Union Budget 2025: નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ 2025-26 રજૂ કર્યું. અહીં વાંચો તેમના અંદાજપત્ર ભાષણનો સારાંશ

Union Budget 2025: મધ્યમ વર્ગના પરિવારોની બચત તેમજ વપરાશને વેગ આપવા માટે, સરેરાશ માસિક આવક 1 લાખ રૂપિયા સુધીની પર કોઈ આવકવેરો આપવો નહીં પડે

by khushali ladva
Union Budget 2025 Finance Minister Nirmala Sitharaman presented the Budget 2025-26 in Parliament.

News Continuous Bureau | Mumbai

  • કેન્દ્રીય અંદાજપત્ર 2025-26નો સારાંશ
  • નવી કર વ્યવસ્થામાં પગારદાર વર્ગે વાર્ષિક ₹12.75 લાખ સુધી શૂન્ય આવક વેરો ચુકવવાનો રહેશે
  • કેન્દ્રીય અંદાજપત્રએ વિકાસના 4 એન્જિનો તરીકે કૃષિ, MSME, રોકાણ અને નિકાસને ઓળખ્યાં છે
  • 1.7 કરોડ ખેડૂતોને લાભ થશે, ‘પ્રધાનમંત્રી ધન-ધન્ય કૃષિ યોજના’ અંતર્ગત 100 ઓછી કૃષિ ઉત્પાદકતા ધરાવતા જિલ્લાઓને આવરી લેવામાં આવશે
  • તુવેર, અડદ અને મસૂર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને “કઠોળમાં આત્મનિર્ભરતા માટેનું મિશન” શરૂ કરવામાં આવશે
  • સુધારેલી વ્યાજ સહાય યોજના હેઠળ KCC દ્વારા રૂપિયા 5 લાખ સુધીની લોન
  • નાણાકીય વર્ષ 2025માં રાજકોષીય ખાધ 4.8% રહેવાનો અંદાજ, નાણાકીય વર્ષ 2026માં તેને ઘટાડીને 4.4% કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું
  • MSMEsને ₹ 5 કરોડથી ₹ 10 કરોડ સુધી ગેરંટી કવર સાથે ક્રેડિટમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો
  • “મેક ઇન ઇન્ડિયા”ને આગળ ધપાવવા માટે નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને આવરી લેતું રાષ્ટ્રીય વિનિર્માણ મિશન
  • આવનારા 5 વર્ષમાં સરકારી શાળાઓમાં 50,000 અટલ ટિંકરિંગ પ્રયોગશાળાઓ શરૂ કરવામાં આવશે
  • હસ્તપ્રતોના સર્વેક્ષણ અને સંરક્ષણ માટે જ્ઞાન ભારતમ મિશનમાં એક કરોડથી વધુ હસ્તપ્રતોને આવરી લેવામાં આવશે
  • વીમા માટે FDIની મર્યાદા 74 ટકાથી વધારીને 100 ટકા કરવામાં આવી
  • વિવિધ કાયદાઓમાં 100 કરતાં વધુ જોગવાઈઓનું નિરાપરાધીકરણ કરવા માટે જન વિશ્વાસ બિલ 2.0 રજૂ કરવામાં આવશે
  • અપડેટ કરેલું આવક વેરા રિટર્ન ભરવાની મુદત બે વર્ષથી વધારીને ચાર વર્ષ કરવામાં આવી
  • TCSની ચુકવણીમાં વિલંબનું નિરાપરાધીકરણ કરવામાં આવ્યું
  • ભાડા પરના TDSની મર્યાદા રૂપિયા 2.4 લાખથી વધીને રૂપિયા 6 લાખ કરવામાં આવી
  • કેન્સર, દુર્લભ અને લાંબાગાળાના રોગોની સારવાર માટે 36 જીવનરક્ષક દવાઓ અને દવાઓ પર BCD મુક્તિ
  • IFPD પર BCD 20% સુધી વધારી અને ઓપન સેલ પર 5% સુધી ઘટાડી
  • ઘરેલું વિનિર્માણને પ્રોત્સાહન આપવા માટે ઓપન સેલના ભાગો પર BCDમાંથી મુક્તિ આપવામાં આવી
  • બૅટરીનું ઉત્પાદન વધારવા માટે, ઇલેક્ટ્રિક વાહન અને મોબાઇલ બૅટરી વિનિર્માણ માટે વધારાના મૂડી માલ પર મુક્તિ આપવામાં આવી
  • જહાજ નિર્માણ માટે ઉપયોગમાં લેવાતા કાચા માલ અને ઘટકો પર 10 વર્ષ માટે BCD મુક્તિ
  • ફ્રોઝન ફિશ પેસ્ટ પર લાગતો BCD 30% થી ઘટાડીને 5% અને ફિશ હાઇડ્રોલાઇસેટ પર 15% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો
Union Budget 2025: કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય અંદાજપત્ર 2025-26 રજૂ કર્યું. અહીં તેમના અંદાજપત્ર ભાષણનો સારાંશ આપ્યો છે;

ભાગ – A

નાણાં મંત્રીએ તેલુગુ કવિ અને નાટ્યકાર શ્રી ગુરાજદા અપ્પા રાવના પ્રખ્યાત વાક્ય – ‘દેશનો અર્થ માત્ર તેની માટી નથી પરંતુ દેશ તેના લોકોથી છે’ ટાંકીને – “સબકા વિકાસ” થીમ સાથે કેન્દ્રીય અંદાજપત્ર 2025-26 રજૂ કર્યું હતું જે તમામ પ્રદેશોના સંતુલિત વિકાસને ઉત્તેજીત કરે છે.

આ થીમને અનુરૂપ, નાણામંત્રીએ વિકાસ ભારતના વ્યાપક સિદ્ધાંતોની રૂપરેખા આપી હતી જેમાં નીચે ઉલ્લેખિતનો સમાવેશ થાય છે:

a) શૂન્ય ગરીબી;

b) સો ટકા સારી ગુણવત્તા સાથે શાળાકીય શિક્ષણ;

c) ઉચ્ચ-ગુણવત્તાવાળી, સસ્તી અને વ્યાપક આરોગ્ય સંભાળની સુલભતા;

d) અર્થપૂર્ણ રોજગાર સાથે સો ટકા કૌશલ્યવાન શ્રમદળ;

e) આર્થિક પ્રવૃત્તિઓમાં મહિલાઓની ભાગીદારી સિત્તેર ટકા; અને

f) ખેડૂતો આપણા દેશને ‘વિશ્વનું ખાદ્યાન્ન બાસ્કેટ’ બનાવી રહ્યા છે.

કેન્દ્રીય અંદાજપત્ર 2025-2026માં સરકાર દ્વારા વિકાસને વેગ આપવા, સમાવેશી વિકાસને સુરક્ષિત કરવા, ખાનગી ક્ષેત્રના રોકાણોને પ્રોત્સાહન આપવા, પારિવારિક ભાવનાઓને ઉત્તેજીત કરવા અને ભારતના ઉભરી રહેલા મધ્યમ વર્ગની ખર્ચ શક્તિ વધારવાના પ્રયાસોને ચાલુ રાખવાનું વચન આપવામાં આવ્યું છે. અંદાજપત્રમાં ગરીબ, યુવાનો, ખેડૂત (અન્નદાતા) અને મહિલાઓ (નારી) પર ધ્યાન કેન્દ્રિત કરીને વિકાસ સંબંધિત પગલાં લેવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

અંદાજપત્રનો ઉદ્દેશ્ય કરવેરા, વીજળી ક્ષેત્ર, શહેરી વિકાસ, ખાણકામ, નાણાકીય ક્ષેત્ર અને નિયમનકારી સુધારાઓમાં પરિવર્તનકારી સુધારાની શરૂઆત કરવાનો છે જેથી ભારતની વિકાસની ક્ષમતા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં વધારો થઈ શકે.

કૃષિ, MSME, રોકાણ અને નિકાસ એ વિકસિત ભારતની આગેકૂચમાં એન્જિનની ભૂમિકા ભજવી રહ્યાં છે એવું કેન્દ્રીય અંદાજપત્રમાં ભારપૂર્વક ટાંકવામાં આવ્યું છે, જેમાં સુધારાઓનો ઉપયોગ સમાવેશીતાની ભાવનાથી પ્રેરિત ઇંધણ તરીકે થાય છે.

આ સમાચાર પણ વાંચો:  SMR: 2033 સુધી 5 સ્વદેશી રીતે વિકસિત SMRs કાર્યરત થશે, સરકારે 2025-26 બજેટમાં અધધ આટલા કરોડ રૂપિયા મંજૂર કર્યા

Union Budget 2025: પ્રથમ એન્જિન: કૃષિ

અંદાજપત્રમાં 100 જિલ્લાઓને આવરી લેતા રાજ્યો સાથે ભાગીદારીમાં ‘પ્રધાનમંત્રી ધન-ધન્ય કૃષિ યોજના’ જાહેર કરવામાં આવી છે જેથી ઉત્પાદકતામાં વધારો થઈ શકે, પાક વૈવિધ્યકરણ અપનાવવામાં આવે, લણણી પછીનો સંગ્રહ વધે, સિંચાઈની સુવિધાઓમાં સુધારો થાય અને લાંબા ગાળાના તેમજ ટૂંકા ગાળાના ધીરાણની ઉપલબ્ધતાને સરળ બનાવી શકાય.

કૌશલ્ય, રોકાણ, તકનીકો દ્વારા કૃષિ ક્ષેત્રમાં અલ્પ રોજગારીની સ્થિતિને દૂર કરવા માટે તેમજ ગ્રામીણ અર્થતંત્રને વધુ વેગ આપવા માટે રાજ્યો સાથે ભાગીદારી કરીને એક વ્યાપક બહુ-ક્ષેત્રીય ‘ગ્રામીણ સમૃદ્ધિ અને સ્થિતિસ્થાપકતા’ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. આ કાર્યક્રમ શરૂ કરવાનું મુખ્ય લક્ષ્ય ગ્રામીણ વિસ્તારોમાં પુષ્કળ તકો ઊભી કરવાનું છે, જેમાં ગ્રામીણ મહિલાઓ, યુવા ખેડૂતો, ગ્રામીણ યુવાનો, સીમાંત અને નાના ખેડૂતો તેમજ પોતાની માલિકીની જમીન ન ધરાવતા હોય તેવા પરિવારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

કેન્દ્રીય નાણાં મંત્રીએ એવી જાહેરાત કરી હતી કે સરકાર દ્વારા તુવેર, અડદ અને મસૂર પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને 6 વર્ષ માટે “કઠોળમાં આત્મનિર્ભરતા માટે મિશન” શરૂ કરવામાં આવશે. કેન્દ્રીય એજન્સીઓ (NAFED અને NCCF) ખેડૂતો પાસેથી આગામી 4 વર્ષ દરમિયાન આ 3 કઠોળ જેટલી પણ માત્રામાં પૂરું પાડવામાં આવે તે ખરીદવા માટે તેઓ તૈયાર રહેશે.

અંદાજપત્રમાં શાકભાજી અને ફળો માટે વ્યાપક કાર્યક્રમ, ઉચ્ચ ઉપજ આપતા બીજ માટે રાષ્ટ્રીય મિશન અને કપાસની ઉત્પાદકતા માટે પંચવર્ષીય મિશન જેવા પગલાંને રેખાંકિત કરવામાં આવ્યા છે જેથી કૃષિ અને તેનાથી સંલગ્ન પ્રવૃત્તિઓને મુખ્ય રીતે પ્રોત્સાહન મળી શકે.

શ્રીમતી સીતારમણે સુધારેલી વ્યાજ સહાય યોજના અંતર્ગત કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લેવામાં આવતી લોન માટે લોનની મર્યાદા 3 લાખ રૂપિયા હતી તે વધારીને 5 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001A4T2.jpg

આ સમાચાર પણ વાંચો:  Union Budget 2025 Gujarat: બજેટ 2025-26માં ગુજરાત માટે ખાસ જાહેરાત, ટ્રેઝરી સેન્ટર્સને વિશેષ લાભો આપવાનો મૂકવામાં આવ્યો પ્રસ્તાવ

Union Budget 2025: બીજું એન્જિન: MSMEs

નાણાં મંત્રીએ MSME ક્ષેત્રને વિકાસ માટે બીજું પાવર એન્જિન ગણાવ્યું કારણ કે તેઓ આપણી નિકાસમાં 45% હિસ્સો ધરાવે છે. MSMEને વ્યાપકતાની ઉચ્ચ કાર્યક્ષમતા, તકનીકી અપગ્રેડેશન અને મૂડીની વધુ સારી સુલભતા પ્રાપ્ત કરવામાં મદદ કરવાના ઉદ્દેશ સાતે, તમામ MSMEsના વર્ગીકરણ માટે રોકાણ અને ટર્નઓવરની મર્યાદામાં અનુક્રમે 2.5 અને 2 ગણો વધારો કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, ગેરંટી કવર સાથે ધીરાણની ઉપલબ્ધતા વધારવા માટેના પગલાંની પણ જાહેરાત કરવામાં આવી છે.

નાણાં મંત્રીએ 5 લાખ મહિલાઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પ્રથમ વખત ઉદ્યોગસાહસિક બનનારા લોકો માટે એક નવી યોજના શરૂ કરવાની જાહેરાત પણ કરી છે. આ યોજના અંતર્ગત આગામી 5 વર્ષ દરમિયાન 2 કરોડ રૂપિયા સુધીની મુદતી લોન પૂરી પાડવામાં આવશે.

શ્રીમતી સીતારમણે એવી જાહેરાત કરી હતી કે, સરકાર ‘મેડ ઇન ઇન્ડિયા’ બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરી રહેલા રમકડાં માટે ભારતને વૈશ્વિક કેન્દ્ર બનાવવાનો ઉદ્દેશ સિદ્ધ કરવા માટે પણ એક યોજના અમલમાં મૂકશે. તેમણે ઉમેર્યું હતું કે, સરકાર “મેક ઇન ઇન્ડિયા”ને આગળ ધપાવવા માટે નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને આવરી લેતા રાષ્ટ્રીય વિનિર્માણ મિશનની સ્થાપના કરશે.

Union Budget 2025: ત્રીજું એન્જિન: રોકાણ

કેન્દ્રીય મંત્રીએ દેશના વિકાસની આગેકૂચમાં રોકાણને ત્રીજા એન્જિન તરીકે પરિભાષિત કરીને લોકો, અર્થતંત્ર અને આવિષ્કારમાં રોકાણને પ્રાથમિકતા આપી છે.

લોકોમાં રોકાણ હેઠળ, તેમણે જાહેરાત કરી કે આગામી 5 વર્ષમાં સરકારી શાળાઓમાં 50,000 અટલ ટિંકરિંગ પ્રયોગશાળાઓની સ્થાપના કરવામાં આવશે.

શ્રીમતી નિર્મલા સીતારમણે એવી જાહેરાત કરી હતી કે, ભારતનેટ પરિયોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં તમામ સરકારી માધ્યમિક શાળાઓ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રદાન કરવામાં આવશે.

તેમણે આગળ જણાવ્યું હતું કે, શાળા અને ઉચ્ચ શિક્ષણ માટે ભારતીય ભાષાના પુસ્તકો ડિજિટલ સ્વરૂપે પૂરા પાડવા માટે ભારતીય ભાષાપુસ્તક યોજના અમલમાં મૂકવામાં આવશે.

આપણા યુવાનોને “મેક ફોર ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ” વિનિર્માણ માટે જરૂરી હોય તેવા કૌશલ્યોથી સજ્જ કરવા માટે વૈશ્વિક કૌશલ્ય અને ભાગીદારી સાથે કૌશલ્ય વિકાસ માટે પાંચ રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે.

કુલ 500 કરોડ રૂપિયાના ખર્ચે શિક્ષણ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉત્કૃષ્ટતા કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે.

અંદાજપત્રમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે, સરકાર દ્વારા પીએમ જન આરોગ્ય યોજના હેઠળ ગિગ કામદારોના ઓળખ કાર્ડ, ઇ-શ્રમ પોર્ટલ પર તેમની નોંધણી તેમજ આરોગ્ય સંભાળની વ્યવસ્થા કરવામાં આવશે.

શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે, અર્થતંત્રમાં રોકાણ હેઠળ, માળખાગત સુવિધાઓ સંબંધિત મંત્રાલયો દ્વારા પીપીપી મોડમાં 3 વર્ષની પરિયોજના પાઇપલાઇન રજૂ કરવામાં આવશે.

તેમણે આગળ ઉમેર્યું હતું કે, રાજ્યોને મૂડી ખર્ચ અને સુધારા માટે પ્રોત્સાહન આપવા માટે 50 વર્ષની મુદત માટે વ્યાજ મુક્ત લોન આપવા માટે 1.5 લાખ કરોડ રૂપિયાના ખર્ચનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

તેમણે નવી પરિયોજનાઓમાં રૂપિયા 10 લાખ કરોડની મૂડી પાછી મેળવવા માટે બીજી અસ્કયામત મુદ્રીકરણ યોજના 2025-૩0ની જાહેરાત પણ કરી હતી.

“જન ભાગીદરી” દ્વારા ગ્રામીણ પાઇપલાઇન પાણી પુરવઠા યોજનાની માળખાગત સુવિધાઓની ગુણવત્તા અને સંચાલન તેમજ જાળવણી પર ધ્યાન કેન્દ્રિત કરીને જળ જીવન મિશનની મુદત 2028 સુધી લંબાવવામાં આવી છે.

‘વિકાસ કેન્દ્રો તરીકે શહેરો’, ‘શહેરોના સર્જનાત્મક પુનર્વિકાસ’ અને ‘પાણી અને સ્વચ્છતા’ માટેના પ્રસ્તાવોને અમલમાં મૂકવા માટે સરકાર દ્વારા રૂપિયા 1 લાખ કરોડનું અર્બન ચેલેન્જ ફંડ સ્થાપિત કરવામાં આવશે.

આવિષ્કાર માટે રોકાણ અંતર્ગત, ખાનગી ક્ષેત્ર દ્વારા સંચાલિત સંશોધન, વિકાસ અને આવિષ્કાર પહેલને અમલમાં મૂકવા માટે રૂપિયા 20,000 કરોડના ભંડોળની ફાળવણી કરવાની જાહેરાત કરવામાં આવી છે.

નાણાં મંત્રીએ શહેરી આયોજનને લાભ મળી શકે એવી પાયાની ભૂ-અવકાશી માળખાકીય સુવિધાઓ અને ડેટાનો વિકાસ કરવા માટે નેશનલ જીયો સ્પેશ્યીલ મિશન શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

અંદાજપત્રમાં શૈક્ષણિક સંસ્થાઓ, સંગ્રહાલયો, પુસ્તકાલયો અને ખાનગી સંગ્રહકો સાથે મળીને 1 કરોડથી વધુ હસ્તપ્રતોના સર્વેક્ષણ, દસ્તાવેજીકરણ અને સંરક્ષણ માટે જ્ઞાન ભારતમ મિશનનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જ્ઞાનના આદાનપ્રદાન માટે ભારતીય જ્ઞાન પ્રણાલીઓનો રાષ્ટ્રીય ડિજિટલ ભંડાર તૈયાર કરવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો:  Droupadi Murmu: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં 2025 વિશ્વ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કર્યું

Union Budget 2025: ચોથું એન્જિન: નિકાસ

શ્રીમતી સીતારમણે નિકાસને વિકાસનું ચોથું એન્જિન ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, વાણિજ્ય, MSME અને નાણાં મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે સંચાલિત નિકાસ પ્રોત્સાહન મિશનથી MSMEને નિકાસ બજારમાં પ્રવેશવામાં મદદ મળશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વેપાર દસ્તાવેજીકરણ અને નાણાકીય ઉકેલો માટે એકીકૃત પ્લેટફોર્મ તરીકે આંતરરાષ્ટ્રીય વેપાર માટે ડિજિટલ જાહેર માળખા, ‘ભારત ટ્રેડનેટ’ (BTN)નો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

નાણાં મંત્રીએ એવો ઉલ્લેખ કર્યો હતો કે, વૈશ્વિક પુરવઠા શૃંખલાઓ સાથે આપણા અર્થતંત્રનું સંકલન સ્થાપિત કરવા માટે સ્થાનિક ઉત્પાદન ક્ષમતાનો વિકાસ કરવાના ઉદ્દેશથી સમર્થન પૂરું પાડવામાં આવશે. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે, સરકાર ઇન્ડસ્ટ્રી 4.0 સંબંધિત તકોનો લાભ લેવા માટે સ્થાનિક ઇલેક્ટ્રોનિક સાધનો ઉદ્યોગને સમર્થન આપશે. ઉભરતા ટિઅર 2 શહેરોમાં વૈશ્વિક ક્ષમતા કેન્દ્રોને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય માળખું તૈયાર કરવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે.

સરકાર ઉચ્ચ મૂલ્યના નાશવંત બાગાયતી ઉત્પાદનો સહિત હવાઇ કાર્ગો માટે માળખાગત સુવિધાઓ અને ગોદામોના અપગ્રેડેશનની કામગીરીની સુવિધા પૂરી પાડશે.

Union Budget 2025: ઇંધણ તરીકે કામ કરતા સુધારા

સુધારાઓને એન્જિનના ઇંધણ તરીકે પરિભાષિત કરતા શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે, છેલ્લાં 10 વર્ષમાં, સરકારે કરદાતાઓની સુવિધા માટે ઘણા સુધારાઓ અમલમાં મૂક્યા છે, જેમ કે ફેસલેસ આકારણી, કરદાતા અધિકારપત્ર, ઝડપી રિટર્ન, લગભગ 99 ટકા રિટર્નની સ્વ-આકારણી અને વિવાદ સે વિશ્વાસ યોજના. આ તમામ પ્રયાસો ચાલુ રાખીને, તેમણે કર વિભાગની “પહેલા વિશ્વાસ કરો, પછી તપાસ કરો”ની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો: Mumbai Central Railway Block :મધ્ય રેલ્વેના મુસાફરો માટે મોટા સમાચાર! રેલવે પર બે દિવસનો પાવર બ્લોક; ચેક કરો શેડ્યૂલ

Union Budget 2025: નાણાકીય ક્ષેત્રમાં સુધારા અને વિકાસ

‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ પ્રત્યે સરકારની દૃઢ પ્રતિબદ્ધતા દર્શાવતા, કેન્દ્રીય નાણાં મંત્રીએ ભારતમાં નાણાકીય પરિદૃશ્યની વ્યાપકતામાં ફેરફારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેથી અનુપાલન સરળ બનાવી શકાય, સેવાઓનું વિસ્તરણ થઈ શકે, મજબૂત નિયમનકારી માહોલનું નિર્માણ થાય, આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક રોકાણને પ્રોત્સાહન મળે તેમજ જૂની કાનૂની જોગવાઈઓનું નિરાપરાધીકરણ કરી શકાય.

કેન્દ્રીય નાણાં મંત્રીએ વીમા માટે પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI)ની મર્યાદા 74 ટકાથી વધારીને 100 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેથી તે એવી કંપનીઓ માટે ઉપલબ્ધ બને જે ભારતમાં સંપૂર્ણ પ્રીમિયમ રોકાણ કરે છે.

શ્રીમતી સીતારમણે ઉત્પાદકતા અને રોજગારીને આગળ ધરાવવા માટે સિદ્ધાંતો અને વિશ્વાસ પર આધારિત હળવાશભર્યા નિયમનકારી માળખાની રચના કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે 21મી સદી માટે અનુકૂળ હોય તેવા આ આધુનિક, લવચિક, લોકો માટે મૈત્રીપૂર્ણ અને વિશ્વાસ આધારિત નિયમનકારી માળખાનો વિકાસ કરવા માટે ચાર ચોક્કસ પગલાંનો પ્રસ્તાવ મૂક્યો છે, જે આ મુજબ છે:

i. નિયમનકારી સુધારા માટે ઉચ્ચ સ્તરીય સમિતિ

• બધા બિન-નાણાકીય ક્ષેત્રના નિયમનો, પ્રમાણપત્રો, લાઇસન્સ અને પરવાનગીઓની સમીક્ષા કરવી.

• વિશ્વાસ આધારિત આર્થિક શાસનનું મજબૂતીકરણ કરવું અને ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’માં વધારો કરવા માટે પરિવર્તનકારી પગલાં લેવા, જેમાં ખાસ કરીને નિરીક્ષણ અને અનુપાલનની બાબતોમાં આ પગલાં લેવા.

• એક વર્ષની અંદર ભલામણો કરવી

• રાજ્યોને તેમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે

 

ii. રાજ્યોનો રોકાણ મિત્રતા સૂચકાંક

• સ્પર્ધાત્મક સહકારી સંઘવાદની ભાવનાને આગળ વધારવા માટે 2025માં રાજ્યોનો રોકાણ મિત્રતા સૂચકાંક શરૂ કરવામાં આવશે.

 

iii. નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદ (FSDC) હેઠળનું વ્યવસ્થાતંત્ર

• વર્તમાન નાણાકીય નિયમનો અને પેટાકંપની સૂચનાઓની અસરનું મૂલ્યાંકન કરવાનું વ્યવસ્થાતંત્ર.

• નાણાકીય ક્ષેત્રની તેમની પ્રતિભાવશીલતા અને વિકાસમાં વધારો કરવા માટે એક માળખું તૈયાર કરવું.

 

iv. જન વિશ્વાસ વિધેયક 2.0

• વિવિધ કાયદાઓમાં 100થી વધુ જોગવાઈઓનું નિરાપરાધીકરણ કરવું.

આ સમાચાર પણ વાંચો:  Atal Tinkering Labs: આગામી 5 વર્ષમાં સરકારી શાળાઓમાં 50,000 અટલ ટિંકરિંગ લેબ્સની સ્થાપના, ભારતીય ભાષાઓમાં ડિજિટલ પુસ્તકો ઉપલબ્ધ થશે

Union Budget 2025: રાજકોષીય દૃઢીકરણ

કેન્દ્રીય નાણાં મંત્રીએ રાજકોષીય દૃઢીકરણ માટેનો માર્ગ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીને જણાવ્યું હતું કે, સરકાર દર વર્ષે રાજકોષીય ખાધને એવી રીતે જાળવી રાખવાનો પ્રયાસ કરે છે કે જેથી કરીને કેન્દ્ર સરકારનું દેવું GDPની ટકાવારી તરીકે ઘટતા માર્ગે રહે અને આગામી 6 વર્ષ માટેની વિગતવાર ભાવિ રૂપરેખા FRBM નિવેદનમાં આપવામાં આવી છે. શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે, 2024-25માં રાજકોષીય ખાધનું સુધારેલું અનુમાન GDPના 4.8 ટકા છે, જ્યારે 2025-26 માટે અંદાજપત્રીય અનુમાન GDPના 4.4 ટકા હોવાનો અંદાજ આંકવામાં આવ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/Screenshot2025-02-011240324BSV.png

Union Budget 2025: સુધારેલા અંદાજો 2024-25

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ઋણ સિવાયની કુલ આવકનો સુધારેલો અંદાજ રૂપિયા 31.47 લાખ કરોડ છે, જેમાંથી કરમાંથી થતી ચોખ્ખી આવક રૂપિયા 25.57 લાખ કરોડ છે. તેમણે ઉમેર્યું હતું કે, કુલ ખર્ચનો સુધારેલો અંદાજ રૂપિયા 47.16 લાખ કરોડ છે, જેમાંથી લગભગ રૂપિયા 10.18 લાખ કરોડનો મૂડી ખર્ચ કરવામાં આવશે.

Union Budget 2025: અંદાજપત્રીય અંદાજો 2025-26

કેન્દ્રીય નાણામંત્રીએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2025-26 માટે, ઋણ અને કુલ ખર્ચ સિવાયની કુલ આવક અનુક્રમે રૂપિયા ૩4.96 લાખ કરોડ અને રૂપિયા 50.65 લાખ કરોડ રહેવાનું અનુમાન છે. ચોખ્ખી કર આવક અંદાજે રૂપિયા 28.૩7 લાખ કરોડ રહેશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/Screenshot2025-02-01124049PPTD.png

આ સમાચાર પણ વાંચો:  વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ બજેટ પર કર્યો કટાક્ષ- કહ્યું – ગોળીના ઘા પર… !

ભાગ – B

રાષ્ટ્ર નિર્માણમાં મધ્યમ વર્ગ પર વિશ્વાસ દાખવીને કેન્દ્રીય અંદાજપત્ર 2025-26માં આવકવેરા સંબંધિત નવી વ્યવસ્થા હેઠળ નવા પ્રત્યક્ષ કર સ્લેબ અને દરોનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે જેના કારણે મૂડી લાભ જેવી ખાસ દરની આવક સિવાય, દર વર્ષે રૂપિયા 12 લાખ સુધીની કુલ આવક માટે, એટલે કે સરેરાશ દર મહિને રૂપિયા 1 લાખની આવક માટે કોઈ આવકવેરો ચુકવવાની જરૂર નહીં પડે. વાર્ષિક રૂપિયા 12.75 લાખ સુધીની કમાણી કરી રહેલા પગારદાર વ્યક્તિઓએ રૂપિયા 75,000ની પ્રમાણભૂત કપાતને કારણે કોઈ કરવેરો ચુકવવો નહીં પડે. નવા કર માળખા અને અન્ય પ્રત્યક્ષ કર દરખાસ્તો સામે, સરકાર લગભગ રૂપિયા 1 લાખ કરોડની આવક ગુમાવશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, સરકારે લોકોની જરૂરિયાતોને સમજવા માટે વિવિધ પગલાં લીધાં છે. પ્રત્યક્ષ કર દરખાસ્તોમાં મધ્યમ વર્ગ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને વ્યક્તિગત આવકવેરા સુધારા, TDS/TCSનું તર્કસંગતીકરણ, સ્વૈચ્છિક અનુપાલનને પ્રોત્સાહન તેમજ અનુપાલનના બોજમાં ઘટાડો, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ તેમજ રોજગાર અને રોકાણને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે.

અંદાજપત્રમાં નવી કર વ્યવસ્થા હેઠળ સુધારેલા કર દર માળખાનો પ્રસ્તાવ નીચે દર્શાવ્યા અનુસાર છે;

વાર્ષિક કુલ આવક કરનો દર
₹ 0 – 4 લાખ NIL
₹ 4 – 8 લાખ 5%
₹ 8 – 12 લાખ 10%
₹ 12 – 16 લાખ 15%
₹ 16 – 20 લાખ 20%
₹ 20 – 24 લાખ 25%
₹ 24 લાખ કરતાં વધુ 30%

TDS/TCSને તર્કસંગત બનાવવાના હેતુથી, અંદાજપત્રમાં વરિષ્ઠ નાગરિકોને વ્યાજ દ્વારા થતી કમાણી પર કર કપાતની મર્યાદા હાલમાં રૂપિયા 50,000 છે તેને વધારીને રૂપિયા 1 લાખ કરવામાં આવી છે. આ ઉપરાંત, ભાડા પર TDSની મર્યાદા વાર્ષિક રૂપિયા 2.4 લાખથી વધારીને રૂપિયા 6 લાખ કરવામાં આવી છે. અન્ય પગલાંઓ અંગર્ગત TCS વસૂલવા માટેની મર્યાદા વધારીને રૂપિયા 10 લાખ કરવામાં આવી છે અને ફક્ત પેન (PAN) સિવાયના કિસ્સામાં જ ઉચ્ચ TDS કપાત ચાલુ રાખવામાં આવી છે. TDSની ચુકવણીમાં થતા વિલંબને નિરાપરાધીકરણમાં લાવવાની જાહેરાત કર્યા પછી, TCSની ચુકવણીમાં થતા વિલંબને પણ હવે નિરાપરાધીકરણની શ્રેણીમાં લાવવાની જાહેરાત કરવામાં આવી છે.

Union Budget 2025: સ્વૈચ્છિક અનુપાલનને પ્રોત્સાહન આપવા માટે, અંદાજપત્રમાં કોઈપણ આકારણી વર્ષ માટે અપડેટ કરેલું રિટર્ન ફાઇલ કરવાની હાલની સમયમર્યાદા બે વર્ષ છે તેને વધારીને ચાર વર્ષ કરવામાં આવી છે. 90 લાખથી વધુ કરદાતાઓએ તેમની આવક અપડેટ કરવા માટે વધારાનો કર ચુકવ્યો છે. નાના સખાવતી ટ્રસ્ટ/સંસ્થાઓને તેમની નોંધણીનો સમયગાળો 5 થી વધારીને 10 વર્ષ કરીને લાભ આપવામાં આવ્યો છે, જેનાથી તેમના પરથી અનુપાલનનો બોજ હળવો થયો છે. આ ઉપરાંત, કરદાતાઓ હવે કોઈપણ શરત વિના બે સ્વ-કબજાવાળી મિલકતોના વાર્ષિક મૂલ્યનો દાવો શૂન્ય (NIL) તરીકે કરી શકે છે. ગયા અંદાજપત્રની વિવાદ સે વિશ્વાસ યોજનાને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને લગભગ 33,000 કરદાતાઓએ તેમના વિવાદોનું સમાધાન કરવા માટે આ યોજનાનો લાભ લીધો છે. વરિષ્ઠ અને ખૂબ જ વરિષ્ઠ નાગરિકોને લાભ પહોંચાડવા માટે 29 ઓગસ્ટ, 2024ના રોજ અથવા તે પછી રાષ્ટ્રીય બચત યોજના ખાતાઓમાંથી કરવામાં આવેલા ઉપાડને મુક્તિ આપવામાં આવી છે. NPS વાત્સલ્ય ખાતાઓને પણ આના જેવો જ લાભ મળશે.

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે, અંદાજપત્રમાં ત્રણ વર્ષના બ્લૉક સમયગાળા માટે આંતરરાષ્ટ્રીય વ્યવહારોની આર્મ્સ લંબાઇ કિંમત નક્કી કરવા માટેની યોજના રજૂ કરવામાં આવી છે. આ યોજના વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ સાથે સુસંગત છે. તેમજ, આંતરરાષ્ટ્રીય કરવેરામાં નિશ્ચિતતા પૂરી પાડવા માટે સેલ્ફ-હાર્બર નિયમોનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે.

રોજગાર અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે, ઇલેક્ટ્રોનિક્સ વિનિર્માણ સુવિધા સ્થાપિત કરતી અથવા ચલાવતી નિવાસી કંપનીને સેવાઓ પૂરી પાડતા બિન-નિવાસીઓ માટે એક પૂર્વાનુમાનિત કરવેરા વ્યવસ્થાની પરિકલ્પના કરવામાં આવી છે. આ ઉપરાંત, હાલની ટનેજ કર યોજનાના લાભો આંતરિક જહાજોને પણ આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે, નિગમન (ઇનકોર્પોરેશન)નો સમયગાળો 5 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. માળખાગત સુવિધા ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે, અંદાજપત્રમાં સોવરિન વેલ્થ ફંડ્સ અને પેન્શન ફંડ્સમાં રોકાણ કરવાની તારીખ વધુ પાંચ વર્ષ સુધી લંબાવીને 31 માર્ચ, 2030 સુધી કરવામાં આવી છે.

ઔદ્યોગિક માલસામાનના કસ્ટમ્સ શુલ્કને તર્કસંગત બનાવવાના ભાગ રૂપે, અંદાજપત્રમાં (i) સાત શુલ્ક દૂર કરવાનો, (ii) અસરકારક ડ્યૂટી ભારને જાળવી રાખવા માટે યોગ્ય સેસ (ઉપકર) લાગુ કરવાનો અને (iii) એક કરતા વધુ સેસ (ઉપકર) અથવા સરચાર્જ ન વસૂલવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો:  Dhan-Dhanya Krishi Yojana: કૃષિ વિકાસ અને ઉત્પાદકતાને મળશે વેગ, આ 100 જિલ્લાઓમાં શરૂ થશે પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના…

Union Budget 2025: દવાઓ/મેડિસિનની આયાત પર રાહત આપવા માટે, કેન્સર, દુર્લભ રોગો અને લાંબાગાળાના રોગોની સારવાર માટે 36 જીવનરક્ષક દવાઓ અને મેડિસિનને મૂળભૂત કસ્ટમ્સ શુલ્ક (BCD)માંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત, દર્દી સહાયતા કાર્યક્રમો હેઠળ 13 નવી દવાઓ અને મેડિસિન સાથે, 37 દવાઓ જો દર્દીઓને મફતમાં પૂરી પાડવામાં આવે તો તેને મૂળભૂત કસ્ટમ્સ શુલ્ક (BCD)માંથી મુક્તિ આપવામાં આવી છે.

સ્થાનિક ઉત્પાદન અને મૂલ્યવર્ધનને સહકાર આપવા માટે, જુલાઈ 2024માં 25 એવી મહત્વપૂર્ણ ખનિજો પરથી BCDમાંથી મુક્તિ આપવામાં આવી હતી, જે ઘરેલુ રીતે ઉપલબ્ધ ન હતી. અંદાજપત્ર 2025-26માં કોબાલ્ટ પાવડર અને કચરો, લિથિયમ-આયન બૅટરીનો ભંગાર, સીસું, ઝીંક અને અન્ય 12 મહત્વપૂર્ણ ખનિજોને સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે. સ્થાનિક કાપડ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે, સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવેલી કાપડ મશીનરીમાં બે વધુ પ્રકારના શટલ-લેસ લૂમનો ઉમેરો કરવામાં આવ્યો છે. તેમજ, નવ ટેરિફ લાઇનને આવરી લેતા ગૂંથેલા કાપડ પર BCD “10% થી 20%” હતું તેને સુધારીને “20% અથવા રૂપિયા 115 પ્રતિ કિલોમાંથી જે વધારે હોય તે” કરવામાં આવ્યું છે.”

ઇન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચરમાં સુધારો કરવા અને “મેક ઇન ઇન્ડિયા”ને પ્રોત્સાહન આપવા માટે, ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ ડિસ્પ્લે (IFPD) પર BCD વધારીને 20% અને ઓપન સેલ (ખુલ્લા કોષો) પર 5% કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઓપન સેલના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે, ઓપન સેલના ભાગો પર લાગતા BCDને મુક્તિ આપવામાં આવી છે.

દેશમાં લિથિયન-આયન બૅટરીના વિનિર્માણને વેગ આપવા માટે, EV બૅટરી ઉત્પાદન માટે 35 વધારાના મૂડી માલ અને મોબાઇલ ફોન બૅટરી ઉત્પાદન માટે 28 વધારાના મૂડી માલને મુક્તિ આપવામાં આવેલા મૂડી માલની યાદીમાં ઉમેરવામાં આવ્યા છે. કેન્દ્રીય અંદાજપત્ર 2025-26માં કાચા માલ, ઘટકો, ઉપભોક્તા વસ્તુઓ અથવા જહાજ નિર્માણ માટેના ભાગો પર BCD પર મુક્તિ બીજા દસ વર્ષ માટે ચાલુ રાખવામાં આવી છે. અંદાજપત્રમાં કેરિયર ગ્રેડ ઇથરનેટ સ્વિચો પર BCD 20% થી ઘટાડીને 10% કરવામાં આવ્યો છે જેથી તેને નોન-કેરિયર ગ્રેડ ઇથરનેટ સ્વિચોની સમકક્ષ બનાવી શકાય.

નિકાસને પ્રોત્સાહન આવા માટે, અંદાજપત્ર 2025-26 હસ્તકળાની નિકાસની સુવિધા પૂરી પાડવામાં આવી છે, મૂલ્યવર્ધન અને રોજગાર માટે વેટ બ્લુ ચામડા પર લાગતા BCDને સંપૂર્ણપણે મુક્તિ આપી છે, ફ્રોઝન ફિશ પેસ્ટ પર BCD 30% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે અને માછલી તેમજ ઝીંગા ફીડના ઉત્પાદન માટે ફિશ હાઇડ્રોલાયસેટ પર BCD 15% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો:  Union Budget 2025 Shipping: દરિયાઇ અને ઉડ્ડયન ક્ષેત્ર માટે આટલા કરોડનો ભંડોળ, 120 નવા એરપોર્ટ જોડાવા માટે યોજનાઓ શરુ કરશે

Union Budget 2025: કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, લોકશાહી, વસ્તી વિષયકતા અને માંગ વિકસિત ભારત યાત્રાના મુખ્ય આધારસ્તંભ છે. તેમણે કહ્યું હતું કે, મધ્યમ વર્ગ ભારતના વિકાસને મજબૂતી આપી રહ્યો છે અને તેમના દ્વારા આપવામાં આવતા યોગદાનને બિરદાવવા માટે સરકારે માટે સમયાંતરે ‘શૂન્ય કર’ સ્લેબમાં વધારો કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રસ્તાવિત નવા કર માળખાથી મધ્યમ વર્ગના હાથમાં વધુ નાણાં આવશે જેથી વપરાશ, બચત અને રોકાણને નોંધપાત્ર રીતે વેગ મળશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More