ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 નવેમ્બર, 2021
શનિવાર
કોરોના વાયરસને લઈને ચિંતા ફરી એકવાર વધી ગઈ છે. વિશ્વના ઘણા દેશોમાં ગંભીર નવો વેરિઅન્ટ મળી આવ્યો છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. કેન્દ્રએ ગુરુવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ અને બોત્સ્વાનાથી આવતા અથવા પસાર થતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની કડક તપાસ અને સ્ક્રીનિંગ કરવા જણાવ્યું હતું.
ગુરુવારે દક્ષિણ આફ્રિકામાં વૈજ્ઞાનિકો દ્વારા કોરોનાના નવા વેરિએન્ટ વિશે જાહેરાત કરવામાં આવી હતી. હવે તે અન્ય બે દેશો ઇઝરાયેલ અને બેલ્જિયમમાં પણ જોવા મળ્યું છે. અગાઉ બોત્સ્વાના અને હોંગકોંગમાં કેસ નોંધાયા છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા કોરોના વાયરસના નવા પ્રકાર B.1.1.529ને ઓમિક્રોન નામ આપ્યું છે. શુક્રવારે આની જાહેરાત કરતા, WHOએ તેને વેરીએન્ટ ઓફ કન્સર્નની શ્રેણીમાં રાખ્યું છે. સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સી મુજબ કોરોનાનો આ સ્ટ્રેન ઘણો ખતરનાક બની શકે છે.તે માત્ર ઝડપથી ફેલાઈ રહ્યું છે એટલું જ નહીં, પરંતુ રસી લગાવેલા લોકો પણ તેનો શિકાર થઈ રહ્યા છે. WHOનું કહેવું છે કે અત્યાર સુધીમાં વેરિયન્ટના લગભગ 100 જીનોમ સિક્વન્સની જાણ કરવામાં આવી છે.
બીજી તરફ, ભારત સરકાર પણ નવા વેરિયન્ટને લઈને સતર્ક થઈ ગઈ છે અને ગુરુવારે સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને પત્ર લખીને સતર્ક રહેવા જણાવ્યું છે. સરકારે રાજ્યોને કોવિડ વેરિયન્ટથી પ્રભાવિત દેશોમાંથી આવતા લોકોનું સ્ક્રીનિંગ કરવા આદેશ આપ્યા છે. ભારત આવતા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોની તપાસ કરવામાં આવશે.
કોરોનાની બીજી લહેર દરમિયાન કોરોનાના ડેલ્ટા વેરિયન્ટે ભારતમાં તબાહી મચાવી હતી અને બ્રિટન અને યુરોપના દેશોમાંથી અનેક મુસાફરો ભારત આવી ગયા હતા. જેના કારણે આ વખતે સરકાર વધુ સતર્કતા દાખવી રહી છે. આ ઉપરાંત, બ્રિટન અને ઇઝરાયેલ દેશોએ સાઉથ આફ્રિકા અને અન્ય આસપાસના દેશોની ફ્લાઈટ પર પ્રતિબંધ લગાવી દીધો છે.