News Continuous Bureau | Mumbai
શ્રીલંકા હાલ ખૂબ જ કપરી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. આર્થિક સંકટ ચરમસીમાએ છે. દેશમાં કટોકટી લાગૂ કરી દેવાઈ છે. ખાદ્ય અને જરૂરી ચીજ વસ્તુઓના ભાવ આકાશે આંબી રહ્યા છે. દેશમાં છેલ્લા એક અઠવાડિયાથી ડીઝલની ભારે અછત સર્જાઈ છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકા માટે ભારતે વધુ એકવાર પોતાનો પાડોશી ધર્મ નિભાવ્યો છે અને મદદનો હાથ આગળ વધાર્યો છે.
ભારતે આર્થિક સંકટ સામે લડી રહેલા શ્રીલંકાને ૪૦,૦૦૦ ટન ડીઝલ મોકલ્યું છે. સીલોન પેટ્રોલિયમ કોર્પોરેશનના અધ્યક્ષ સુમિત વિજેસિંધેએ કહ્યું કે ઈંધણનું વિતરણ આજે સાંજથી શરૂ થઈ જશે. તેમણે કહ્યું કે શ્રીલંકાના સેંકડો ઈંધણ સ્ટેશનો માટે આ એક સારા સમાચાર છે. જ્યાં છેલ્લા કેટલાક સમયથી તેની ભારે અછત હતી.
આ સમાચાર પણ વાંચો : સામાન્ય નાગરિકોનું ઘરનું સપનું થશે સાકારઃ મ્હાડા બાંધશે વર્ષમાં આટલા ધર.. જાણો વિગતે
રિપોર્ટ મુજબ ૪૦ હજાર ટન ચોખાની ખેપ પણ ભારતથી શ્રીલંકા મોકલવાની તૈયારી થઈ રહી છે. બંને દેશોએ ગત મહિને એક અબજ ડોલરની લોન સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. રોયટર્સના ખબર મુજબ ભારતથી ક્રેડિટ લાઈન મળ્યા બાદ શ્રીલંકાને મોકલાઈ રહેલી આ પહેલી ખાદ્ય મદદ હશે. શ્રીલંકાને આ મદદ એવા સમયે મળી છે જ્યારે ત્યાં એક મોટો તહેવાર આવવાનો છે. આ સાથે જ સ્થિતિને બગડતી રોકવા માટે કટોકટી પણ લાગુ કરાઈ છે.
શ્રીલંકામાં વિદેશી મુદ્રા ભંડાર છેલ્લા ૨ વર્ષમાં ૭૦ ટકાથી વધુ ઘટ્યો છે. આ કારણે તેણે પોતાની જરૂરિયાતની વસ્તુઓને આયાત કરવામાં મુશ્કેલી આવી રહી છે. શ્રીલંકાની કરન્સી ડોલરની સરખામણીમાં ખૂબ નબળી પડી છે અને તેણે દુનિયાના અનેક દેશો પાસે મદદ માંગી છે. આ ઉપરાંત ત્યાં મોંઘવારીની સ્થિતિ તો એવી છે કે પેટ્રોલ-ડીઝલથી લઈને ખાણી પીણીની વસ્તુઓના ભાવ ચરમસીમાએ પહોંચી ગયા છે.
ભારતે શ્રીલંકાને એક અબજ ડોલરની ક્રેડિટ લાઈન એટલે કે લોન મદદ આપવા પર સહમતિ વ્યક્ત કરી છે. તેનાથી શ્રીલંકાને જરૂરી વસ્તુઓની કમીને પૂરી કરવામાં મદદ મળશે. ભારત દુનિયાનો સૌથી મોટો ચોખા નિકાસ કરતો દેશ છે. આવામાં ભારતથી ચોખાની ખેપ શ્રીલંકા પહોંચ્યા બાદ ત્યાં ચોખાના ભાવમાં ઘટાડો થવાની આશા છે. જે છેલ્લા એક વર્ષથી બમણા થઈ ગયા છે.