થી બદલવામાં આવશે. લાંબી રેલ, ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ, ફોગ સેફ્ટી ડિવાઇસ અને ‘કવચ’ સિસ્ટમ્સનો વધુને વધુ અમલ કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનતા વૈષ્ણવે કહ્યું કે પહેલા રેલવેને ₹25,000 કરોડનો ટેકો મળતો હતો, જે હવે વધીને ₹ 2.5 લાખ કરોડથી વધુ થઈ ગયો છે. આનાથી માળખાગત સુવિધાઓમાં સુધારો થયો છે. તે જ સમયે, 50 નમો ભારત ટ્રેનોનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, જેમાં ટૂંકા અંતરની મુસાફરી માટે એસી અને નોન-એસી વિકલ્પો છે.
Indian Railway Subsidy : જનરલ કોચની સંખ્યા અઢી ગણી વધારવામાં આવી
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલા તાજેતરના અકસ્માત અંગે, રેલ મંત્રીએ ગૃહને જણાવ્યું હતું કે આ દુ:ખદ અકસ્માતની તપાસ એક ઉચ્ચ સ્તરીય સમિતિ કરી રહી છે. સીસીટીવી ફૂટેજ સહિતનો તમામ ડેટા સુરક્ષિત રાખવામાં આવ્યો છે, લગભગ 300 લોકો સાથે વાત કરીને તથ્યોની ચકાસણી કરવામાં આવી રહી છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે 10 મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે.
રેલ મંત્રીએ કહ્યું કે અમારી પ્રતિબદ્ધતા ગરીબમાં ગરીબ વ્યક્તિ માટે છે. આ જ કારણ છે કે એસી કોચ કરતાં જનરલ કોચની સંખ્યા અઢી ગણી વધારવામાં આવી રહી છે. વર્તમાન ઉત્પાદન યોજના મુજબ, 17 હજાર નોન-એસી કોચ બનાવવાનો કાર્યક્રમ છે. આ સાથે તેમણે કહ્યું કે ભારતીય રેલની નાણાકીય સ્થિતિ સારી છે અને તેને સુધારવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોવિડ મહામારી સાથે સંકળાયેલા પડકારોને રેલ્વે એ સફળતાપૂર્વક પાર કર્યા છે. મુસાફરોની સંખ્યા વધી રહી છે અને માલવાહક ટ્રાફિકમાં વધારો જોવા મળી રહ્યો છે. હવે રેલવેની આવક લગભગ 2 લાખ 78 હજાર કરોડ રૂપિયા છે અને ખર્ચ 2 લાખ 75 હજાર કરોડ રૂપિયા છે. ભારતીય રેલવે પોતાની આવકમાંથી તમામ મુખ્ય ખર્ચ ઉઠાવી રહી છે, જે રેલ્વે ના સારા પ્રદર્શનને કારણે શક્ય બન્યું છે.
રાજ્યસભામાં પોતાના નિવેદનમાં, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ખાતરી આપી હતી કે ભવિષ્યમાં રેલ્વે વધુ આધુનિક, સલામત અને પર્યાવરણને અનુકૂળ પરિવહન પ્રણાલી તરીકે ઉભરી આવશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.