News Continuous Bureau | Mumbai
ઊના – આપણો દેશ સંસ્કૃતિને વરેલો છે. લોકોમાં સંસ્કૃતિ પ્રત્યે સભાનતા છે. એટલી જ રાષ્ટ્ર પ્રત્યેની જાગૃતિ છે. સમાજ જેટલું સંતને મહત્વ આપે છે એટલો જ એક સૈનિક પ્રત્યે આદર રાખે છે. સંત તથા સૈનિકમાં અનેક સમાનતા જોવા મળે છે. બંને લોકોનું રક્ષણ કરે છે. સૈનિક દેશની સરહદ પર રક્ષક બની દુશ્મનથી બચાવે છે તો સંત લોભ જેવા દુર્ગુણોથી રક્ષા કરે છે. કોરોના જેવી મહામારીમાં ભારતીય જવાનો એ પોતાના જીવન જોખમમાં મૂકી લોકો સુધી જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડી સેવા માટે કટિબદ્ધ રહ્યાં હતા. તો આ દેશના સંતો કોરોના જેવી મહામારી હોય કે કોઈપણ પ્રકારની આફત હોય દેશભરની નાની મોટી હર એક સંસ્થા – આશ્રમ માંથી તુરંત જ સેવાની સરવાણી વહેતી મૂકી દે છે. સૈનિક જેમ બાહ્ય રીતે રક્ષણ આપે છે એમ સંત અંતઃ શત્રુથી બચાવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો જે લોકો કોઈ પણ જગ્યાએ આસ્થાથી જોડાયેલા હતા. તેમને કોરોના કાળમાં માનસિક રીતે તકલીફ નથી પડી તેનું શ્રેષ્ઠ કારણ હોય તો એ છે બધું ભગવાન પર છોડી પોતે મનથી હળવા ફુલ બની જતાં હતા. આજના આ પવિત્ર દિવસે સંત અને સૈનિકને લાખો વંદન. આજનો દિવસ એટલે વસંત પંચમી આ દિવસે વણજોયું મૂહુર્ત હોય છે. કોઈ પણ શુભ કાર્ય આ દિવસે થઈ શકે છે. તો આ જ દિવસે મા સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ પણ છે. શાળામાં બાળકો દેવી સરસ્વતીનું વિશેષ પુજન અર્ચન કરે છે. તો વિદ્વાનો માને હોમ હવન કરી રાજી કરે છે. આજે શિક્ષાપત્રી જયંતી પણ છે. આ ગ્રંથ વિશે સરદાર વલ્લભભાઈ પટેલ કહેતા કે ભગવાન સ્વામિનારાયણ દ્વારા લિખિત શિક્ષાપત્રી જો ભારતનો દરેક નાગરિક જીવનમાં અપનાવે તો દેશમાં પોલીસ અને ન્યાયાલયની જરૂરીયાત જ ના રહે. સંવત ૧૮૮૨ વસંત પંચમીના પવિત્ર દિવસે વડતાલ ખાતે લખાયેલ આ અણમોલ ગ્રંથ હાલમાં ઈંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીની લાયબ્રેરીમાં સચવાયેલો છે. ત્યાં હોવાનું કારણ એ છે કે જ્યારે અંગ્રેજ રાજ્ય હતું. ત્યારે ૨૨-૨-૧૮૨૦ ના રોજ ભગવાન શ્રી સ્વામિનારાયણે આ હસ્ત લિખિત ગ્રંથ તે સમયના રાજકોટ, મુંબઈના ગવર્નર સર માલ્કમને આપ્યો હતો. જે ગ્રંથ આજે પણ ત્યાં સાચવી રખાયો છે…..(હરીદર્શન સ્વામી એસજીવીપી ગુરૂરકુલ.)
આ સમાચાર પણ વાંચો: આજે તારીખ – ૨૬:૦૧:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ